________________
૧૬ | અરે ઈશ્વર ! તું શેતાનની ભાષા બોલે છે !
નૌકામાં બેસીને નદી પસાર કરતા ફકીરની આંખમાંથી આંસુની ધારા વહેવા લાગી. નૌકામાં ત્રણેક એવા ટીખળી-તોફાની યુવાન સહપ્રવાસીઓ હતા કે જેમને ફકીરને હેરાન-પરેશાન કરવામાં અતિ આનંદ આવતો હતો. એમને માટે આ ગરીબ ફકીર મોજ-મજાક-મસ્તીનું માધ્યમ બની ગયો હતો. આથી આ તોફાનીઓ એને ક્યારેક અપશબ્દો કહે, તો ક્યારેક જાણીજોઈને ધક્કા મારે, છતાં ફકીર શાંતિથી સઘળું સહન કરતો હતો.
પરંતુ હવે એની સહનશીલતાની હદ આવી ચૂકી હતી. ફકીર પ્રાર્થના કરવા બેઠો અને આ ટીખળીખોરોએ ઉત્પાત મચાવ્યો. એમણે પ્રાર્થનામાં તલ્લીન બનેલા ફકીરને ધક્કા મારવાનું શરૂ કર્યું, છતાં ફકીરે કશું ન કરતાં પોતાના જોડા કાઢીને એના માથા પર માર્યા. વિચાર્યું કે આમેય આ ફકીર સામાન્ય સંજોગોમાં કશો પ્રતિકાર કરતો નથી, તો પ્રાર્થના સમયે કઈ રીતે પ્રતિકાર કરશે ? તોફાનીઓને મોકળું મેદાન મળી ગયું અને ફકીરની આંખમાંથી આંસુ ટપકવા લાગ્યાં.
એવામાં આકાશવાણી થઈ, “મારા વહાલા ભક્ત, તું કહે તો નાવ ઊંધી વાળી દઉં. યુવાનોને બરાબર સબક શીખવી દઉં.” આકાશવાણી સાંભળીને પેલા ટીખળ-તોફાન કરતા યુવાનો ફેફડી ઊઠ્યા. એમને થયું કે હવે તો આવી બન્યું. આ ફકીર એમને જીવતા જવા દેશે નહીં. એમણે ફકીરનાં ચરણ પકડી લીધાં અને
કહ્યું, “અમને માફ કરો. અમારાથી ભૂલ થઈ ગઈ. અમે તમારા જેવા મહાન પ્રભુભક્તને ઓળખી શક્યા નહીં.”
ફકીરે પ્રાર્થના પૂરી કરી. આંખો ખોલીને ગભરાયેલા યુવકોને કહ્યું, “ભાઈ, તમે સહેજે ગભરાશો નહીં. હું નાવ ઊંધી વાળવાનું કહીશ નહીં.”
ફકીરે આકાશ તરફ જોયું અને ઈશ્વરને કહ્યું, “અરે ઈશ્વર, તું પણ શેતાનની ભાષામાં બોલે છે. નાવ ઊંધી વાળી દેવાથી શું થવાનું? એ તો બદલાની વાત થઈ. આવું તે કરાતું હશે ભલા?”
ગભરાયેલા યુવકોએ કહ્યું, “અરે, એમણે તો તમને મદદ કરવા માટે કહ્યું હતું.”
ફકીરે કહ્યું, “ના, એવી કશી જરૂર નથી, નાવ ઊંધી વાળી દેવાથી શું થવાનું ? એને બદલે એણે તમારી બુદ્ધિ બદલી નાખવાનું કહેવું જોઈએ.”
ફરી આકાશવાણી થઈ, “તારા પર ખૂબ પ્રસન્ન થયો છું, કારણ કે તે મારી ભાષા બરાબર જાણી લીધી છે. જે શેતાનની ભાષા ઓળખી શકે છે, એ જ મારી ભાષા સમજી શકે છે.”
32 1 પ્રસન્નતાનાં પુષ્પો
પ્રસન્નતાનાં પુષ્પો [ 33