________________
૨૪ પરમનો સ્પર્શ
જાગે એટલે વ્યક્તિ ધન-પ્રાપ્તિ માટે રાતદિવસ અવિરત પ્રયાસ કરશે. એને માટે થઈને એ પાછું વળીને જોશે પણ નહીં; અન્યનું શોષણ કરતાં કે પારકું છીનવી લેતાં એને લેશમાત્ર આંચકો લાગશે નહીં કે થડકારો થશે નહીં. એ પ્રપંચ ખેલશે, દગો રમશે, કાવાદાવા કરશે. પાપની પરવા નહીં કરે, હત્યા કરતાં એને થડકારો નહીં થાય, ધ્યેયસિદ્ધિ માટે દોડ્યા જ કરશે. જેને ધનની તીવ્ર લાલસા હોય તે આવું જ કરે ને ! સારાખોટા તમામ માર્ગે ધનપ્રાપ્તિનો મરણિયો મહાપ્રયાસ કરશે.
કોઈ વ્યક્તિને સ્વરૂપવાન સુંદરી પ્રાપ્ત કરવાની ઇચ્છા હોય તો એની દૃષ્ટિ સિનેમાઘરમાં જ નહીં, પરંતુ દેવાલયમાં પણ સ્વરૂપવાન સુંદરી પર હશે ! જગતમાં ઘર, પરિવાર, મિત્રો અને આખી સૃષ્ટિ હશે, પણ એ તો સઘળે નારીસૌંદર્યને જ શોધશે. વ્યક્તિની જેવી તૃષા, એવું એનું જીવન. વ્યક્તિની જેવી ઇચ્છા કે ઝંખના એવી એની સૃષ્ટિ.
સત્તાની ઝંખના ધરાવનારની સૃષ્ટિમાં સર્વોચ્ચ પદે તો સત્તાની પ્રાપ્તિ જ હોય છે. આને માટે એ સંપત્તિ એકઠી કરે, કોઈની સંપત્તિ છીનવી | લે, સાથ આપનારને દગો કરે કે વિરોધીને હરાવવાના પ્રયાસો કરે, પરંતુ એનું અંતિમ ધ્યેય તો યેનકેન પ્રકારેણ સત્તાપ્રાપ્તિ જ હોય છે.
જેવી અભીપ્સા એવું જીવન – એ સૂત્રને લક્ષમાં રાખીને વિચારીએ તો એ બાબત મહત્ત્વની બનશે કે પરમાત્માની તડપન ધરાવનાર પાસે એવું જીવન છે ખરું? વાસના, સત્તા કે સંપત્તિની એષણા ધરાવનાર પોતાની ઇચ્છાપૂર્તિ માટે એમાં કેટલો બધો નિમગ્ન હોય છે ! આ બધા કરતાં અતિ ઉચ્ચ એવી પરમાત્માની તૃષા હોય તો જીવન કેવું હોવું જોઈએ. જેમ ધનનો માપદંડ છે, સત્તાનો માપદંડ છે એમ પરમાત્માનો માપદંડ પણ છે અને એ માપદંડ મુજબ સાધકના હૃદયમાં એ ભૂમિકાને યોગ્ય ભાવના, તડપ, તીવ્રતા અને દઢતા જાગવી જોઈએ.
આજે પરમાત્મા માટેની આપણી તરસ જાગે છે કઈ રીતે ? કોઈ દોષ, ભૂલ કે દુષ્કર્મને કારણે જીવન રાનરાન અને પાનપાન થઈ ગયા બાદ વ્યક્તિ કથામંડપમાં બેસીને ‘ભક્તિપૂર્વકરાવણવધની વાત સાંભળે છે. કોઈ પ્રભાવક સંતની પાવન વાણી સાંભળતાં કઠોર હૃદય થોડું દ્રવી ગયું અને વ્યક્તિને એમ લાગે કે “ચાલો, હવે પરમાત્માની ખોજ શરૂ કરીએ.” અને એ ઈશ્વરની શોધમાં નીકળે છે. ઘરસંસારમાં વારંવાર થતા કલહ-કંકાસથી કંટાળીને આશ્રમમાં વસનારા પણ મળશે. નવી પેઢી સાથે