________________
પ્રમુખને પક્ષી દેખાયું ત્યારે
૧૯૦૧થી ૧૯૦૯ સુધી અમેરિકાના પ્રમુખનો હોદ્દો સંભાળનાર થિયોડોર રૂઝવેલ્ટ(૧૮પ૮થી ૧૯૯૯)ની વિશેષતા એ હતી કે તેઓ વિશ્વના સમર્થ રાજનીતિજ્ઞોથી માંડીને સામાન્યમાં સામાન્ય નોકરી સુધી સહુ કોઈને સાચુકલા હૃદયનો પ્રેમ કરતા હતા. પ્રમુખ તરીકે એ ફિરો જવા નીકળે ત્યારે રસ્તામાં એમના નોકરોનાં નિવાસસ્થાન આવતાં હતાં. જો પોતાના નોકરોને એમની ઝૂંપડીની બહાર જોતા નહીં, તો એની ઝૂંપડીની બહાર ઊભા રહીને એને નામથી બોલાવતા. એ નોકર બહાર આવે, ત્યારે હસ્તધનૂન કરતા અથવા તો ભાવભર્યું સ્મિત આપતા.
પ્રમુખ રૂઝવેલ્ટના પોતાના અંગત નોકરનું નામ હતું જેમ્સ ઇ. એમોઝ. એક વાર પ્રમુખને એમનાં પત્નીએ કહ્યું કે એમણે ક્યારેય બોબ વ્હાઇટ નામનું પક્ષી જોયું નથી. આ સમયે પ્રમુખનો નોકર જેમ્સ ઇ. એમોઝ પણ ઊભો હતો. એણે આ વાતમાં સાક્ષી પુરાવી કે આ પક્ષી વિશે સાંભળ્યું છે ઘણું, પણ ક્યારેય જોવા મળ્યું નથી. મને પણ એ પક્ષી જોવાની તીવ્ર ઇચ્છા છે એમ કહ્યું.
બન્યું એવું કે થોડા દિવસ બાદ પ્રમુખ રૂઝવેલ્ટ એમોઝના ઝૂંપડાની બહારથી પસાર થતા હતા, ત્યારે એમણે એના ઘરની બહાર પક્ષી ઊભેલું જોયું. પ્રમુખે તરત જ એને ફોન કર્યો. ફોન એમોઝની પત્નીએ ઉપાડ્યો. પ્રમુખે એને કહ્યું,
જેમ્સ ઇ. એમોઝ જે પક્ષી જોવા માટે અતિ આતુર છે, એ તમારી બારીની બહાર જ બેઠું છે અને જો એ બહાર જોશે તો એને આ પક્ષી જોવા મળશે.’
પ્રમુખ રૂઝવેલ્ટ એમના પ્રેમાળ સ્વભાવને કારણે સામાન્યમાં સામાન્ય કર્મચારીના હૃદયમાં પણ ઘણું ઊંચું સ્થાન પામ્યા હતા. એમના નોકર જેમ્સ ઇ. એમોઝે તો સમય જતાં પ્રમુખનું ઔદાર્ય અને માનવતા દર્શાવતા ઘણા પ્રસંગોયુક્ત સ્મરણકથા લખી હતી.
મંત્ર માનવતાનો
9