________________
મંત્ર મહાનતાનો
126
નકલ એટલે નિષ્ફળતા
સૅમ વૂડ તરીકે જાણીતા સેમ્યુઅલ ગ્રોસવેનોર વડે (ઈ.સ. ૧૮૮૩ થી ઈ.સ. ૧૯૪૯) પોતાની વ્યવસાયી કારકિર્દીનો પ્રારંભ રિયલ એસ્ટેટ બ્રોકર તરીકે કર્યો. પોતાના આ વ્યવસાય માટે એ ઘણા સેલ્સમૅનો રાખતા હતા અને તેઓને તદ્દન નવીન અભિગમ અપનાવીને ગ્રાહકોને કઈ રીતે આકર્ષી શકાય, તે શીખવતા હતા. જ્યારે આ વ્યવસાયમાં બીજા લોકો ચીલાચાલુ ઢબે કામ કરતા હતા, ત્યારે સેમ વૂડે પોતાના સેલ્સમેનોને કહ્યું કે
“તમે એમની માફક પોપટની જેમ નકલ કરશો, તો એનાથી તમને ક્યારેય સફળતા મળશે નહીં. તમારી પાસે તમારી પોતાની આગવી રીત હોવી જોઈએ અને એ રીતથી તમારે તમારા ગ્રાહકોને પ્રભાવિત કરવા જોઈએ.”
સૅમ વૂડ આ વ્યવસાયમાં ખૂબ સફળ થયા અને એ પછી એમણે અમેરિકન ફિલ્મમાં દિગ્દર્શક તરીકેની કામગીરી સ્વીકારી અને પ્રારંભમાં ‘પૅરેમાઉન્ટ પિક્ચર્સ’' નામની કંપનીની કેટલીક ફિલ્મોનું દિગ્દર્શન કર્યું. ફિલ્મના દિગ્દર્શનમાં એમણે રિયલ એસ્ટેટ બ્રોકર તરીકેના પોતાના કસબને નવી રીતે ઢાળ્યો. એમાં પણ એમણે બીજાની નકલ કરવાને બદલે પોતાની આગવી રીતે ફિલ્મોનું દિગ્દર્શન કર્યું. દર્શકોને કઈ રીતે આકર્ષી શકાય, એને માટે કેટલાય મૌલિક વિચારો કર્યા. એ સ્પષ્ટપણે કહેતા,
“તમે નકલ કરીને ક્યાંપ અને ક્યારેય સફળ થઈ શકવાના નથી. તમારે તમારો પોતાનો કસબ બતાવવો જોઈએ અને તો જ લોકો તમને સ્વીકારશે.”
વળી એ સારી પેઠે જાણતા હતા કે લોકોને પણ કશુંક નવું જોઈએ છે અને ફિલ્મના માધ્યમ દ્વારા થતું મૌલિક આલેખન જોઈને દર્શકો સ્વાભાવિક રીતે જ આકર્ષાય છે. આનું પરિણામ એ આવ્યું કે સેમ વૂડે દિગ્દર્શિત કરેલી ઘણી ફિલ્મો હૉલિવૂડની ‘હીટ ફિલ્મો બની અને તે એકૅડેમી ઍવૉર્ડ માટે પણ નામાંકિત થઈ. ‘ફોર હૂમ ધ બેલ ટોલ્સ’, ‘એ નાઇટ ઓફ ધ ઓપેરા’, ‘ગૂડબાય મિ. ચિપ્સ' અને ‘ધ પ્રાઇડ ઑફ ધ યાન્કી' જેવી ફિલ્મોએ દિગ્દર્શક તરીકે સેમ વૂડને વૈશ્વિક નામના અપાવી.