________________
સેવા એ જ વેપાર
ઇટલીના અસીસી પ્રાંતમાં વસતા એક ધનિક વેપારીના પુત્ર સીસોનું મન દુનિયાનાં દુઃખો જોઈને દ્રવી જતું હતું. બીજાં બાળકો જ્યારે ખેલકૂદમાં આનંદ માણતાં હોય, ત્યારે સીસોને બીજા લોકોની પીડા અને દુઃખને જોઈને વેદના થતી હતી. એનામાં દીન-દુખિયાં પ્રત્યે એવી પ્રબળ કરણા હતી કે એની સ્થિતિ જોઈને એમને મદદ કર્યા વિના રહી શકતો નહીં.
- એક વાર રસ્તા પર રક્તપિત્તગ્રસ્ત ભિખારીને ભીખ માગતો જોયો અને ધનવાન પિતાના પુત્ર સીસોએ એને થોડા પૈસા આપ્યા. પરંતુ એ રક્તપિત્તની બીમારી ધરાવતો માનવી સીસો તરફ વેધક નજરે જોઈ રહ્યો. સીસો એની આંખના ભાવો વાંચીને પારખી ગયો કે આને પૈસા કરતાં વધુ તો પ્રેમ અને સેવાશુશ્રુષાની જરૂર છે. સીસો એની સેવામાં ડૂબી ગયો. એના ધનવાન પિતાએ એને કહ્યું કે, “આપણો આટલો બહોળો વેપાર છે, તું વેપારમાં ધ્યાન આપ.'
ત્યારે સીસોએ એના પિતાને કહ્યું કે, “મારે માટે કોઈ વેપાર હોય કે જીવન હોય તો તે ગરીબ અને બીમારની સેવા કરવાનું છે.” અને સીસોએ ગરીબોની સેવા કરવાનું લક્ષ્ય રાખ્યું. એ રક્તપિત્ત ધરાવતા લોકોની સેવા કરતો એટલું જ નહીં, પરંતુ એમને અગાધ સ્નેહ આપીને એમનામાં જીવવાની નવી તમના પેદા કરતો હતો.
એક વાર એણે ચર્ચ બનાવવાનો વિચાર કર્યો અને એમાં માત્ર ગરીબ અને દુઃખી લોકોને જ સામેલ કર્યા. બધાએ ભેગા મળીને પથ્થર એકઠા કર્યા. સીસોના આ સેવાકાર્યની સુવાસ સઘળે પ્રસરી ગઈ અને એના મિત્રોએ સેવા અને નિર્માણ માટે એક સંગઠન “ધ પુઅર બ્રધર્સ
ઑફ અસીસી' શરૂ કર્યું. સમયની સાથે એ સંગઠનમાં વધુ ને વધુ લોકો જોડાતા ગયા અને થોડા સમય બાદ એ સંગઠનનું નામ “ફ્રાંસિસ્કોપ' રાખવામાં આવ્યું. રક્તપિત્તની સેવા કરનાર સીસો માત્ર તેંતાલીસ વર્ષની વયે અવસાન પામ્યો, પરંતુ એનું સેવાભાવી લોકોનું આ સંગઠન આજેય દીન-દુખિયાંઓનો સહારો બની રહ્યું છે અને સીસોને “સેંટ ફ્રાન્સિસ ઑફ અસીસીના રૂપે સહુ યાદ કરે છે.
IIT
/
મંત્ર મહાનતાનો
91