________________
હું કોણ છું ? ઇંગ્લેન્ડના પ્રસિદ્ધ લેખક, ઇતિહાસકાર અને ચિંતક ટૉમસ કાર્લાઇલ એંસી વર્ષના થયા. ઓગણીસમી સદીના યુગસમસ્તના આત્માને આંદોલિત કરનાર કાર્લાઇલને એકાએક અહેસાસ થયો કે એમનું આખું શરીર સાવ પલટાઈ ગયું છે. આ શું થયું ? ચહેરો નિસ્તેજ, આંખો ઊંડી ઊતરી ગયેલી અને ગાલ પર પાર વિનાની કરચલીઓ !
સ્નાનગૃહમાંથી બહાર નીકળીને એ પોતાના શરીરને લૂછવા લાગ્યા, તો એમ જણાયું કે જે શરીરને એ વર્ષોથી જાણતા હતા, એ શરીરને બદલે કોઈ બીજું જ શરીર પોતે લૂછી રહ્યા છે.
કાર્લાઇલ વિચારમાં પડ્યા કે જે કાયા સાથે વર્ષોથી માયા બંધાણી હતી, એ મનમોહક કાયા ક્યાં ગઈ !
જે શરીર માટે પોતે ગર્વ ધારણ કરતા હતા, એ શરીર એકાએક ક્યાં અલોપ થઈ ગયું?
જે દેહની સુંદરતા જાળવવા માટે એમણે કેટલાય સમય ગાળ્યો હતો, તે દેહ ક્યાંય દેખાતો ન હતો. કાર્લાઇલ પરેશાન થઈ ગયા.
યુવાની વીતી ગઈ. દેહને પણ ઘડપણ આવ્યું અને હવે તો એથીય વધુ, દેહ સાવ જર્જરિત બની ગયો.
- કાર્લાઇલ બેચેન બન્યા. આ તે કેવું ! જે દેહને પોતે અભિન્ન માનતા હતા, તે દેહ બદલાઈ ગયો; અને પોતે તો હતા એવા ને એવા જ રહ્યા !
કાર્લાઇલના વિસ્મયનો પાર ન રહ્યો. પોતે છે પણ પેલું શરીર ક્યાં ?
ધીરે ધીરે ગહન ચિંતનમાં ડૂબતા કાર્લાઇલના મનમાં એકાએક ચમકારો થયો. એમણે પોતાની જાતને પૂછવું : અરે ! ત્યારે હું કોણ છું? ”
મંત્ર મહાનતાનો
55