________________
મંત્ર મહાનતાનો 102
દર્પણમાં ચહેરો જુઓ !
ન
ગ્રીસના મહાન તત્ત્વજ્ઞાની સૉક્રેટિસ સદૈવ વિચારનો મહિમા અને મહત્ત્વ કરતા હતા અને દૃઢપણે માનતા હતા કે વિચાર જીવનમાં પ્રતિબિંબિત થવો જોઈએ. ‘જે વિચાર જીવન સાથે સંકળાયેલો ન હોય, એ વિચારનું કોઈ મૂલ્ય હોતું નથી.’ અને એટલે જ એણે એમ કહ્યું હતું કે ‘મારું જીવન એ જ મારું તત્ત્વજ્ઞાન છે.” શિલ્પી પિતા અને દાયણ માતાના પુત્ર સૉક્રેટિસ પોતાને વિશે એમ કહેતા કે જેમ દાયા માતાના ગર્ભમાંથી બાળકને બહાર કાઢે છે, તેમ તેઓ લોકોના મનમાંથી અજ્ઞાન બહાર ખેંચી કાઢે છે અને જેમ શિલ્પી પથ્થરમાં માનવઆકૃતિ કંડારે છે તેમ તેઓ માનવ વ્યક્તિત્વને કંડારે છે.
આવા દાર્શનિક સૉક્રેટિસનો બાહ્ય દેખાવ અત્યંત બેડોળ હતો. ડીંગણું કદ, ચીંબુ નાક, આગળ પડતી મોટી આંખો આમ છતાં એ વારંવાર દર્પણમાં પોતાનું મુખ જોતા હતા.
એક વાર એના કેટલાક શિષ્યો એની પાસે ગયા, ત્યારે એમને સૉક્રેટિસનું આ વર્તન સમજાયું નહીં. વિચારવા લાગ્યા કે શા માટે કુરૂપ ચહેરા ધરાવતા ગુરુ વખતોવખત દર્પણમાં પોતાનો ચહેરો જોતા હશે. આખરે એક શિષ્યએ સાહસ કરીને પૂછી લીધું,
‘ગુરુજી, શા માટે આપ વારંવાર દર્પણમાં તમારો ચહેરો જુઓ છો ?’
શિષ્યની વાત સાંભળીને સૉક્રેટિસ હસી પડ્યા અને બોલ્યા, ‘વાત તો તારી સાચી. જેનો ચહેરો કુરૂપ હોય, એને દર્પણ જોવાની વળી શી જરૂર ? પરંતુ મારા પ્રિય શિષ્ય, સહુએ દર્પણ જોવું જોઈએ, પછી તે રૂપવાન હોય કે કુરૂપ હોય.’
શિષ્ય અધવચ્ચે બોલી ઊઠ્યો, ‘પણ ગુરુજી કુરૂપને તો પોતાના બદસૂરત ચહેરાની વાસ્તવિકતાની ખબર છે, પછી એ શા માટે દર્પણમાં જોતો હશે ? એમ કરવાથી તો દુઃખ પહોંચે.'
સૉક્રેટિસે કહ્યું, ‘કુરૂપે એ માટે દર્પણ જોવું જોઈએ કે એને ખ્યાલ આવે કે પોતે કુરૂપ છે અને એણે ઉત્તમ કાર્યો દ્વારા પોતાની કુરૂપતાને સુંદર બનાવીને ઢાંકવાની છે અને રૂપવાન વ્યક્તિએ દર્પણ એ માટે જોવું જોઈએ કે ઈશ્વરે એને સૌંદર્ય આપ્યું છે, તેથી એ હંમેશાં એને અનુરૂપ સુંદર કાર્યો કરે.”