________________
2
વાઈ ફન્ગ લી
તમન્નાનાં તપ
દિલમાં ઇન્સાનિયતનો આતા જલતો હોય, તો માનવી આખી આલમનાં દુઃખ-દર્દ અનુભવી શકે છે ! જિંદગીની જ્યોત તો હર એક માનવીમાં જલતી હોય છે, પરંતુ પોતાના દિલની જ્યોતથી અન્યના જીવનને પ્રકાશિત કરનાર માનવીઓ જ આ સતની બાંધી પૃથ્વીનો આધાર છે. ચીનના તાઈન્જિન નગરના ધૂળિયા રસ્તા પર એક પંચોતેર વર્ષનો દૂબળો-પાતળો માનવી પૅડલ રિક્ષા ચલાવતો હતો.
એક જમાનામાં માણસ પગેથી ખેંચીને રિક્ષા ચલાવતો હતો, જે કાળક્રમે પૅડલ રિક્ષા બની. કૉલકાતા મહાનગરનાં એ દૃશ્યો સહુએ જોયાં હશે, જ્યાં રિક્ષાચાલક પોતાની પેડલ રિક્ષા દ્વારા માનવસવારી લઈ જતો હોય છે. આ
પગરિક્ષા એ એશિયાની પેદાશ. મુસાફરીના સાધન તરીકે જાપાનમાં એ ૧૮૬૮માં શરૂ થઈ. એ પછી ઈ. સ. ૧૮૮૦માં ભારતમાં આવી અને ત્યારબાદ ચીનમાં પ્રચાર પામી.
ચીનમાં પૅડલ રિક્ષા એ આમજનતાનું વાહન બની રહ્યું અને નાના સાંકડા માર્ગો પરથી ચાલક પૅડલ મારતો મારતો ગ્રાહકને એના ગંતવ્ય સ્થાને લઈ જતો હોય.
એક વાર ચીનના તાઇન્ટિંગનો પંચોતેર વર્ષનો રિક્ષાચાલક વાઈ ફન્ગ લી ગ્રાહકને પોતાના ગંતવ્ય સ્થાને ઉતારીને પાછો ફરતો હતો.
આ મોટી ઉંમરે આખો દિવસ પૅડલ ચલાવવાનો થાક એના પગમાં વરતાતો હતો. એ ધીરે ધીરે એક પછી એક પૅડલ લગાવીને રિક્ષાને આગળ લઈ જતો હતો. એવામાં એણે એક મહિલાને જોઈ. એ મહિલાએ કરિયાણાની દુકાનમાંથી ઘણો માલ-સામાન ખરીદ્યો હતો. એ ખરીદેલો માલ-સામાન એક દૂબળા-પાતળા છ વર્ષના છોકરાએ ઉપાડ્યો હતો. એની શક્તિ કરતાં કરિયાણાના સામાનના થેલા ઘણા વજનદાર હતા. એ છોકરો માંડ માંડ એ ઊંચકી શકતો હતો, પરંતુ આટલું બધું વજન ઊંચક્યું હોવા છતાં એના ચહેરા પર સહેજે નિરાશા કે તંગદિલી નહોતાં. પગને મજબૂત રીતે ખોડીને આગળ વધતો એ છોકરો પૂરી નિષ્ઠાથી પોતાનું કામ કરતો હતો.
રિક્ષાચાલક વાઈ ફન્ગ લીને આ નાનકડા છોકરામાં રસ પડી ગયો. એ ઊભો રહ્યો. એણે જોયું કે કરિયાણાના આ મોટા થેલા ઊંચકીને બાજુની પૅડલ રિક્ષામાં મૂક્યા પછી પેલી મહિલા રિક્ષામાં બેઠી અને વળી એ છોકરાને પાછો બોલાવીને કહ્યું કે, ‘જરા આ થેલા ઊંચકીને આઘા-પાછા કર', ત્યારે એ છોકરાના ચહેરા પર સહેજે અણગમો કે નારાજગી ઊગ્યાં નહોતાં. મજૂરીના બદલામાં એને પેલી મહિલાએ થોડુંક પરચૂરણ આપ્યું. એ સિક્કા મળ્યા એટલે આકાશ ભણી નજર કરી. જાણે ઈશ્વરનો પાડ માનતો હોય તેમ લાગ્યું.
પછી બન્યું એવું કે વાઈ ફન્ગ લી જ્યારે જ્યારે સમી સાંજે પોતાના ઘર તરફ પાછો ફરતો હોય, ત્યારે આ છોકરાને જોતો અને એ બજારમાંથી માલસામાન ખરીદતી મહિલાઓનો સામાન પેડલ રિક્ષામાં ચડાવતો. એ માલસામાન મૂક્યા પછી મળતા મજૂરીના થોડા સિક્કા આનંદભેર સ્વીકારતો અને તમન્નાનાં તપ * 15