SearchBrowseAboutContactDonate
Page Preview
Page 2
Loading...
Download File
Download File
Page Text
________________ એને અપૂર્વ સુખની પ્રાપ્તિવાળું સ્વપ્ન પ્રાપ્ત થયું. સ્વપ્નાવસ્થામાં તેનાં રોમાંચ ઉલસી ગયાં. તે જાણે પોતે ખરેખર તેવું સુખ ભોગવે છે એવું તે માનવા લાગ્યો. એવામાં સૂર્યદેવ વાદળાંથી ઢંકાઈ ગયો; વીજળીના ઝબકારા થવા લાગ્યા; મેઘ મહારાજા ચઢી આવ્યા; સર્વત્ર અંધકાર વ્યાપી ગયો; મુશળધાર વરસાદ પડશે એવો દેખાવ થઈ ગયો; અને ગાજવીજથી એક સઘન કડાકો થયો. કડાકાના પ્રબળ અવાજથી ભય પામીને સત્વર તે પામર ભિખારી જાગૃત થઈ ગયો. જાગીને જુએ છે તો નથી તે દેશ કે નથી તે નગરી, નથી તે મહાલય કે નથી તે પલંગ, નથી તે ચામરછત્ર ધરનારા કે નથી તે છડીદારો, નથી તે સ્ત્રીઓનાં છંદ કે નથી તે વસ્ત્રાલંકારો, નથી તે પંખા કે નથી તે પવન, નથી તે અનુચરો કે નથી તે આજ્ઞા, નથી તે સુખવિલાસ કે નથી તે મદોન્મત્તતા. જુએ છે તો જે સ્થળે પાણીનો વૃદ્ધ ઘડો પડ્યો હતો તે જ સ્થળે તે પડ્યો છે. જે સ્થળે ફાટીતૂટી ગોદડી પડી હતી તે સ્થળે તે ફાટીતૂટી ગોદડી પડી છે. ભાઈ તો જેવા હતા તેવા ને તેવા દેખાયા. પોતે જેવાં મલિન અને અનેક જાળી ગોખવાળાં વસ્ત્ર ધારણ કર્યાં હતાં તેવાં ને તેવાં તે જ વસ્ત્રો શરીર ઉપર વિરાજે છે. નથી તલભાર ઘટ્યું કે નથી જવભાર વધ્યું. એ સઘળું જોઈને તે અતિ શોક પામ્યો. જે સુખાડંબર વડે મેં આનંદ માન્યો તે સુખમાંનું તો અહીં કશુંયે નથી. અરેરે ! મેં સ્વપ્નના ભોગ ભોગવ્યા નહીં અને મિથ્યા ખેદ મને પ્રાપ્ત થયો. બિચારો તે ભિખારી એમ ગ્લાનિમાં આવી પડ્યો. પ્રમાણશિક્ષાસ્વપ્નપ્રાપ્તિમાં જેમ તે ભિખારીએ સુખસમુદાય દીઠા, ભોગવ્યા અને આનંદ માન્યો, તેમ પામર પ્રાણીઓ સંસારના સ્વપ્નવત સુખસમુદાયને મહાનંદરૂપ માની બેઠા છે. જેમ તે સુખસમુદાય જાગૃતિમાં તે ભિખારીને મિથ્યા જણાયા, તેમ તત્ત્વજ્ઞાનરૂપી જાગૃતિ વડે સંસારનાં સુખ તેવાં જણાય છે. સ્વપ્નાના ભોગ ન ભોગવ્યા છતાં જેમ તે ભિખારીને શોકની પ્રાપ્તિ થઈ, તેમ પામર ભવ્યો સંસારમાં સુખ માની બેસે છે, અને ભોગવ્યા તુલ્ય ગણે છે, પણ તે ભિખારીની પેઠે પરિણામે ખેદ, પશ્ચાત્તાપ અને અધોગતિને પામે છે. સ્વપ્નાની એકે વસ્તુનું સત્યત્વ નથી, તેમ સંસારની એકે વસ્તુનું સત્યત્વ નથી. બન્ને ચપલ અને શોકમય છે. આવું વિચારી બુદ્ધિમાન પુરુષો આત્મશ્રેયને શોધે છે. ઇતિ શ્રી ભાવનાબોધ ગ્રંથના પ્રથમ દર્શનનું પ્રથમ ચિત્ર ‘અનિત્યભાવના' એ વિષય પર સદ્રષ્ટાંત વૈરાગ્યોપદેશાર્થ સમાપ્ત થયું.
SR No.330020
Book TitleVachanamrut 0016 01 Anitya Bhavana
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra
PublisherJaysinhbhai Devalali
Publication Year
Total Pages1
LanguageGujarati
ClassificationAudio_File & Shrimad_Rajchandra_Vachanamrut
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy