________________
લેખકની વાત હરિકથાકાર આવે એટલે આખા ગામમાં આનંદની છોળો ઊડવા લાગે. હરિકથાકાર હરિકથા કહેતો જાય અને વચ્ચે વચ્ચે પોતાની વાતને મર્મસ્પર્શી બનાવવા માટે ઓઠાં કહે. આવા હરિકથાકારો દ્વારા દૃષ્ટાંત રૂપે આપવામાં આવતાં ઓઠાં આજે તો ભુલાઈ ગયાં છે. સમાજમાંથી આવાં કથા-મોતી લુપ્ત થાય તે પહેલાં ઠેર ઠેર ફરીને હરિકથાકારો પાસેથી ઓઠાંઓ મેળવીને અહીં એની માળા રચી છે.
આ ઓઠાંઓનો બાળક, કિશોર અને પ્રૌઢ સહુ કોઈ આનંદ માણતાં હોય, વળી રોજિંદા વ્યાવહારિક જીવનમાં પણ કોઈ વાત, વલણ કે સ્વભાવને ઉપસાવવા માટે ઓઠાનો ઉપયોગ કરીને એકબીજાને હસાવતા હોય છે. આ ઓઠામાં ભરપૂર હાસ્ય હોય છે પરંતુ અંતે તો સદ્ભાવ પર ભાર મૂકવામાં આવે છે.
મોતીની માળા’ને નવશિક્ષિતો માટેની અઢારમી રાષ્ટ્રીય સ્પર્ધામાં પારિતોષિક પ્રાપ્ત થયું હતું તેમજ એ સમયે મોટી સંખ્યામાં એની નકલો ભારત સરકાર તરફથી ખરીદવામાં આવી હતી. ગુજરાતી ભાષાનાં પાઠ્યપુસ્તકોમાં પણ આમાંની કેટલીક કથાઓને સ્થાન મળ્યું છે.
આ પુસ્તકનું પ્રકાશન કરવા બદલ ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયનો અને શ્રી મનુભાઈ શાહનો આભારી છું. ૧૨-૪-૨૦૧૭
કુમારપાળ દેસાઈ
અમદાવાદ