________________
દુઃખીઓના દિલાસા જેવા નારાયણનો દિવસ વહેલી સવારે ચાર વાગ્યાથી શરૂ થાય છે. એની આખી ટીમ એકસો પચીસ માઈલ જેટલે દૂર દૂર સુધી જાય છે. ગમે તેટલી કડકડતી ઠંડી હોય કે પછી બળબળતો તાપ હોય, તો પણ એમનું આ રોજિંદું કાર્ય અટકતું નહીં. સમાજ ગરીબોની પ્રત્યે મોં ફેરવી લેતો હોય છે, ત્યારે નારાયણન્ કોઈ ખૂણે-ખાંચરે, નિર્જન જગામાં રહેલા ગરીબોની શોધ કરે છે. શહેરના પુલની હેઠળ કે મંદિરોની આસપાસ બેઠેલા નિરાધારોની શોધ કરી, એમને નારાયણન્ પોતે તૈયાર કરેલું ભોજન આપે છે. એ ભોજન પૌષ્ટિક, શાકાહારી, સ્વાદિષ્ટ અને ગરમાગરમ હોય છે. નારાયણન્ અને એની ટીમ આ લોકોને ભાવથી ભોજન ખવડાવે છે. રોજ આવા ચારસો લોકોને ભોજન આપે છે અને આને માટે સવાર, બપોર અને સાંજનું ભોજન પહોંચાડવા માટે એમને સતત ફરવું પડે છે.
આ નિરાધાર લોકોમાં ભીખ માગવાની શક્તિ હોતી નથી. મદદ માગવા માટે શબ્દો હોતા નથી અને આભાર માનવાની ત્રેવડ હોતી નથી. લોકો એમને દુશ્મન ગણે છે, હડધૂત કરે છે, જ્યારે નારાયણન્ એમના ભય, ગભરાટ, ઉપેક્ષા અને માનવીય દુઃખની વેદનાને સમજે છે. ક્યારેક કોઈ નારાયણને એમ કહે કે ‘તમે આટલી બધી પળોજણ શા માટે કરો છો ? હોટલો કે રેસ્ટોરાંમાં વધેલો ખોરાક મેળવીને એમને આપી દેતા હો તો ! ભોજન સમારંભોમાં છાંડેલો ખોરાક એમને ખવડાવો તો શું વાંધો ? એંઠો મૂકેલો ખોરાક આપો તોય, એમણે તો પેટ ભરવાથી જ કામ છે ને !' નારાયણનું આવું કરવાની ઘસીને ના પાડે છે.
વળી કેટલાક એવી વણમાગી સલાહ આપે છે કે તમે આ ઈડલી, સંભાર અને ભાત આપો છો, તેમાં રેશનના કે હલકી જાતના ચોખા વાપરો તો શું વાંધો? આ બધાને નારાયણનો એક જ જવાબ છે, “તમે કોઈ છાંડેલો, એંઠો મૂકેલો, હલકા અનાજવાળો કે નિમ્ન કક્ષાનો આહાર આરોગી શકો ખરા? હું ખુદ આવો ખોરાક ખાઈ શકું નહીં, અને જે ખોરાક હું ખાઈ શકું નહીં એ ખોરાક મારા જેવા માનવીને શા માટે ખવડાવવો જોઈએ ?'
આને કારણે એ એવો એંઠો, છાંડેલો, ખોરાક લેતો નથી, પરંતુ ઉત્સવો, લગ્નસમારંભો કે જન્મદિવસ જેવા પ્રસંગોએ એ સ્થાનિક દાતાઓના સંપર્કમાં રહે છે, જે લોકો આવા પ્રસંગોએ દાન આપવાની ભાવના દાખવે એમનાં દાન 10 • માટીએ ઘડવાં માનવી
સ્વીકારે છે.
નારાયણએ આજથી અગિયાર વર્ષ પહેલાં ‘અક્ષય ટ્રસ્ટ’ નામની સંસ્થાની સ્થાપના કરી. એ કહે છે કે ‘અક્ષય’ એ સંસ્કૃત શબ્દ છે અને જેનો અર્થ થાય છે ‘ક્ષય ન થાય તેવું એટલે કે અવિનાશી.’ પરંતુ સાથોસાથ એ સૂચવે છે કે માનવીની કરુણાનો કદી ક્ષય થવો ન જોઈએ. બીજાને મદદ કરવાની એની ભાવના હંમેશાં જળવાવી જોઈએ. વળી હિંદુ પુરાણમાં અન્નપૂર્ણા દેવીનું પાત્ર એ ‘અક્ષયપાત્ર’ છે. અક્ષયપાત્રને માટે એમ કહેવાય કે જે સતત ભૂખ્યાને ભોજન આપે છે અને તેમ છતાં એ કદી ખૂટતું નથી.
આ ટ્રસ્ટને દેશ અને વિદેશથી સહાય મળે છે, પરંતુ આ દાન માત્ર મહિનાના બાવીસ દિવસ ચાલે એટલું હોય છે, બાકીની ખોટ એના દાદાએ આપેલા ઘરમાંથી મળતા ભાડાને ઉમેરીને પૂરી કરે છે. એ ‘અક્ષય’ના સાદા રસોડામાં પોતાના સાથીઓ સાથે સૂએ છે અને માતાપિતા પોતાના આ હોનહાર પુત્રને સઘળી મદદ કરે છે.
નારાયણન્ કહે છે કે પિઝા લેવા જતી વ્યક્તિ રસ્તામાં પડેલી નિરાધાર વ્યક્તિને પિઝા આપી દે એવી અપેક્ષા રાખવી ખોટી ગણાય, પરંતુ શેરીમાં અડધી રાત્રે, કડકડતી ઠંડીમાં, કશાંય ગરમ કપડાં વિના ધ્રૂજતી બુઝુર્ગ વ્યક્તિને જો એક નાનકડો બ્લેન્કેટ મળે તો એમનાથી એમને જિંદગી જીવવાની હૂંફ મળે છે. સવાલ એ છે કે પોતાની મર્સીડીઝ કારમાં જતી વ્યક્તિએ આવી નિરાધાર વ્યક્તિને જોઈ હશે અને એને એ પણ ખ્યાલ આવ્યો હશે કે આવી બેહાલ વ્યક્તિને કોઈ બન કે બર્ગર મળ્યાં નથી, એ સઘળું જાણતા હોવા છતાં તેઓ ઘોર ઉપેક્ષા સાથે મર્સીડીઝ હંકારીને આગળ ચાલ્યા જશે.
નારાયણનો સવાલ એ છે કે તમારી બાજુની ફૂટપાથ પર પડેલા ભિખારીની તરફ તમે કદી નજર કરો છો ખરા ? એને અફસોસ એ વાતનો છે કે ગરીબાઈની બાબતમાં લોકો સરકારને દોષ આપે છે. સરકારને પોતાની નીતિ હોય છે અને એને પોતાના સંજોગો હોય છે, પણ એક વ્યક્તિ તરીકે તમે શું કર્યું ? અરે, તમારા નગરવાસીઓને માટે સહાયનો કેટલો હાથ લંબાવ્યો તે વિચારવા જેવું છે. એ કહે છે કે ગરીબાઈનું ચક્ર આપણા સમાજમાં અનિવાર્ય રૂપે ચાલે છે, તેમ છતાં હું કોઈ પણ માનવીને પોતાની વિષ્ટામાંથી પોતાની કરુણાની અક્ષયધારા * 11