________________
એવી એક ગરીબ અને સામાન્ય વ્યક્તિ પર ગઈ. એણે સાદાં વસ્ત્રો પહેર્યાં હતાં. એના ચહેરા પર શાંતિ હતી. ભગવાન બુદ્ધે એના તરફ સંકેત કરતાં કહ્યું, “આ સભામાં સૌથી વધુ સુખી એ છે.”
ચોમેર આશ્ચર્ય ફેલાઈ ગયું. આવી વ્યક્તિ સૌથી વધુ સુખી? આથી ભિખ્ખુ આનંદે પુનઃ પ્રશ્ન કર્યો, “ભન્તે ! આ સભામાં સમ્રાટ માર્ચ, મહામાત્ય, સેનાપતિ, નગરશ્રેષ્ઠી સહુ કોઈ ઉપસ્થિત છે અને એમાં કઈ રીતે છેક ખૂણે બેઠેલો પેલો સામાન્ય માનવી સૌથી સુખી હોઈ શકે ?”
પ્રત્યુત્તર આપવાને બદલે ભગવાન બુદ્ધે પ્રત્યેક સભાજનને એમની મનોકામના વિશે પૂછ્યું અને ભવિષ્યમાં એ શું પ્રાપ્ત કરવા ચાહે છે તે અંગે જાણકારી મેળવી. છેલ્લે પેલા ગરીબ, સામાન્ય માણસને પૂછ્યું કે “તારે શું જોઈએ છે ?”
“કશું જ નહીં.”
ભગવાન બુદ્ધે પુનઃ આગ્રહપૂર્વક પૂછ્યું, “પણ તારી કોઈ ઇચ્છા તો હશે ને ? શી છે તારી ઇચ્છા ?”
ગરીબ માનવીએ કહ્યું, “આપે પૂછ્યું જ છે, તો મારી ઇચ્છાની વાત કરું કે બસ, મારા મનમાં એવો ભાવ પેદા કરો કે જેથી મારા મનમાં કોઈ ઇચ્છા જ પેદા ન થાય.”
સભાને પ્રશ્નનો ઉત્તર અને મનનું સમાધાન મળી ગયું. સુખ એ ધન, વૈભવ, સત્તા કે વેશભૂષામાં નથી, પરંતુ વ્યક્તિના અંતરમાં છે.
$
144 – પ્રસન્નતાનાં પુષ્પો
૬૮
લાચાર બનાવે નહીં, તે દાન
છેક નાની વયથી વ્યાપાર ખેડનારો વેપારી હવે વૃદ્ધ બની ગયો હતો. આખી જિંદગી એણે કમાણી કરવા પાછળ ગાળી હતી. દ્રવ્ય ઉપાર્જન સિવાય એનું બીજું કોઈ લક્ષ્ય નહોતું. હવે બુઢાપો દેખાવા લાગ્યો ત્યારે એ વિચાર કરવા લાગ્યો કે આજ સુધી સતત સંપત્તિ એકઠી કરી રહ્યો છું, પણ ક્યારેય એનો સરવાળો કરવાનો સમય મળ્યો નથી. લાવ, જરા ગણતરી કરી લઉં. વેપારી પોતાની સંપત્તિની ગણતરી કરવા બેઠો તો ખ્યાલ આવ્યો કે એની પાસે તો કરોડો રૂપિયા એકઠા થયા છે.
એને થયું કે હવે દાન-પુણ્ય કરવાનો અવસર આવી ગયો છે. ગણતરીબાજ વેપારી વિચારવા લાગ્યો કે કોઈ એવી જગાએ દાન કરું, કે જેથી ધનનો સદુપયોગ થાય અને પુણ્યની પ્રાપ્તિ પણ થાય. લાંબા સમય પછી એણે વિચાર્યું કે એક વિરાટ મંદિર બાંધું કે જેથી લોકોને પુણ્ય કરવાનું સ્થાન મળે. વળી એમ પણ વિચાર્યું કે કશાય કામધંધા વિનાના લોકોને આર્થિક સહાય આપું. ત્રીજો એવો પણ વિચાર આવ્યો કે કોઈ સદાવ્રત શરૂ કરું કે જેથી ભૂખ્યાંને અન્ન મળે.
શુભકાર્યનો પ્રારંભ કરવા માટે શુભમુહૂર્ત કઢાવવા એ વેપારી સંત પાસે ગયો અને સંતને પોતાની મંદિર, બેકારોને સહાય અને સદાવ્રતની યોજનાની વાત કરી.
એની આ યોજનાઓ સાંભળીને સંત નિરાશ થઈ ગયા.
પ્રસન્નતાનાં પુષ્પો – 145