________________ શિક્ષાપાઠ 4. માનવદેહ 'તમે સાંભળ્યું તો હશે કે વિદ્વાનો માનવદેહને બીજા સઘળા દેહ કરતાં ઉત્તમ કહે છે. પણ ઉત્તમ કહેવાનું કારણ તમારા જાણવામાં નહીં હોય માટે લો હું કહું. આ સંસાર બહુ દુઃખથી ભરેલો છે. એમાંથી જ્ઞાનીઓ તરીને પાર પામવા પ્રયોજન કરે છે. મોક્ષને સાધી તેઓ અનંત સુખમાં વિરાજમાન થાય છે. એ મોક્ષ બીજા કોઈ દેહથી મળનાર નથી. દેવ, તિર્યંચ કે નરક એ એક્કે ગતિથી મોક્ષ નથી; માત્ર માનવદેહથી મોક્ષ છે. ત્યારે તમે પૂછશો કે સઘળાં માનવીઓનો મોક્ષ કેમ થતો નથી ? એનો ઉત્તર પણ હું કહી દઉં. જેઓ માનવપણું સમજે છે તેઓ સંસારશોકને તરી જાય છે. માનવપણું વિદ્વાનો અને કહે છે કે, જેનામાં વિવેકબુદ્ધિ ઉદય પામી હોય, તે વડે સત્યાસત્યનો નિર્ણય સમજીને પરમ તત્ત્વ, ઉત્તમ આચાર અને સતધર્મનું સેવન કરીને તેઓ અનુપમ મોક્ષને પામે છે. મનુષ્યના શરીરના દેખાવ ઉપરથી વિદ્વાનો તેને મનુષ્ય કહેતા નથી; પરંતુ તેના વિવેકને લઈને કહે છે. બે હાથ, બે પગ, બે આંખ, બે કાન, એક મુખ, બે હોઠ અને એક નાક એ જેને હોય તેને મનુષ્ય કહેવો એમ આપણે સમજવું નહીં. જો એમ સમજીએ તો પછી વાંદરાને પણ મનુષ્ય ગણવો જોઈએ. એણે પણ એ પ્રમાણે સઘળું પ્રાપ્ત કર્યું છે. વિશેષમાં એક પૂંછડું પણ છે; ત્યારે શું એને મહા મનુષ્ય કહેવો ? નહીં, માનવપણું સમજે તે જ માનવ કહેવાય. જ્ઞાનીઓ કહે છે કે, એ ભવ બહુ દુર્લભ છે; અતિ પુણ્યના પ્રભાવથી એ દેહ સાંપડે છે; માટે એથી ઉતાવળે આત્મસાર્થક કરી લેવું. અયમંતકુમાર, ગજસુકુમાર જેવાં નાનાં બાળકો પણ માનવપણાને સમજવાથી મોક્ષને પામ્યા. મનુષ્યમાં જે શક્તિ વધારે છે તે શક્તિ વડે કરીને મદોન્મત્ત હાથી જેવાં પ્રાણીને પણ વશ કરી લે છે; એ જ શક્તિ વડે જો તેઓ પોતાના મનરૂપી હાથીને વશ કરી લે તો કેટલું કલ્યાણ થાય ! કોઈ પણ અન્ય દેહમાં પૂર્ણ સદ્વિવેકનો ઉદય થતો નથી અને મોક્ષના રાજમાર્ગમાં પ્રવેશ થઈ શકતો નથી. એથી આપણને મળેલો એ બહુ દુર્લભ માનવદેહ સફળ કરી લેવો અવયનો છે. કેટલાક મૂ દુરાચારમાં, અજ્ઞાનમાં, વિષયમાં અને અનેક પ્રકારના મદમાં મળેલો માનવદેહ વૃથા ગુમાવે છે. અમૂલ્ય કૌસ્તુભ હારી બેસે છે. એ નામના માનવ ગણાય, બાકી તો વાનરરૂપ જ છે. મોતની પળ નિશ્ચય આપણે જાણી શકતા નથી, માટે જેમ બને તેમ ધર્મમાં ત્વરાથી સાવધાન થવું. 1 જુઓ ભાવનાબોધ, પંચમચિત્ર-પ્રમાણશિક્ષા