________________ 12. કિંવા કોઈ પ્રાણીને જીવિતવ્યરહિત કરવાં નહીં, ગજા ઉપરાંત તેનાથી કામ લેવું નહીં. 13. કિંવા સત્પરુષો જે રસ્તે ચાલ્યા તે. 14. મૂળતત્ત્વમાં ક્યાંય ભેદ નથી, માત્ર દ્રષ્ટિમાં ભેદ છે એમ ગણી આશય સમજી પવિત્ર ધર્મમાં પ્રવર્તન કરજે. 15. તું ગમે તે ધર્મ માનતો હોય તેનો મને પક્ષપાત નથી, માત્ર કહેવાનું તાત્પર્ય કે જે રાહથી સંસારમળ નાશ થાય તે ભક્તિ, તે ધર્મ અને તે સદાચારને તું સેવજે. 16. ગમે તેટલો પરતંત્ર હો તોપણ મનથી પવિત્રતાને વિસ્મરણ કર્યા વગર આજનો દિવસ રમણીય કરજે 17. આજે જો તું દુષ્કૃતમાં દોરાતો હો તો મરણને સ્મર. 18. તારા દુઃખ-સુખના બનાવોની નોંધ આજે કોઈને દુઃખ આપવા તત્પર થાય તો સંભારી જા. 19. રાજા હો કે રંક હો-ગમે તે હો, પરંતુ આ વિચાર વિચારી સદાચાર ભણી આવજો કે આ કાયાનાં પુદગલ થોડા વખતને માટે માત્ર સાડાત્રણ હાથ ભૂમિ માંગનાર છે. 20. તું રાજા હો તો ફિકર નહીં, પણ પ્રમાદ ન કર, કારણ નીચમાં નીચ, અધમમાં અધમ, વ્યભિચારનો, ગર્ભપાતનો, નિર્વશનો, ચંડાલનો, કસાઈનો અને વેશ્યાનો એવો કણ તું ખાય છે. તો પછી ? 21. પ્રજાનાં દુઃખ, અન્યાય, કર એને તપાસી જઈ આજે ઓછાં કર. તું પણ હે રાજા ! કાળને ઘેર આવેલો પરૂણો છે. 22. વકીલ હો તો એથી અર્ધા વિચારને મનન કરી જજે. 23. શ્રીમંત હો તો પૈસાના ઉપયોગને વિચારજે. રળવાનું કારણ આજે શોધીને કહેજે. 24. ધાન્યાદિકમાં વ્યાપારથી થતી અસંખ્ય હિંસા સંભારી ન્યાયસંપન્ન વ્યાપારમાં આજે તારું ચિત્ત ખેંચ. 25. જો તું કસાઈ હોય તો તારા જીવના સુખનો વિચાર કરી આજના દિવસમાં પ્રવેશ કર. 26. જો તું સમજણો બાલક હોય તો વિદ્યા ભણી અને આજ્ઞા ભણી દ્રષ્ટિ કર. 27. જો તું યુવાન હોય તો ઉદ્યમ અને બ્રહ્મચર્ય ભણી દ્રષ્ટિ કર. 28. જો તું વૃદ્ધ હોય તો મોત ભણી દ્રષ્ટિ કરી આજના દિવસમાં પ્રવેશ કર. 29. જો તું સ્ત્રી હોય તો તારા પતિ પ્રત્યેની ધર્મકરણીને સંભાર;- દોષ થયા હોય તેની ક્ષમા યાચ અને કુટુંબ ભણી દ્રષ્ટિ કર. 30. જો તું કવિ હોય તો અસંભવિત પ્રશંસાને સંભારી જઈ આજના દિવસમાં પ્રવેશ કર.