________________
સોળ વર્ષનું સરવૈયું
અબ્રાહમ લિંકને સ્પ્રિંગફિલ્ડમાં પચીસ વર્ષ સુધી વકીલાત કરી. પાંચ વર્ષ સુધી મેજર સ્ટુઅર્ટ સાથે, ત્રણ વર્ષ સુધી લોગન સાથે વકીલાતમાં ભાગીદારી કરી. એ પછી ૧૮૪૩માં વિલિયમ હર્નડન સાથે વકીલાતમાં ભાગીદારી રાખી. વકીલ તરીકે નામના પ્રાપ્ત કરવાની સાથે રાજકીય ક્ષેત્રે પણ પ્રગતિ કરી અને એમણે અમેરિકાનું પ્રમુખપદ પ્રાપ્ત કર્યું. વકીલાતને અને સ્પ્રિંગફિલ્ડને છોડવાની પૂર્વ રાત્રિએ અબ્રાહમ લિંકન વિદાય લેવા માટે ઑફિસમાં ગયા. એમનો વર્ષો જૂનો ભાગીદાર વિલિયમ હર્નડન એમની સાથે હતો. અબ્રાહમ લિંકને પોતાનું બાકીનું કામ પૂર્ણ કર્યું. હિસાબ પતાવ્યો અને પછી ઑફિસની સૌથી પુરાણી ખુરશી પર બેસીને હર્નડન સાથે વાતે વળગ્યા.
વિદાય પ્રસંગે બંનેનાં હૃદય ગળગળાં થઈ ગયાં. બંને થોડી વાર મૌન રહ્યા, પછી લિંકને કહ્યું, ‘આપણે સાથે કામ કર્યાંને કેટલાં વર્ષો થઈ ગયાં ?’
આશરે સોળ વર્ષથી વધુ..
‘અને છતાં કોઈ દિવસ આપણે એકબીજા સાથે ઊંચા સાદે બોલ્યા નથી.’
હર્નડને કહ્યું, ‘કદાપિ નહીં.' અને પછી બંને મિત્રોએ વીતેલાં વર્ષોના અનુભવોનું આનંદપૂર્વક સ્મરણ કર્યું. લિંકન પોતાને ઉપયોગી પુસ્તકો લઈને હર્નડન સાથે નીચે ઊતરતા હતા, ત્યારે ઑફિસની બહાર લટકાવેલા જૂના પાટિયા પર નજર કરીને લિંકને કહ્યું, ‘દોસ્ત, આપણા નામનું આ પાટિયું ક્યારેય કાઢી નાખતો નહીં. હું દેશનો પ્રમુખ થયો, તેથી આપણી ઑફિસમાં કોઈ ફેર પડતો નથી. જો મારે ફરી અહીં પાછા આવવાનું બનશે, તો આપણે જિંદગીમાં જાણે કશું બન્યું નથી તેમ, ફરી પાછું આપણું વકીલાતનું કામકાજ સાથે ચાલુ કરી દઈશું.'
દાદરો ઊતરતાં પહેલાં લિંકને પોતાની ઓફિસ પર છેલ્લી નજર કરી. એક ઊંડો નિશ્વાસ મંત્ર મહાનતાનો નાખ્યો. પરસ્પરની વિદાય લીધી અને વિદાય વેળાએ બંને મિત્રોની આંખોમાં આંસુ ઊભરાઈ
30
રહ્યાં !