________________
હતા. ઇગ્નાઝની ઉમર પણ પૂરી ત્રીસ વર્ષની નહોતી અને વિયેનાના ડૉક્ટરોને હંગેરીથી આવેલા ઇગ્નાઝની વાતો ચિત્રવિચિત્ર લાગતી. એ તો ઇનાઝને ‘બુડાપેસ્ટના બેલગામ છોકરા' તરીકે ઓળખતા હતા.
નિશ્ચિત ચોકઠામાં ચાલતી દુનિયા ઇગ્નાઝના આ કામની ક્યાંથી કિંમત કરે ? ૫૬ ટકા ક્લોરિન ધરાવતા અને સાવ નજીવી કિંમતે મળતા બ્લિચિંગ પાઉડરથી કેટલીય માતાઓના જીવનને મૃત્યુ મુખમાંથી પાછા લાવવાની એણે અદ્ભુત શોધ કરી, પણ બીજા સંશોધકોની માફક એણે આ વિશે મોટા મોટા લેખો લખ્યા નહીં, સભાઓ ગજવી નહીં. ત્રણ અધ્યાપકોએ એને સાથ આપ્યો, પણ એમાંથી એકેય પ્રસૂતિ-વિઘાના નિષ્ણાત નહોતા.
ઇગ્નાઝની આ સફળતામાં પ્રોફેસર ક્લાનને પોતાની માનહાનિ દેખાઈ. પ્રોફેસર ક્લાન ઑસ્ટ્રિયાના સત્તાધારીઓના ટેકેદાર હતા. એણે કહ્યું કે બાજુના મુલ્ક હંગેરીમાંથી આવેલો ઇગ્નાઝ એ બળવાખોરોનો મોટો ટેકેદાર છે. અંતે ઇગ્નાઝ સેલ્લેલિસ પોતાના વતનમાં પાછો ફર્યો અને બુડાપેસ્ટમાં પોતાની કામગીરી શરૂ કરી. પછીના છ વર્ષમાં એણે કરેલાં એક હજાર ઑપરેશનોમાંથી માત્ર આઠ જ સ્ત્રીઓ મરણ પામી હતી. અહીં એણે સ્વચ્છતાનું મોટું અભિયાન જ ગાવ્યું. હૉસ્પિટલમાં દુર્ગધ મારતાં ગંદા ગોદડાંઓમાં પોતાનાં બાળકો સાથે સ્ત્રીઓ પડી રહેતી હતી. રસોડાથી માંડીને પ્રયોગશાળા સુધી બધે જ ગંદકીનું સામ્રાજ્ય ફેલાયેલું હતું. માતા ઉપર પડેલા મૃત્યુના પડછાયાને દૂર કરવા પ્રયાસ કર્યો અને ૧૮૫૬ના વર્ષમાં હૉસ્પિટલમાં એક પણ માતાનું મૃત્યુ થયું નહોતું.
સાથી ડૉક્ટરો ઇગ્નાઝની આ સિદ્ધિ જોઈને અદેખાઈની આગથી બળતા હતા. એ માત્ર પોતાના હાથ જ નહીં, પરંતુ ઑપરેશન માટેનાં સાધનો, સિરિંજ, પાટાઓ, ખાટલાઓ કે પલંગની ચાદર - એ બધું જ ચોખ્ખું રાખવાનો આગ્રહ સેવતો. બન્યું એવું કે હૉસ્પિટલે ખર્ચ ઘટાડવાનો ઠરાવ કર્યો અને પરિણામે દર્દીઓનાં વસ્ત્રો અને ચાદરો રોજેરોજ ધોવાતાં બંધ થઈ ગયાં. એક દર્દીની ચાદર બીજે દિવસે બીજા દર્દીને વાપરવી પડતી હતી અને પરિણામે ફરી ઝેરનું જોર પ્રસર્યું અને મરણાંક વધી ગયો. આ પ્રત્યેક મરણ ઇગ્નાઝના હૃદયને હચમચાવી મૂકતું હતું. એ અકળાઈ
122 • માટીએ ઘડવાં માનવી
પ્રસૂતા માતાને જીવલેણ ઝેર ક્યાંથી લાગ્યું તેની શોધ કરતો ઇગ્નાઝ ઊઠતો, હાથ ઉછાળતો અને એક વાર તો એવો ગુસ્સે ભરાય કે વોર્ડમાં જઈને વાસ મારતી બેત્રણ ચાદર ખેંચી કાઢી એનો ગોટો વાળ્યો અને બગલમાં મારીને સરકારી ઑફિસમાં પહોંચી ગયો, અમલદારને એ બધું સુંધાડયું અને અમલદાર ધ્રૂજી ઊઠયો. એને સાન આવી.
એ પછી એણે બીજું પગલું ભર્યું. સામયિકોમાં લેખો લખવાના શરૂ કર્યા અને એમાં જાહેર જનતાને આગ્રહ કર્યો કે તમારી પત્ની કે પુત્રીની પ્રસુતિ સમયે જો ડૉક્ટરો બ્લિચિંગ પાઉડરથી સંપૂર્ણપણે હાથ ધુએ નહીં, તો ત્યાં પ્રસૂતિ કરાવશો નહીં. આમ જનતાએ ઇનાઝની આ વાતને વધાવી લીધી. ચોતરફથી એવી બૂમ ઊઠી કે આવી હત્યાઓ તો બંધ થવી જ જોઈએ.
એની વર્ષોની મહેનતને અંતે એને માત્ર બે જ શિષ્યો મળ્યા. અંતે મોડે મોડે પણ ગ્રંથ રચ્યો. કશાય આક્રોશ વગર સાવ સીધી સાદી ભાષામાં. એની વાત સાથે અસંમત થઈને ફગાવી દેનારા એક પ્રોફેસરને તો એણે પોતાના પત્રમાં લખ્યું, ‘તો હું તને ઈશ્વર અને દુનિયાની સમક્ષ તમને ખૂની તરીકે જાહેર કરીશ.'
પહેલું ક્લિનિક • 123