________________
મારો અભિપ્રાય બ્રિટનના અગ્રણી મુત્સદી, રૂઢિચુસ્ત પક્ષના નેતા, લેખક અને કુશળ વક્તા સર વિન્સેન્ટ ચર્ચિલે (જ. ઈ. ૧૮૭૪થી અ. ઈ. ૧૯૬૫) બીજા વિશ્વયુદ્ધની કટોકટીના સમયમાં બ્રિટનનું વડાપ્રધાનપદ ગ્રહણ કર્યું. ઈ.સ. ૧૯૪૦થી ૧૯૪૫ સુધી વડાપ્રધાનપદે રહીને એમણે બીજા વિશ્વયુદ્ધમાં બ્રિટન અને મિત્રરાજ્યોને વિજય અપાવવામાં સિંહફાળો આપ્યો. વિશ્વયુદ્ધની કટોકટીના સમયે દેશને વિજય માટે એમણે આપેલો સંકેત 'V' ('V' For Victory) ઇંગ્લેન્ડના રાષ્ટ્રીય સ્વાભિમાન અને ખમીરનું પ્રતીક બની ગયો હતો.
તેઓ વડાપ્રધાન હતા, તે સમયે બ્રિટનની પાર્લામેન્ટમાં કોઈ અગત્યના વિષય પર ચર્ચા ચાલી રહી હતી અને વિન્સેન્ટ ચર્ચિલની વિચારધારાની સામે વિરોધ પક્ષના અગ્રણી વક્તવ્ય આપતા હતા. એમનું પ્રવચન અત્યંત લાંબું, અવ્યવસ્થિત અને કશી નક્કર હકીકતો વિનાનું હોવાથી વિન્સેન્ટ ચર્ચિલ કંટાળી ગયા. વળી, પ્રવચન આપતાં ઘણો સમય વીતી ગયો હોવા છતાં એ વિરોધ પક્ષના અગ્રણી અટકતા નહોતા. આથી વિન્સેન્ટ ચર્ચિલ પોતાના સ્થાને બેસીને ઝોકાં ખાવા લાગ્યા અને ધીરે ધીરે પાર્લમેન્ટની પાટલી પર માથું નાખીને નિદ્રાધીન બની ગયા.
વિરોધ પક્ષના અગ્રણી તો આવી તકની રાહ જોઈને જ બેઠા હતા. એમણે એકાએક વક્તવ્ય આપવાનું થોભાવીને વિન્સેન્ટ ચર્ચિલ તરફ આંખો માંડી. આથી પાર્લમેન્ટના તમામ સભ્યો વિન્સેન્ટ ચર્ચિલ તરફ જોવા લાગ્યા અને એમને ખ્યાલ આવ્યો કે ચર્ચિલ પાર્લમેન્ટની કાર્યવાહી દરમિયાન ઊંઘી રહ્યા છે. | વિરોધી નેતાએ આ પરિસ્થિતિનો પૂરો લાભ લેતાં કહ્યું, ‘વડાપ્રધાન મિ. ચર્ચિલ, તમે ઊંઘો છો તો પછી તમે મારા વિરોધી મુદ્દાઓનો જવાબ કઈ રીતે આપશો ? મારા પ્રવચનના મુદ્દાઓ વિશે તમારો અભિપ્રાય આપવાનો છે, એનો તમને ખ્યાલ છે ને ?'
આ સાંભળીને પાર્લમેન્ટના સભ્યો ખડખડાટ હસવા લાગ્યા, ત્યારે વિન્સેન્ટ ચર્ચિલે આંખો બંધ રાખીને કહ્યું, ‘તમારા પ્રવચન વિશે મારો અભિપ્રાય ? આ ઊંઘ એ જ અભિપ્રાય.”
ચર્ચિલનો આ ઉત્તર સાંભળીને આખું સભાગૃહ તાળીઓના ગડગડાટથી ગાજી ઊઠ્યું.
IIIT,
147