________________
જાણ્યું છતાં અજાણ્યું મુનીન્દ્ર મુનિ શ્રી દીપરત્નસાગરજી મહારાજ
કુમારપાલ દેસાઈ પાંચસો એક ગ્રંથના રચયિતા મુનિરાજશ્રીની અપૂર્વ જ્ઞાનસાધના - ૫૦૧ પુસ્તકો તો રચી ચૂક્યા છે અને બીજાં પુસ્તકોની રચના ચાલુ છે
જિંદગીમાં આવતા પરિવર્તનની ક્યાં કોઇને ઝાંખી થતી હોય છે, પરંતુ એ પરિવર્તનની પાછળ કુટુંબના સંસ્કારો અને આંતરિક જિજ્ઞાøસાનું પ્રચંડ પીઠબળ હોય છે. આમ તો પોતાના બી.એડ્.ના અભ્યાસકાળ દરમિયાન પોતાના તોફાનને કારણે જાણીતા થયેલા હોશિયાર તરુણ દીપકે એમ.કૉમ. અને એમ.એ.ની પદવી પ્રાપ્ત કરી. એના પિતાના દાદીમા અને ફોઇબાએ દીક્ષા લીધી હતી. પોતાનાથી આઠ વર્ષ મોટા ભાઇએ પણ દીક્ષા લીધી હતી. એમના દૂરના કાકાએ પણ આવી દીક્ષા ગ્રહણ કરી હતી અને એટલે અભ્યાસ કરતી વખતે પણ એમનો રંગ તો વૈરાગ્યનો હતો.
એસ.વાય.બી.કોમ.ના અભ્યાસ સમયે રામકૃષ્ણ મિશનથી પરિચિત બનતાં જિંદગીમાં એટલી તો ગાંઠ વાળી કે મારે લગ્ન કરવા નથી અને દીક્ષા લેવી છે. દીક્ષા ક્યાં લેવી એ મનમાં નિશ્ચિત નહોતું, પરંતુ દીપકે માન્યું કે હવે આ સંસારી જીવન જોઇએ નહીં અને એણે કન્યાની શોધ કરી રહેલા માતાપિતાને કહ્યું કે મારે દીક્ષા લેવી છે. દીપકના મોટાભાઇએ દીક્ષા લીધી હોવાથી એમના પિતા કાંતિભાઇ આ વાતને સ્વીકારી શક્યા, પરંતુ માતા હૈયાફાટ રુદન કરવા લાગી. પણ અંતે થોડા સમયે વર્ગખંડમાં અધ્યાપન કરાવનાર દીપક જૈન સાધુના શ્વેત વસ્ત્રોમાં ખુલ્લા પગે અને પોતાના ગુરુ સાથે એક ગામથી બીજે ગામ વિહાર કરવા લાગ્યો. એ દીપકમાંથી મુનિશ્રી દીપરત્નસાગરજી બન્યા અને એમણે જ્ઞાાનમાર્ગે બક્તિ કરવાનો સંકલ્પ ધારણ કર્યો. એમાંથી એક નવી વાત સર્જાઇ અને તે એમની ગ્રંથયાત્રાની.
એમણે જ્યારે અધ્યાપનકાર્ય સમયે સંશોધનકાર્ય કરવાનો વિચાર કર્યો, ત્યારે 'એજ્યુકેશનલ ફિલોસોફી ઑફ જૈનિઝમ' વિશે પીએચ.ડી.નો મહાનિબંધ લખવા ચાહતા હતા, પરંતુ એ પ્રસંગે એમણે જૈન ધર્મના જુદાં જુદાં પુસ્તકો વાંચ્યા. આ વાંચન પણ એમને સંસારના માર્ગેથી સંયમના માર્ગે દોરી ગયું. જૈન મુનિ બન્યા પછી એમણે જોયું કે જૈનધર્મના અભ્યાસના પાયા સમાન સંસ્કૃત વ્યાકરણનો અભ્યાસ મુશ્કેલ બનતો જતો હતો. એક બાજુ આ વિષયના વિદ્વાન પંડિતો મળતા નહીં અને વળી જો કોઇ પંડિત મળે, તો પણ કોઇ સંઘ એમના ખર્ચને ઉઠાવવા ભાગ્યે જ તૈયાર હોય. આથી એમણે સંસ્કૃત વ્યાકરણ તૈયાર કરવાનું કામ શરૃ કર્યું. એક હજાર પૃષ્ઠના ચાર ગ્રંથો તૈયાર કર્યાં.