________________
પ્રારંભે
સામાન્યતઃ આપણે ત્યાં ભારતીય વિભૂતિઓના પ્રસંગો મળે છે. ગ્રંથો કે સામયિકોમાં રામ, બુદ્ધ કે મહાવીરના જીવનપ્રસંગો મળે છે. ભારતીય ઋષિઓ, સંતો, લોકસેવકો અને સાહિત્યસર્જકોના જીવનપ્રસંગો આલેખતાં પુસ્તકો પણ મળે છે, પરંતુ અહીં વિદેશની વિશિષ્ટ વ્યક્તિઓના એમના જીવનમાં પરિવર્તન લાવનારા માર્મિક પ્રસંગોનું આલેખન કરવામાં આવ્યું છે. એક એવો પ્રસંગ હોય કે જેમાં કોઈ એક જ વિચાર આખી પરિસ્થિતિમાં પરિવર્તન આણતો હોય,
આ પુસ્તકમાં વિજ્ઞાની, વિદ્વાન, રાજકીય હસ્તીઓ, તત્ત્વચિંતકો વગેરેના જીવનના માર્મિક અને હૃદયસ્પર્શી પ્રસંગ આલેખવામાં આવ્યા છે. એ પ્રસંગમાં એ વ્યક્તિની જીવનસંધર્ષની સામે લડીને એનો ઉકેલ મેળવવાની એની જહેમતનું આલેખન છે. તો સત્ય, ન્યાય, નિષ્ઠા અને માનવતા જેવા ભાવો પ્રગટ કરતા પ્રસંગો પણ આમાં આલેખાયા છે. વર્તમાન સમયના વિદેશના વિજ્ઞાનીઓ, ઉદ્યોગસાહસિકો અને રાજનેતાઓના જીવનની મહત્ત્વની ઘટનાઓ પણ આમાંથી મળશે.
આ પુસ્તકના પ્રકાશન માટે ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય અને શ્રી મનુભાઈ શાહનો આભારી છું. વાચકોને આ પ્રસંગોમાંથી કોઈ નવી દૃષ્ટિ પ્રાપ્ત થશે. એવી આશા અસ્થાને નથી.
કુમારપાળ દેસાઈ
૪-૮-૨૦૧૭