________________
ગીતા ભાવાર્થ ભાવાનુવાદ પ્રસ્તાવના સાથે બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ પ્રકાશિત કર્યો હતો. એમાં એમને નીચે પ્રમાણે અગમવાણી ભાષી હતી.
ભારતમાંથી બ્રિટિશ સત્તા અસ્ત પામી હશે અને એ સત્તાને સમૃદ્ધિ અને સામર્થ્ય બક્ષતા સ્ત્રોતો સ્મૃતિ લોપ હશે ત્યારે પણ ભારતીય દર્શનોના લેખકો ટકી રહ્યાં હશે.”
સ્વામી વિવેકાનંદે પણ ભારપૂર્વક કહ્યું છે કે “શ્રીમદ્ ભગવદ્ગીતા એ વેદાન્ત ઉપરનો ઉત્તમમાં ઉત્તમ પ્રમાણ ગ્રંથ છે. જેમાં વેદાન્તની લગભગ આખી ફિલસૂફી સમાયેલી છે. તેથી ભગવદ્ ગીતાને સઘળાં ભારતીય સાહિત્યનો ચૂડામણિ લેખવામાં આવે છે.'
આમ ગીતા વેદાન્તરૂપી અમૃત છે. વેદાન્તમાં ૩૨ જેટલી બ્રહ્મવિદ્યાઓ સમજાવવામાં આવી છે. તે બધાંનો સાર ગીતામાં છે. ગીતાના કુલ ૧૮ અધ્યાય છે. જે મોટાભાગે અર્જુન ભગવાન શ્રીકૃષ્ણના સંવાદ રૂપે છે. અર્જુનના પ્રશ્નોના ઉત્તરમાં ભગવાન શ્રી કૃષ્ણ ૧૮ જેટલા જુદા જુદા યોગ અર્જુનને શીખવ્યા છે. માટે દરેક અધ્યાય એક યોગના નામે પ્રસિદ્ધ છે. એક થી છ સુધીના અધ્યાયોમાં કર્મમાર્ગની, સાતથી બાર સુધીના અધ્યાયોમાં ભક્તિમાર્ગની, જ્યારે તેરથી અઢાર સુધીના અધ્યાયોમાં જ્ઞાનમાર્ગની વિગતવાર સમજણ છે.
આમ ગીતામાં કર્મ, જ્ઞાન અને ભક્તિને સમાન માહાત્મય આપવામાં આવેલ છે. ધર્મના આ વિવિધ માર્ગોનો સમન્વય એ ગીતાનું મુખ્ય તાત્પર્ય છે. ગીતા કોઇ વાદને લઇને નથી ચાલી, કે નથી કોઇ એક સંપ્રદાયના સિદ્ધાંતને લઇને ચાલી, ગીતાનું હંમેશા એક તાત્પર્ય રહ્યું છે કે જીવનું કોઇ પણ પરિસ્થિતિમાં કલ્યાણ થાય, તે કોઇ પણ પરિસ્થિતિમાં પરમાત્માથી વંચિત નરહે. આમ કર્મ, જ્ઞાન અને ભક્તિના માર્ગો દ્વારા પરમાત્માની પ્રાપ્તી આવશ્યક થાય છે.
ગીતા ભાવાર્થ ભાવાનુવાદ
પરંતું સાચો અને સરળ માર્ગ એ ભક્તિમાર્ગ છે. શ્રી આચાર્યચરણના મતે ગીતામાં ભક્તિમાર્ગની ઉચ્ચતા અને તેનું પ્રાધાન્ય બતાવવામાં આવ્યું છે. ગીતાના છઠ્ઠા અધ્યાયમાં છેલ્લા બે શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ સ્વમુખે કહે છે. તપસ્વી કરતાં તપોયોગી ઉત્તમ છે. તપોયોગી કરતાં કર્મ કરનાર ઉત્તમ છે. કર્મ કરનાર કરતાં કર્મયોગી ઉત્તમ છે. પરંતું સઘળા યોગીઓમાં જે શ્રદ્ધાવાન ભક્ત મારામાં તલ્લીન થયેલા મન વડે મારું ભજન કરે છે તે મારા મતમાં સર્વશ્રેષ્ઠ છે. આમ ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે બધા માર્ગો શ્રેષ્ઠ છે, પરંતુ ભક્તિમાર્ગ એ સર્વશ્રેષ્ઠ છે. આમ ગીતાનો કેન્દ્રવર્તી વિચાર માત્ર ભક્તિયોગની પ્રાપ્તીનો છે. તેથી ભગવાન શ્રીકૃષ્ણ અધ્યાય અઢારના છાસઠના શ્લોકમાં અર્જુનને કહે છે કે સઘળા ધર્મોનો આશ્રય છોડીને તું કેવળ મારે શરણે આવી જા. હું તને સઘળાં પાપોથી મુક્ત કરી દઇશ. ચિંતા ના કરીશ. આમ શરણ દ્વારા ભક્તિ માર્ગનો ઉપદેશ એ ગીતાનો પ્રધાન સૂર છે.
આપણે અહીં ખાસ એ વાતનું ધ્યાન રાખવું જોઇએ કે ગીતામાં માત્ર કર્મ, જ્ઞાન અને ભક્તિમાર્ગનું વર્ણન થયું છે. તેવી વાત પણ નથી, પરંતું આ ત્રણ માર્ગો સિવાય યજ્ઞ, દાન, તપ, ધ્યાનયોગ, પ્રાણાયામ, હઠયોગ, લયયોગ વગેરે સાધનાનું પણ વર્ણન કરવામાં આવેલ છે. કારણ કે મુખ્ય ઉદ્દેશ તો આગળ ઉપર બતાવ્યું તેમ જીવનું કોઇ પણ પરિસ્થિતિમાં કલ્યાણ થાય, તે કોઇ પણ પરિસ્થિતિમાં પરમાત્માથી વંચિત ન રહે તે છે.
આથી આદિશંકરાચાર્યજીથી માંડીને આજસુધીના સર્વ આચાર્યો વિદ્વાનો, સંતોએ તથા પશ્ચિમના ચિંતકોએ પણ આ અગાધ ગીતા સાગરમાં ઊંડા ઉતરીને અનેક ગુપ્તતમ અમૂલ્ય રત્નો શોધી જીવના કલ્યાણ અર્થે જગત સામે રજૂ કર્યો છે.