________________
મંત્ર માનવતાનો 130
આત્મસમૃદ્ધિનો માર્ગ
ગ્રીક-રોમન કાળના પ્રસિદ્ધ ગણિતશાસ્ત્રી યુક્લિડે (ઈ. સ. પૂર્વે ૩૨૩ થી ઈ. સ. પૂર્વે ૨૮૩) ભૂમિતિ અંગેના ‘એલિમેન્ટ્સ' ગ્રંથની રચના કરી. ‘એલિમેન્ટ્સ’નું અનેક ભાષાઓમાં ભાષાંતર થયું અને એની અનેક આવૃત્તિઓ પ્રગટ થઈ. બાઇબલ પછી સૌથી વધારે વંચાતા ગ્રંથ તરીકે ‘એલિમેન્ટ્સ' સ્થાન પામે છે.
આવા પ્રખર ગણિતજ્ઞ યૂક્લિડને પોતાના અગાધ જ્ઞાનનો લેશમાત્ર ગર્વ નહોતો. કોઈ પણ જિજ્ઞાસુ એમની પાસે આવીને અભ્યાસ કરી શકતો અને એને પરિણામે ઘણી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ એમની પાસે ભૂમિતિ શીખવા આવતા. ઘણી વાર પોતાનું અંગત કામ છોડીને પણ વિદ્યાર્થીઓને શીખવવામાં મશગૂલ રહેતા.
એક દિવસ એક યુવકે આવીને યુક્લિડ પાસે ભૂમિતિનો અભ્યાસ કરવાની જિજ્ઞાસા પ્રગટ કરી અને યૂક્લિડે એની વાતનો સહજ સ્વીકાર કર્યો. આ પ્રતિભાશાળી યુવક ખૂબ ઝડપથી અભ્યાસમાં આગળ વધવા લાગ્યો અને યુક્લિડ પણ એના પર પ્રસન્ન થયા હતા. એક વાર યુક્લિડ એને પ્રમેય ભણાવી રહ્યા હતા અને એ યુવકે એકાએક પ્રશ્ન કર્યો,
‘આ પ્રમેય ભણવાથી મને શું લાભ થશે ?’
આ પ્રશ્નથી નારાજ થયેલા યુક્લિડે એના નોકરને કહ્યું, ‘આને એક ઑબેલ (ગ્રીસનો સિક્કો) આપી દો. એને વિદ્યા પ્રાપ્ત કરવા કરતાંય ધન કમાવામાં વધુ રુચિ છે, આથી એને માટે સઘળો અભ્યાસ નિરર્થક છે.
ગણિતજ્ઞની આ વાત સાંભળીને બીજા વિદ્યાર્થીઓ સ્તબ્ધ થઈ ગયા. એ યુવાને યૂક્લિડની ક્ષમા માગી.
યુક્લિડે કહ્યું, ‘શિક્ષા આત્મસમૃદ્ધિનો માર્ગ છે. એને ક્યારેય ભૌતિક લાભના ત્રાજવે તોળવાનો ન હોય. એ તો જ્યાંથી મળે અને જેટલી મળે, તેને આત્મીયતાથી ગ્રહણ કરવાની હોય..
ન