________________
લગન નથી ! ત્યારે પાદરમાં તો જાન પડી છે ને !”
“તે શું અહીં અમારે ત્યાં આવી છે ? હશે કોઈ પરગામની જાન. પાદરમાં પોરો ખાવા રોકાઈ હશે. અહીં કોઈને ત્યાં લગન નથી.”
ખેમા પટેલ અચરજમાં ડૂબી ગયા ! હવે તો મગન મળે તો ખોખરો કરવો. બધા અમરા દરબાર અને પ્રેમા શેઠ પાસે આવ્યા. એમને વાત કરી કે આખા ગામમાં ક્યાંય લગન જ નથી. પટેલનાં ઘર પણ બે અને ત્યાં કાંઈ તૈયારી નથી. અમરા દરબાર કહે, “બોલાવો મગનને. આ વળી શું નવું ટીખળ છે ?”
જાનૈયાઓ તો ઊપડ્યા. ફરી વળ્યા ચારે કોર. ગામને પાદર શંકરનું મંદિર. એના ઓટલા ઉપર મગન સોડ તાણીને સૂતેલો. ત્યાંથી ઉપાડ્યો અને અમરા દરબાર અને પ્રેમા શેઠ પાસે રજૂ કર્યો.
“અલ્યા મગના ! આ શું છે બધું ?” દરબારે પૂછયું.
બીજું શું હોય ? સહુ મને કહેતા હતા કે મગન તારી જાન જોડ. એટલે જોડી નાખી. સહુની હોંશ પૂરી કરી. હવે બાપુ ! હાલો પાછા.”
અરે, પણ આવી મશ્કરી હોય ?” પ્રેમા શેઠનો પારો ચડી ગયો.
મશ્કરી શેની અને ખોટ પણ શેની ? હોય તો મારી છે ને ? તમારે સહુને તો જાનમાં આવવું હતું. વહુ ન મળી એમાં તમે સૌ આટલા આકળા શેના થાવ છો ? તમારે તો જાનમાં મહાલવું હતું તે મહાલ્યા. હવે વળી પાછા.”
અમરા બાપુ કહે, “પ્રેમા શેઠ, આ તો સાવ બેશરમ નીકળ્યો, પણ આપણે પાછા ગામમાં પેસવું કેમ ?”
પ્રેમા શેઠ કહે, “બાપુ ! મને પણ એ જ વિચાર થાય છે. મોટે ઉપાડે ગામમાંથી ગાડે બેસીને જાને નીકળ્યા અને હવે ખાલી હાથે જાશું તો ગામમાં હસવાનું થશે.”
કૃષ્ણો ગોર કહે, “માળા મૂરખે પણ કંઈ કરી ને !”
મોતીની માળા છ ૫૪