________________
મંત્ર મહાનતાનો
32
આત્મસમૃદ્ધિનો માર્ગ
ગ્રીક-રોમનકાળના પ્રતિષ્ઠિત ગણિતશાસ્ત્રી યુક્લિડ(ઈ.પૂર્વે ૩૨૩- ઈ.પૂર્વે ૨૮૩)નો ગણિતશાસ્ત્રના વિકાસ પર અદ્વિતીય પ્રભાવ પડ્યો છે. એના વિશ્વપ્રસિદ્ધ ગ્રંથ ‘ઍલિમેન્ટ્સ”માં એનાં ભૂમિતિ વિશેનાં સંશોધનો અત્યંત લોકપ્રિય બન્યાં. અનેક ભાષામાં એનો અનુવાદ થયો અને એની અનેક આવૃત્તિઓ થઈ. યૂક્લિડ આવા મહાન ગણિતજ્ઞ હોવા છતાં એમને જ્ઞાનનો કામાત્ર આકાર નહોતો. એમનો સદાય આગ્રહ રહેતો કે જ્ઞાન એ સંઘરવા માટે નથી, પણ આપવા માટે છે.
કોઈ પણ યુવાન એમની પાસે અભ્યાસાર્થે આવતો, તો યૂક્લિડ એને ભૂમિતિની પૂર્વધારણાઓ, વ્યાખ્યાઓ, પ્રમેયો, વિધાનો અને એના સિદ્ધાંતો ઉમળકાભેર શીખવતા હતા. ઘણી વાર તો યૂક્લિડ પોતાનું અગત્યનું કામ બાજુએ મૂકીને પણ જિજ્ઞાસુઓની ગાણિતિક જિજ્ઞાસા તૃપ્ત કરતા હતા.
એક દિવસ યુક્લિડ પાસે એક તેજસ્વી યુવાન ભૂમિતિના અભ્યાસ માટે આવ્યો. એણે ઊંડા અભ્યાસની પોતાની ઇચ્છા પ્રગટ કરી, યુક્લિડે સહર્ષ સ્વીકાર કર્યો. થોડા જ સમયમાં આ તેજસ્વી યુવાન ભૂમિતિના વિષયમાં પારંગત બનવા લાગ્યો. એક દિવસ યૂક્લિડ આ તેજસ્વી યુવાનને અભ્યાસ કરાવતા હતા, ત્યારે એકાએક યુવાને પ્રશ્ન કર્યો, ‘ભૂમિતિનો આ પ્રમેય શીખવાથી મને કંઈ ધનપ્રાપ્તિ થશે ખરી ?'
આ સાંભળી યૂક્લિડ ખૂબ નારાજ થયા. એમણે પોતાના નોકરને બોલાવીને કહ્યું, ‘આને ઓબૅલ (ગ્રીકનું ચલણ) આપો, કારણ કે એને વિદ્યા પ્રાપ્ત કરવામાં ઓછી રુચિ છે અને ધન કમાવવામાં વિશેષ રુચિ છે. આને માટે ભૂમિતિ જ નહી, કિંતુ સઘળું શિક્ષણ વ્યર્થ અને નકામું છે.'
યુક્લિડના મુખેથી નીકળેલાં આ વચનો સાંભળીને યુવાન જ નહીં, બલ્કે ઉપસ્થિત તમામ વિદ્યાર્થીઓ સ્તબ્ધ બની ગયા. યુવાને ક્ષમા માગી તો યુક્લિડે કહ્યું, ‘વિદ્યા કે શિક્ષા આત્મસમૃદ્ધિનો માર્ગ છે. એને ક્યારેય ભૌતિક લાભના ત્રાજવે તોળી શકાય નહીં.