________________
સંકટોની શીખ
કારમી ગરીબીને કારણે અમેરિકાની ડોરોથી ડિક્સને હંમેશાં કાળી મજૂરી કરવી પડી. વખતોવખત માંદગીથી ઘેરાઈ જતી હોવાને કારણે શરીર બીમાર હોય તો પણ જાત ઘસીને નહીં, બલ્કે તોડીને કામ કરવું પડ્યું. આને કારણે એ યુવાનીમાં જ વૃદ્ધ બની ગઈ. વળી જીવનમાં એવી કેટલીય અણધારી આપત્તિઓ આવી કે જેનો હિસાબ નહીં.
એ પોતાની જિંદગીનું વિહંગાવલોકન કરતી ત્યારે એને એમ લાગતું કે જીવન એ એક યુદ્ધક્ષેત્ર જેવું છે કે જેમાં તૂટેલાં સ્વપ્નો, ભસ્મીભૂત થયેલી આશાઓ અને અણધાર્યા આઘાત ચોપાસ વિખરાયેલાં પડ્યાં છે. આકસ્મિક આફતોને કારણે એ શરીરથી નિર્બળ બની ગઈ અને સમય જતાં દિવ્યાંગ પણ થઈ ગઈ.
આમ છતાં ડોરોથી ડિક્સ હંમેશાં વિચારતી રહી કે ગઈ કાલે આવેલી અઢળક મુસીબતોનો મેં સામનો કર્યો છે. આજે પણ હિંમતભેર એ મુસીબતો સામે લડી રહી છું. તો પછી આવતીકાલે આવનારી ભવિષ્યની અણદીઠ મુસીબતોની ચિંતા શા માટે કરવી? મનમાં એવો વિચાર પણ શા માટે લાવવો ? ડોરોથી ડિક્સે આજના આનંદમાં જીવતાં ને રહેતાં શીખી લીધું અને તેને પરિણામે આવતીકાલની ચિંતામાંથી ઊગરી ગઈ.
એ કહેતી હતી, ‘જો હું કાલે એના પર વિજય મેળવી શકું, તો આજે કેમ નહીં?” અને આ વિચારને કારણે એણે ક્યારેય પોતાની જાત માટે લાચારી અનુભવી નહીં કે અણધારી આફતોની કલ્પના કરીને ક્યારેય ભયભીત થઇ નહીં.
એણે જોયું કે જિંદગીમાં બનતી ઘટનાઓ પ્રત્યે ક્યારેક હસવું આવે છે તો ક્યારેક રડવું આવે છે. ડૉરોથી ડિક્સે નક્કી કર્યું કે ગમે તેટલા સંકટોથી ઘેરાયેલી હોઈશ તો પણ અને ચિંતામાં ડૂબેલી હોઈશ તેમ છતાં એ સઘળી વાતો પ્રત્યે હું હસીશ. સંકટોને કારણે દુઃખી નહીં થાઉં, કારણ કે આ સંકટો જ મને જીવનનો અખિલાઈથી પરિચય આપે છે અને સંઘર્ષો મને શીખવી ગયા છે કે જેના જીવનમાં સંઘર્ષ નથી, એ કશું પ્રાપ્ત કરી શકતા નથી.
મંત્ર મહાનતાનો 107