________________
૩૭
ગંગોત્રીની ખોજ
૨૦૬ પરમનો સ્પર્શ
પરમનો સ્પર્શ પામવા ઇચ્છતા સાધકના ચિત્તમાં હવે પ્રશ્ન જાગે કે પહેલાં સિદ્ધિનું લક્ષ રાખવું અને પછી સાધના કરવી કે પહેલાં સાધના કરવી અને જે કંઈ મળે તે સ્વીકારવું? પહેલાં પ્રાર્થના અને પછી પ્રાપ્તિ કે પહેલાં પ્રાપ્તિનું આયોજન અને પછી એ સિદ્ધ કરવા માટેની પ્રાર્થના ? સાધના હોય કે પ્રાર્થના, પરંતુ એનું પહેલું પગથિયું એ છે કે પરમ તત્ત્વ તમારી પાસે જે ઇચ્છે અને વિશેષ તો જેનો સર્વથા ત્યાગ કરવાનું કહે તે તમે ત્યજી શકશો ખરા? જીવનભર સ્વયંસ્વીકૃત કાર્યોમાં ગળાડૂબ રહ્યા. પોતાની ઇચ્છાઓ, અપેક્ષાઓ, સંકલ્પો અને આગ્રહો – એ જ સર્વ કાર્યનું એકમેવ કેન્દ્રબિંદુ હતું. હવે પરમના આદેશને કારણે એ ત્યજવાની તાકાત તમારામાં છે ખરી ?
‘શ્રીમદ્ભગવદ્ગીતામાં કહ્યું છે કે મનના સંકલ્પ છોડ્યા વિના કોઈ યોગી થઈ શકતું નથી. વ્યક્તિ સદૈવ પોતાના મનના સંકલ્પથી દોરાઈને ચાલતી હોય છે. હવે એ સંકલ્પ છોડવા શક્ય છે ખરા ? ભૌતિક સંકલ્પોને આધ્યાત્મિક ભાવોમાં પરિવર્તિત કરવા માટે એક મોટી છલાંગ મારવી પડે છે. આ છલાંગ એવી છે કે જ્યાંથી તમે છલાંગ મારો છો ત્યાંનું સઘળું સંપૂર્ણપણે ત્યજી દેવું પડે છે. ભૌતિકતા માટેની લાલસા અને આકર્ષણ છોડીને આધ્યાત્મિકતાના ગગનમાં ઉડ્ડયન કરવા માટે પાંખો ખોલીને ઊંચે જવાનું છે.
વ્યક્તિગત જીવનમાં અવારનવાર પરમનો સ્પર્શ થતો હોય છે, પણ ઝબકારો થાય અને બુઝાઈ જાય એવો એ ક્ષણિક ઝબકારો હોય છે. પ્રિયજનના મૃત્યુની ઘટના બને અને સંસારત્યાગનો ભાવ એકાએક જાગે છે; કોઈ સંતનો સત્સંગ થાય અને એ સમયે આધ્યાત્મિક જીવન જીવવાની ખેવના થાય છે; પરંતુ આ બધું પવનની વેગીલી લહેરની માફક આવીને વહી જાય છે. એ ક્ષણિક હોય છે અને એ વિરલ ક્ષણને સાચવીને