________________
સંપત્તિથી સુખ ? વિશ્વના ધનાઢ્ય ઉદ્યોગપતિ, રોકાણકાર અને દાનવીર વૉરન એડવર્ડ બ્ફેટ (જ. ૩૦-૮-૧૯૩૦)ને વીસમી સદીના સૌથી સફળ ઇન્વેસ્ટર તરીકે ઓળખવામાં આવે છે. વિશ્વના ધનાઢ્ય લોકોમાં સ્થાન પામનાર વૉરન બુફેટ હજી આજે પણ અમેરિકાના ઓમાહા નામના પરગણામાં નાનકડા ત્રણ બેડરૂમવાળા ઘરમાં રહે છે. આ ઘર એમણે આજથી પચાસેક વર્ષ પહેલાં ખરીદ્યું હતું. એ કહે છે કે એને જોઈએ તે બધું જ આ ઘરમાં છે પછી બીજા મોટા ઘરમાં જવાની જરૂર શી ? વૉરન બુફેટ જાતે ગાડી ચલાવે છે અને કોઈ સલામતીરક્ષક રાખતા નથી. વળી વિશ્વની સૌથી મોટી ખાનગી જેટ વિમાની કંપની ધરાવતા હોવા છતાં ક્યારેય ખાનગી જેટ દ્વારા પ્રવાસ કરતા નથી.
નિશાળમાં અભ્યાસ કરતી વખતે આપકમાઈ કરવા માટે અખબારના ફેરિયાનું કામ કરતા હતા અને પિતા ધનવાન હોવા છતાં ખિસ્સાખર્ચી કાઢવા માટે અખબાર વહેંચતા હતા. વૉરન બુફેટ માને છે કે પૈસાથી ખુશીઓ ખરીદી શકાતી નથી. એમના શોખ પણ ઘણા સાધારણ છે. અસ્તાચળના સમયે સમુદ્રના કિનારે ખુલ્લા પગે ચાલવું એ એમને ખૂબ પસંદ છે. કૉફી શોપમાં બેસીને આવન-જાવન કરતા લોકોને જોવામાં એમને ખૂબ મજા આવે છે અને કહે છે કે જીવનની સામાન્ય પળોમાં પણ અખૂટ આનંદ છુપાયેલો છે. આ અબજોપતિ એમ માને છે કે બીજાની સાથે પોતાની તુલના કરીને વધુ કમાણી કરવાની ધૂન વ્યક્તિને ક્યારેય સંતુષ્ટ કરી શકતી નથી. આથી ૨૦૦૬માં એમણે પોતાની સંપત્તિનું દાન કરવાનો નિર્ણય કર્યો. એમણે થોડીઘણી સંપત્તિ નહીં, પણ ૮૩ ટકા સંપત્તિ બિલ ઍન્ડ મિલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશનને દાનમાં આપી દીધી.
૨૦૦૨ની એપ્રિલમાં મેડિકલ ટેસ્ટ કરતાં ખબર પડી કે એમને કૅન્સર થયું છે. તે પાંચેક મહિના સારવાર લઈને ફરી કામે લાગી ગયા અને આજે ૮૭ વર્ષના વૉરન બુફેટ ઉકાળો ઑફિસ અને સામાજિક કાર્યોમાં ડૂબેલા રહે છે.
મંત્ર માનવતાનો
113