________________ શિક્ષાપાઠ 8. સતદેવતત્ત્વ ત્રણ તત્ત્વ આપણે અવશ્ય જાણવાં જોઈએ. જ્યાં સુધી તે તત્ત્વસંબંધી અજ્ઞાનતા હોય છે ત્યાં સુધી આત્મહિત નથી. એ ત્રણ તત્વ તે સદેવ, સધર્મ, સતગુરૂ છે. આ પાઠમાં સદેવસ્વરૂપ વિષે કંઈક કહું છું. જેઓને કૈવલ્યજ્ઞાન અને કૈવલ્યદર્શન પ્રાપ્ત થાય છે; કર્મના સમુદાય મહોગ્રતપોપધ્યાન વડે વિશોધન કરીને જેઓ બાળી નાંખે છે; જેઓએ ચંદ્ર અને શંખથી ઉજ્જવળ એવું શુક્લધ્યાન પ્રાપ્ત કર્યું છે; ચક્રવર્તી રાજાધિરાજ કે રાજપુત્ર છતાં જેઓ સંસારને એકાંત અનંત શોકનું કારણ માનીને તેનો ત્યાગ કરે છે; કેવળ દયા, શાંતિ, ક્ષમા, નીરામિત્વ અને આત્મસમૃદ્ધિથી ત્રિવિધ તાપનો લય કરે છે; સંસારમાં મુખ્યતા ભોગવતા જ્ઞાનાવરણીય દર્શનાવરણીય, મોહનીય અને અંતરાય એ ચાર કર્મ ભસ્મીભૂત કરીને જેઓ સ્વસ્વરૂપથી વિહાર કરે છે; સર્વ કર્મના મૂળને જેઓ બાળી નાખે છે, કેવળ મોહિનીજનિત કર્મનો ત્યાગ કરી નિદ્રા જેવી તીવ્ર વસ્તુ એકાંત ટાળી જેઓ પાતળાં પડેલાં કર્મ રહ્યા સુધી ઉત્તમ શીલનું સેવન કરે છે, વિરાગતાથી કર્મગ્રીષ્મથી અકળાતા પામર પ્રાણીઓને પરમ શાંતિ મળવા જેઓ શુદ્ધ બોધબીજનો મેઘધારાવાણીથી ઉપદેશ કરે છે; કોઈ પણ સમયે કિંચિત માત્ર પણ સંસારી વૈભવવિલાસનો સ્વપ્નાંશ પણ જેને રહ્યો નથી; કર્મદળ ક્ષય કર્યા પ્રથમ શ્રીમુખવાણીથી જેઓ છદ્મસ્થતા ગણી ઉપદેશ કરતા નથી; પાંચ પ્રકારના અંતરાય, હાસ્ય, રતિ, અરતિ, ભય, જુગુપ્સા, શોક, મિથ્યાત્વ, અજ્ઞાન, અપ્રત્યાખ્યાન, રાગ, દ્વેષ, નિદ્રા અને કામ એ અઢાર દૂષણથી રહિત, સચ્ચિદાનંદ સ્વરૂપથી વિરાજમાન અને મહા ઉદ્યોતકર બાર ગુણ જેઓમાં પ્રગટે છે; જન્મ, મરણ અને અનંત સંસાર જેનો ગયો છે, તે સદેવ નિગ્રંથ આગમમાં કહ્યા છે. એ દોષરહિત શુદ્ધ આત્મસ્વરૂપને પામેલ હોવાથી પૂજનીય પરમેશ્વર કહેવાય છે. અઢાર દોષમાંનો એક પણ દોષ હોય ત્યાં સદેવનું સ્વરૂપ નથી. આ પરમતત્વ ઉત્તમ સૂત્રોથી વિશેષ જાણવું અવશ્યનું છે.