________________
પીંજણ કરવાની જરૂર દ્વિતીય વિશ્વયુદ્ધ પછી યાલ્ટા પરિષદનું આયોજન થયું અને એમાં પરસ્પર મહત્ત્વના કરાર કરવા માટે બ્રિટન, ફ્રાંસ, રશિયા અને અમેરિકાના રાજદ્વારી પુરુષો એકત્ર થયા. આ પરિષદમાં જુદા જુદા દેશોએ એકબીજા સાથે સંધિ અને કરારો કર્યા. આ કપરા કાર્યમાં અમેરિકાના પ્રેસિડેન્ટ હેન્રી ટ્રમને સિંહફાળો આપ્યો. આ સમયે રશિયા તરફથી સંધિ અને કરારો પર સહી કરવાનું કામ એના પ્રમુખ જોસેફ સ્ટાલિન કરતા હતા. સ્ટાલિન ક્યારેક જ કરારની બાબત અંગે કોઈ દલીલ કરતા. બહુ લાંબી વિચારણા કરવાને બદલે તત્કાળ હસ્તાક્ષર કરી દેતા હતા.
સહુ કોઈ જોસેફ સ્ટાલિનના આ મળતાવડા સ્વભાવથી પ્રસન્ન હતા અને એમના આવા ઉમળકાભર્યા સહયોગ અને સદ્ભાવ માટે આભારી હતા. જોસેફ સ્ટાલિનની સવિશેષ પ્રશંસા એ માટે થતી હતી કે બ્રિટનના વડાપ્રધાન વિન્સ્ટન ચર્ચિલ એમનાથી સાવ જુદા પ્રકારનો જ વર્તાવ કરતા હતા. એ કોઈ પણ સંધિ કે કરારનો એકેએક શબ્દ ચોક્સાઈથી વાંચતા હતા. વાક્યો તો શું, પણ શબ્દોમાંય ફેરફાર કરાવતા હતા. ક્યારેક ગરમાગરમી પણ થઈ જતી. વાતાવરણ તંગ બની જતું. સહુને લાગતું કે પ્રત્યેક બાબતમાં ચર્ચિલ ઘણું ઝીણું કાંતે છે !
આ જોઈને કેટલાક નેતાઓને ગુસ્સો પણ આવતો. એમને થતું કે સંધિ-કરારને માટે આટલો બધો સમય લેવાતો હશે ખરો ? આટલું બધું પીંજણ કરવાની શી જરૂર ? કોઈ તો કહેતું પણ ખરું કે જોસેફ સ્ટાલિન કેવો ઉમદા સહયોગ આપે છે ! અમેરિકાના પ્રમુખ હેન્રી ટ્રમનને પણ ચર્ચિલને પોતાની વાત ગળે ઉતારવા માટે ઘણો સમય આપવો પડતો હતો. પરંતુ સમય જતાં હેન્રી ટુમેનને સાચી વાત સમજાઈ. વિન્સ્ટન ચર્ચિલે જે કોઈ સંધિ કે કરાર થયા હતા, એનું શબ્દશઃ પાલન કર્યું અને જોસેફ સ્ટાલિને જેના પર ફટાફટ સહીઓ કરી હતી એ બધા સંધિકરાર થયા પછી એને અભરાઈએ ચડાવી દીધા અને એ પોતાની રીતે જ મનફાવે તેમ વર્તવા લાગ્યા.
મંત્ર માનવતાનો
147