________________ સૂતક સંબંધી શાસ્ત્રીય સરળ સમજ 129. કારણે તે વિધિકારને પ્રતિષ્ઠા દરમિયાન જે વિધાન નિત્ય કરવાના હોય તેને નિત્યકર્મ કહેવામાં આવે છે તે નિત્યકર્મની હાનિ થાય છે. તું જે કલ્પના લગાવે છે તેવું કોઈ નિત્યકર્મ ત્યાં લેવાનું લખ્યું નથી. શાસ્ત્રપાઠ જો પૂરી ગીતાર્થતા સાથે વંચાય અને વિચારાય તો કલ્યાણ કરે આડેધડ ઉઠાવીને તેનો અસંગત અર્થ કરે તો એ જ શાસ્ત્ર તે વ્યક્તિ માટે વિઘાતક પણ બને માટે શ્રેયસ, તું સમજ, ભોજનના કારણે પૂજા અટકી જતી નથી. શ્રેયસ : સૂતકવાળાના ઘરનું ભોજન અભોજ્ય તો ખરું જ ને ? તેવું ભોજન લેનારો અશુદ્ધ ન બની જાય ? આવો અશુદ્ધ વ્યક્તિ સ્નાન કરે તો પણ શુદ્ધ કેવી રીતે થાય ? તેણે પૂજા બંધ કરવી જ પડે એવું નહિ? - આચાર્યશ્રી : પ્રસૂતા કે રજસ્વલા સ્ત્રીએ અડેલો આહાર વપરાય નહિ. એ અભોજ્ય જ કહેવાય. પણ કોઈએ વાપરી લીધો તો હવે તેનાથી પૂજા ન થાય એવો નિયમ તું લગાડવા જાય છે ત્યાં તારી ઉતાવળ થાય છે. કારણ કે અભોજ્ય કે અભક્ષ્ય આહાર વાપરનાર જો પૂજા ન કરી શકે તો બાવીશ અભક્ષ્યમાં અનંતકાયનું ભક્ષણ, રાત્રિભોજન, દ્વિદળભોજન વગેરે પણ ગણાવેલ છે. તારા વિચાર મુજબ તો આવું અભક્ષ્ય ભોજન કરનારાથી પૂજા થશે જ નહિ તો પછી રાત્રિભોજન કરનારા, કંદમૂળ ખાનારા દ્વિદળભોજન લેનારા બધા માટે પૂજા બંધ નહિ થાય? આજે સૂતકમાં પૂજા બંધ કરવાનો મોટેથી ઉદ્ઘોષ કરનારા મંદ સ્વરે પણ એવું નથી કહેતા કે રાત્રિભોજન - કંદમૂળ-દ્વિદળ વગેરે અભક્ષ્યભોજન કરનારાથી પૂજા ન થાય. તેનાથી શરીર અભડાઈ ગયું, આત્મા પણ અભડાયો માટે દેરાસર પણ અભડાઈ જશે. શ્રેયસ, ધ્યાન રાખજે, આ વાત રાત્રિભોજન કરવાના સમર્થનમાં નથી અને અનંતકાય ને દ્વિદળ આદિના ભક્ષણનો બચાવ કરવા માટે પણ નથી. આનાથી આત્મા મલીન બને જ છે. આ બધું છોડવું જ જોઈએ પણ જિનપૂજા સાથે એનો સંબંધ સૂતકની જેમ જોડવામાં આવતો નથી એ તો તું પણ જાણે છે. ને? હા, હવે આગળ બોલ. શ્રેયસ : સમજાયું. મારો ભ્રમ દૂર થયો. હવે ગોચરી માટે પૂછું? શાસ્ત્રમાં સૂતકવાળાના ઘરની ગોચરી વહોરવાનો તો નિષેધ કર્યો છે તો પછી સાધુથી વહોરાય ? અમારાથી વહોરાવાય ?