________________
કામમાં ડૂબી જાવ ગુલામોના મુક્તિદાતા, આંતરવિગ્રહમાં અમેરિકાના તારણહાર અને અમેરિકાના ૧૬મા પ્રમુખ અબ્રાહમ લિંકન(૧૮૦૯થી ૧૮૬૫)નો જન્મ અત્યંત ગરીબ કુટુંબમાં થયો. એમના પિતા ટોમસ લિંકન અને માતા નાન્સી હંક્સ અક્ષરજ્ઞાન ધરાવતાં નહોતાં. લાકડાના જાડા પાટિયાના બનાવેલા ઘરમાં અબ્રાહમ લિંકનનો જન્મ થયો. નાની ઉંમરમાં મજૂરી કરવી પડી અને વ્યવસ્થિત અભ્યાસની કોઈ તક મળી નહીં. દેખાવે એ કદરૂપા હતા. એમની પત્ની મેરી ટોડ સતત કંકાસ કરતી હતી. એ યુવાનીમાં આવ્યા ત્યારથી દેવામાં ડૂબેલા રહ્યા. એમના સાસરાપક્ષવાળા પણ ઊંચી, પાતળી, ૬ ફૂટ અને ૪ ઇંચની દેહયષ્ટિ ધરાવનાર લિંકનના વિચિત્ર અને કઢંગા દેખાવની હાંસી ઉડાવતા હતા. એમના મનમાં હતાશા અને નિરાશા હતી. લાકડાં ફાડવાની અને પહેરવાની મજૂરી કરીને જીવન ગાળતા હતા, પરંતુ લિંકન પાસે મનનો બોજ દૂર કરવાનો એક રસ્તો હતો અને તે કાયદાનો અભ્યાસ. એમણે અમેરિકાના ઇન્ડિયાના રાજ્યના કાયદાઓનો ઊંડો અભ્યાસ કર્યો. આ અભ્યાસ કરતી વખતે લિંકન એમના જીવનની વેદના અને અભાવોને ભૂલી જતા હતા. અપાર ચિંતાઓને સ્થાને એ કાયદાશાસ્ત્રની આંટીઘૂંટીઓમાં પોતાના મનને ડુબાડી દેતા હતા. એમણે જોયું કે મનમાં રહેલો - હતાશા, ગરીબી, આજીવિકાની ફિકર - એ બધો જ બોજ દૂર કરવાનો એક રસ્તો એ છે કે તમે તમારા મનને કામમાં પરોવી દો.
આવી રીતે કાયદાશાસ્ત્રના અભ્યાસમાં મનને પરોવનાર લિંકને કાયદાનાં પાઠ્યપુસ્તકો ઉછીનાં લઈને પણ અભ્યાસ ચાલુ રાખ્યો. માત્ર એક જ વર્ષમાં એમનું નામ એટર્નિસની યાદીમાં સામેલ થયું. એટલું જ નહીં પણ એમની કાયદાની સૂઝ, સમજ અને દૃષ્ટિ વિકસતાં વરિષ્ઠ વકીલ જ્યૉર્જ ટુઅર્ટે એમને ભાગીદાર બનાવ્યા. રાજ્યના વકીલમંડળ(બાર)માં શ્રેષ્ઠ વકીલ તરીકે ખ્યાતિ પ્રાપ્ત કરી. કેટલાય નોંધપાત્ર કેસ જીત્યા. સમવાય સરકારની સર્વોચ્ચ અદાલતે એમની અસાધારણ કાનૂની કુશળતાને બિરદાવી, તેથી તેઓ આખા અમેરિકામાં સમર્થ કાયદાશાસ્ત્રી તરીકે જાણીતા થયા.
મંત્ર માનવતાનો
11