________________
10
INDIA
હરબંસસિંઘ
મન કે હારે હાર, મન કે જીતે જીત
એક બેઠી દડીનો, ઝીણી આંખોવાળો, સશક્ત શીખ જુવાન સિમલાની કચેરીમાં બેઠો હતો.
ખુરશી પર બેઠો બેઠો ટેબલ પર પડેલા કામના કાગળોમાં ચિત્ત લગાવવા હરદમ કોશિશ કરી રહ્યો હતો. તેવીસ વર્ષના પંજાબના ખેડૂતના એકના એક દીકરા હરબંસસિંઘને સરકારી નોકરી મળી હતી. એનાં માતાપિતાને તો આથી પરમ શાંતિ થઈ ગઈ હતી. હરબંસિંઘ કામમાં મન લગાડવા પ્રયત્ન કરે છે, પણ એની દિલચસ્પી તો બીજે ક્યાંક લાગેલી હતી.
અમૃતસરની ડી.એ.વી. કૉલેજના શ્રેષ્ઠ ખેલાડી તરીકે થયેલા એના સન્માનનાં દૃશ્યો મગજમાં ઘૂમરી લઈ રહ્યાં હતાં. ઓછી ઊંચાઈ હોવા છતાં અપ્રતિમ તાકાતને બળે હૉકી, ફૂટબૉલ, દોડ અને તરવાની
સ્પર્ધાઓમાં નામના મેળવી હતી. રમતના શોખીન જીવને આ સરકારી ફાઈલો જીવનમાર્ગને રૂંધતી લાગતી.
એવામાં એકાએક એની નજર એક અનોખા સમાચાર પર પડી. સમાચાર એવા હતા કે ફ્રાંસના પીઅર્સ ગિલ્બર્ટ લોબી નામના રમતવીરે સતત એકસો ને એકાવન કલાક ચાલીને ભવ્ય વિશ્વવિક્રમ નોંધાવ્યો.
સતત ચાલવું એ તો ભારે કપરી બાબત છે. થોડું ચાલતાંય થાક લાગે. વધુ ચાલવાનું આવે તો વચ્ચે બેસીને થાક ખાવો પડે. વળી કોઈ પાસે પગચંપી કરાવવી પડે. આટલું બધું સતત ચલાય પણ કેવી રીતે?
સિમલાની સરકારી કચેરીમાં બેઠેલા આ તેવીસ વર્ષના રમતપ્રેમી જુવાનને થયું કે હું આ માટે પ્રયત્ન કરું તો ? શા માટે પાછો પડું ? શા માટે હું પાછળ રહું ?
સતત ચાલવાની સ્પર્ધામાં નામ કાઢવા માટે યુવાન હ૨બંસસિંઘે તમામ પ્રયત્નો શરૂ કર્યા. દિવસે તો નોકરી કરવાની, પણ રાત્રે સતત ચાલવાની તાલીમ લે. રાતના બાર વાગ્યા સુધી તો આ યુવાન સિમલાના રમણીય રસ્તાઓ પર સતત ચાલતો રહે. રાતના બાર પછી કોઈ પોલીસ કે ચોકીદાર એને ચાલતો અટકાવે નહીં માટે એ સિમલાના પોતાના ક્વાર્ટર્સમાં તાલીમ લે.
ગરમીના દિવસોમાં યુવાન હરબંસ સિમલાનાં જંગલોમાં સતત ઘૂમવા લાગતો. હ૨ભંસને આવી મહેનત કરતો જોઈને એના મિત્રો આવી મફતની માથાકૂટ છોડી દેવા સમજાવવા લાગ્યા, ફોગટના પગ દુઃખાડવાનો અને શરીરને આટલું કષ્ટ આપવાનો ધંધો કરતો જોઈને એની મજાક પણ ઉડાવવા લાગ્યા. એ બધા કહેતા કે અલ્યા સુખની જિંદગી શા માટે વેડફી નાખે છે ? ઊંઘ વેચીને ઉજાગરા ક્યાં મેળવે છે ?
એક વાર ૨જાના દિવસોમાં હરબંસ પોતાના વતન પંજાબના વરિયામ નગરમાં ગયો. ગમે ત્યાં જાય, પણ સતત ચાલવાની તાલીમ તો અટકે જ શાની? પોતાના જ ઘરમાં હ૨બંસસિંઘે તાલીમ શરૂ કરી દીધી.
પોતાના એકના એક દીકરાને આખી રાત આમ ચિત્તા-દીપડાની જેમ આંટા મારતો જોઈને માતા સૂએ ખરી ? હરબંસિંઘની માતા પણ એની સાથે આખી રાત જાગવા લાગી. દીકરાને કંઈ થયું તો નથી ને? માતાની ચિંતા વધી મન કે હારે હાર, મન કે જીતે જીત • 89