________________ 8 સહજપ્રકૃતિ 1. પરહિત એ જ નિજહિત સમજવું, અને પરદુઃખ એ પોતાનું દુઃખ સમજવું. 2. સુખદુઃખ એ બન્ને મનની કલ્પના છે. 3. ક્ષમા એ જ મોક્ષનો ભવ્ય દરવાજો છે. 4. સઘળા સાથે નમ્રભાવથી વસવું એ જ ખરું ભૂષણ છે. 5. શાંતસ્વભાવ એ જ સજ્જનતાનું ખરું મૂળ છે. 6. ખરા સ્નેહીની ચાહના એ સજ્જનતાનું ખાસ લક્ષણ છે. 7. દુર્જનનો ઓછો સહવાસ. 8. વિવેકબુદ્ધિથી સઘળું આચરણ કરવું. 9. દ્વેષભાવ એ વસ્તુ ઝેરરૂપ માનવી. 10. ધર્મકર્મમાં વૃત્તિ રાખવી. 11. નીતિના બાંધા પર પગ ન મૂકવો. 12. જિતેન્દ્રિય થવું. 13. જ્ઞાનચર્ચા અને વિદ્યાવિલાસમાં તથા શાસ્ત્રાધ્યયનમાં ગૂંથાવું. 14. ગંભીરતા રાખવી. 15. સંસારમાં રહ્યા છતાં ને તે નીતિથી ભોગવતાં છતાં, વિદેહી દશા રાખવી. 16. પરમાત્માની ભક્તિમાં ગૂંથાવું. 17. પરનિંદા એ જ સબળ પાપ માનવું. 18. દુર્જનતા કરી ફાવવું એ જ હારવું, એમ માનવું. 19. આત્મજ્ઞાન અને સજ્જનસંગત રાખવાં.