________________ શિક્ષાપાઠ 2. સર્વમાન્ય ધર્મ (ચોપાઈ) ધર્મતત્વ જો પૂછ્યું મને, તો સંભળાવું સ્નેહે તને; જે સિદ્ધાંત સકળનો સાર, સર્વમાન્ય સહુને હિતકાર. ભાખ્યું ભાષણમાં ભગવાન, ધર્મ ન બીજો દયા સમાન; અભયદાન સાથે સંતોષ, દ્યો પ્રાણીને, દળવા દોષ. સત્ય શીળ ને સઘળાં દાન, દયા હોઈને રહ્યાં પ્રમાણ; દયા નહીં તો એ નહિ એક, વિના સૂર્ય કિરણ નહિ દેખ. પુષ્પપાંખડી જ્યાં દુભાય, જિનવરની ત્યાં નહિ અજ્ઞાય; સર્વ જીવનું ઇચ્છો સુખ, મહાવીરની શિક્ષા મુખ્ય. સર્વ દર્શને એ ઉપદેશ, એ એકાંતે, નહીં વિશેષ; સર્વ પ્રકારે જિનનો બોધ, દયા દયા નિર્મળ અવિરોધ એ ભવતારક સુંદર રાહ, ધરિયે તરિયે કરી ઉત્સાહ; ધર્મ સકળનું એ શુભ મૂળ, એ વણ ધર્મ સદા પ્રતિકૂળ. તત્વરૂપથી એ ઓળખે, તે જન પહોંચે શાશ્વત સુખે; શાંતિનાથ ભગવાન પ્રસિદ્ધ, રાજચંદ્ર કરુણાએ સિદ્ધ.