________________
ગામના રાજાએ આટલો બધો અવાજ સાંભળીને કારભારીને પૂછયું, કારભારી, ગામમાં આટલો બધો શોરબકોર શાનો છે ?”
કારભારીએ બધી વાત કરી ને રાજાનું કુતૂહલ ઝાલ્યું ન રહ્યું.
રાજા તો ઘોડા પર બેસીને જોગીરાજ પાસે ગયો. પ્રણામ કરીને આજીજી કરી કે મહારાજ, મારું ભાગ્ય વાંચો.
જોગીરાજનો પિત્તો ઊછળ્યો અને બોલ્યા, “લોકો હવે મને જંપવા દેતા નથી. અહીંથી બીજે જવું પડશે. અરે ભાઈ, તું છે કોણ ?”
“જી, હું ગામનો રાજા છું. મારું ભાગ્ય વંચાવવા આવ્યો છું.”
“ગામલોકોને મેં કહ્યું જ હતું કે હવે બધા મને પરેશાન કરશે. મારું અહીં રહેવું મુશ્કેલ બની જશે.”
રાજા કહે, “અરે મહારાજ ! આપ ચિંતા ન કરો. મહેલમાં પહોંચું એટલી વાર છે. આપની કુટિરની આસપાસ એવો મજબૂત ચોકીપહેરો ગોઠવી દઈશ કે અહીં કોઈ ચકલુંય નહીં ફરકે. પણ મારું ભાગ્ય જોઈ આપો મહારાજ !”
“અચ્છા ભાઈ, અચ્છા. અમારે જોગીઓને તે વળી ચોકીપહેરા હોતા હશે? પણ ખેર ! લાવ બતાવ તારો હાથ.”
હાથ જોઈને જોગી મહારાજ સાવ મૌન બની ગયા. ન બોલે કે ન ચાલે. રાજા પણ વિચારમાં પડી ગયો. અંતે જોગી મહારાજે કહ્યું,
“સાંભળ ! હું કોઈ સાચું-ખોટું બોલનારો વેપારી નથી. હું તો જે જોઈશ, તે જ તને કહીશ. તને પસંદ પડે કે કદાચ ન પણ પડે. મને તારું મોત દેખાય છે. આજથી પંદર દિવસ પછી તારો સૌથી મનપસંદ ઘોડો મરી જશે. એ પછી દોઢેક મહિના બાદ તારું મૃત્યુ થશે. તારા પછી બે મહિને તારી રાણી પણ મરી જશે. બસ, હવે જાવ. જે નહોતું કહેવાનું તે પણ તને કહ્યું છે. કાલે મારી શોધ કરીશ નહીં. હું અહીંથી ચાલ્યો જવાનો છું.”
જોગી મહારાજ તો ચાલ્યા ગયા. પણ પાછળ રાજાને ચિંતાના દરિયામાં ડુબાડી ગયા.
૭૧ © કોની કમાણી ? કોની ખોટ ?