________________
પ્રેમા શેઠ પાસેથી ગામના મુખી પાસે, ગામના મુખી પાસેથી ખેમા પટેલ પાસે, ખેમા પટેલ પાસેથી અમારા બાપુ પાસે, બાપુ પાસેથી ગરાસિયા પાસે, ત્યાંથી શાસ્ત્રી અને વાણિયા પાસે, ત્યાંથી વળી સોની અને કુંભાર પાસે,
બધે એક જ વાત મગનની. વાતને ચોળવી નથી. ભારે ખાનગી છે, પણ મારી જાનમાં આવવાનું છે. તમારે ત્યાં લગનમાં કામ કરીને મારા પગ ઘસાઈને ગોઠણે આવ્યા હતા.
મગનને આમ તો વાત ચોળવી ન હતી. પણ એનાં આમંત્રણ પૂરાં થયાં ત્યારે તો આખા ગામમાં વાત ફેલાઈ ગઈ કે કાલે મગનની જાન જાય છે. ઘડિયાં લગન લેવાયાં છે. એક રાતમાં લગન કરીને જાન પાછી આવતી રહેશે.
કણબી પાસેથી મગન ગાડાં માગી લાવ્યો. દરબાર પાસેથી ગાદલાં માગી લાવ્યો. બીજે દિવસે સમી સાંજે જાન નીકળી. આગળ મહાજનના શેઠ – પ્રેમા શેઠ છે. વાણિયા, બ્રાહ્મણ, કુંભાર અને ગરાસિયા છે. ગામમાં કોઈની જાનમાં આટલી લાંબી ગાડાંની લંગાર નહોતી નીકળી. પચીસ ગાડાંની લંગાર લઈને મગનની જાન તો ઊપડી. આખું ગામ પાદરમાં જોવા આવ્યું, “મગન, વહેલો વહેલો આવજે પરણીને.” એમ ગાઈને જાનને વિદાય આપી.
પંથ કંઈ લાંબો ન હતો એટલે માતાની કોઈ જરૂર નહોતી, સહુ માનતા કે હમણાં ગામ આવશે. અબઘડી પહોંચીશું. ને પછી વેવાઈના મેસૂબ અને દહીંથરાં પર બરાબર હાથ જમાવીશું.
જાન તો ચાલી. કલાક, બે કલાક અને અઢી કલાક થયા. સૂરજ આથમ્યો. સહુ પૂછી-પૂછીને મગનનો દમ કાઢી નાખવા માંડ્યા. મગન પણ બાપડો કહે:
“હવે આ સામે દેખાય એ ! આ આવ્યું ! હવે બહુ છેટું નથી.”
અંધારું થયું. જામ્યું. સહુ ભૂખ્યા ડાંસ થયા હતા. અમરા બાપુએ જરા કડક અવાજે કહ્યું,
“અલ્યા ! તારો વેવાઈ પાતાળમાં તો નથી ને ?”
મોતીની માળા @ પર