________________
કર્ણસિંહકૃત ગિરનારસ્થ “ખરતરવસહી-ગીત”
સોળ કડીમાં નિબદ્ધ અને કેટલાંક ઐતિહાસિક તથ્યો સમાવતા આ ગીતના રચયિતાએ આખરી કડીમાં પોતાનું નામ “કરણસંઘ' આપ્યું છે.* પણ તેમાં કર્તાએ પોતા વિશે કંઈ વિશેષ કહ્યું નથી. તેમ રચનાનું વર્ષ પણ દર્શાવ્યું નથી; પણ વસ્તુની દૃષ્ટિએ કૃતિ ૧૫મા શતકના આખરી ભાગ યા ૧૬મા શતકથી પ્રાચીન હોય તેમ જણાતું નથી. આથી કર્તા ૧૫મા-૧૬મા સૈકામાં થઈ ગયા જણાય છે. સંભવ છે કે તેઓ ખરતરગચ્છની આમ્નાયના શ્રાવક હોય.
સંપ્રતિ રચના–ખરતરવસહીગીત–ગિરનાર પર ખરતરગચ્છીય નરપાલ સંઘવીએ ઈ. સ. ૧૪૪૧થી થોડાં વર્ષ પૂર્વે (મોટે ભાગે ઈ. સ ૧૪૩૮ના અરસામાં), પૂર્વે વસ્તુપાલ મંત્રીએ કરાવેલ સત્યપુરાવતાર મહાવીરના જૂના મંદિરને કાઢી નાખી તે સ્થળે નવું બંધાવેલું તે મંદિરને અનુલક્ષીને થઈ છે. નવનિર્માતા ખરતરગચ્છીય હોવાથી આ મંદિર “ખરતરવસહી” નામથી ૧૫મા શતકના ઉત્તરાર્ધથી જાણીતું થયેલું; જો કે એ નામ પણ પછી તો ભુલાઈ જવાથી વર્તમાને તે (ખોટી રીતે) “મેલવસહી' નામે પરિચયમાં છે. (જુઓ આ ગ્રંથના દ્વિતીય ભાગ અંતર્ગત મારો આ ખરતરવસહી સંબદ્ધ વિસ્તૃત લેખ.).
રચયિતા કવિએ ૮મી કડીમાં જિનભદ્રસૂરિના વચનથી ભણસાલી નરપાળે પ્રસ્તુત મંદિર બંધાવ્યાનું કહ્યું છે; અને મંદિરના વર્ણનમાં મંડપની પૂતળીઓ, જમણી બાજુએ રહેલ (ભદ્રપ્રાસાદમાં) અષ્ટાપદની રચના, તેમ જ (તેની સામે) ડાબી બાજુએ એ જ પ્રમાણે રહેલા (ભદ્રાસાદમાં રહેલા) નંદીશ્વરનો ઉલ્લેખ કરે છે. મૂળ ગભારામાં અધિષ્ઠિત જિનવીરની ધાતુમૂર્તિ, તેનાં રત્નજડિત પરિકર અને તોરણનો પણ ગીત-કર્તા ઉલ્લેખ કરે છે. એકંદરે ગીતનું કલેવર પાતળું છે. કૃતિ દેશ્ય ઢાળમાં ઢળેલી છે, પણ સંઘટન બહુ વ્યવસ્થિત નથી. ભાષા પૂર્ણરૂપે જૂની ગુજરાતીને બદલે મરુ-ગૂર્જરના સ્પર્શવાળી જણાય છે. ખરતરગચ્છનું જોર રાજસ્થાનમાં ઘણું હતું ! કર્તા ‘કરણસંઘ' એ તરફના હોવાનો સંભવ છે.
ટિપ્પણો :
* પાટણના શ્રી હેમચંદ્રાચાર્ય જ્ઞાનભંડારમાં રહેલી, અને એક માત્ર ઉપલબ્ધ પ્રતિ (ક્રમાંક ૩૧૨૨),
પરથી અહીં સંપાદિત કરવામાં આવી છે. સંપાદક પ્રસ્તુત સંસ્થાના આભારી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org