________________ શિક્ષાપાઠ 10. સદ્ગુરૂતત્ત્વ-ભાગ 1 પિતા- પુત્ર ! તું જે શાળામાં અભ્યાસ કરવા જાય છે તે શાળાના શિક્ષક કોણ છે ? પુત્ર- પિતાજી, એક વિદ્વાન અને સમજુ બ્રાહ્મણ છે. પિતા- તેની વાણી, ચાલચલગત વગેરે કેવાં છે ? પુત્ર- એનાં વચન બહુ મધુરાં છે. એ કોઈને અવિવેકથી બોલાવતા નથી અને બહુ ગંભીર છે. બોલે છે ત્યારે જાણે મુખમાંથી ફૂલ ઝરે છે. કોઈનું અપમાન કરતા નથી અને અમને સમજણથી શિક્ષા આપે છે. પિતા- તું ત્યાં શા કારણે જાય છે તે મને કહે જોઈએ. પુત્ર- આપ એમ કેમ કહો છો પિતાજી? સંસારમાં વિચક્ષણ થવાને માટે યુક્તિઓ સમજું, વ્યવહારની નીતિ શીખું એટલા માટે થઈને આપ મને ત્યાં મોકલો છો. પિતા- તારા એ શિક્ષક દુરાચરણી કે એવા હોત તો ? પુત્ર- તો તો બહ માઠું થાત. અમને અવિવેક અને કુવચન બોલતાં આવડત, વ્યવહારનીતિ તો પછી શીખવે પણ કોણ? પિતા- જો પુત્ર, એ ઉપરથી હું હવે તને એક ઉત્તમ શિક્ષા કહું. જેમ સંસારમાં પડવા માટે વ્યવહારનીતિ શીખવાનું પ્રયોજન છે, તેમ ધર્મતત્વ અને ધર્મનીતિમાં પ્રવેશ કરવાનું પરભવ માટે પ્રયોજન છે. જેમ તે વ્યવહારનીતિ સદાચારી શિક્ષકથી ઉત્તમ મળી શકે છે, તેમ પરભવ શ્રેયસ્કર ધર્મનીતિ ઉત્તમ ગુરૂથી મળી શકે છે. વ્યવહારનીતિના શિક્ષક અને ધર્મનીતિના શિક્ષકમાં બહ ભેદ છે. એક બિલોરીનો કકડો તેમ વ્યવહારશિક્ષક અને અમૂલ્ય કૌસ્તુભ જેમ આત્મધર્મ-શિક્ષક છે. પુત્ર- શિરછત્ર! આપનું કહેવું વાજબી છે. ધર્મના શિક્ષકની સંપૂર્ણ આવશયકતા છે. આપે વારંવાર સંસારનાં અનંત દુ:ખ સંબંધી મને કહ્યું છે. એથી પાર પામવા ધર્મ જ સહાયભૂત છે. ત્યારે ધર્મ કેવા ગુરૂથી પામીએ તો શ્રેયસ્કર નીવડે તે મને કૃપા કરીને કહો.