________________
સાચા સાધુનું લક્ષણ હજરત ઇબ્રાહિમ એમ માનતા હતા કે પ્રત્યેક ધર્મ એ માનવીને નેકી અને ઈમાનદારીના રાહ પર ચાલવાનો સંદેશ આપે છે અને બૂરાઈથી બચવા માટેની જાતજાતની તરકીબ બતાવે છે. આથી ભલે ધર્મોનું બાહ્ય રૂ૫ ભિન્ન હોય, પરંતુ એનું આંતરિક રૂપ સમાન છે. સઘળા ધર્મોના પાયામાં માનવકલ્યાણની ભાવના જ રહેલી છે.
હજરત ઇબ્રાહિમના મનમાં સતત એવી જિજ્ઞાસા રહેતી કે આટલા બધા ઉપદેશકો અને ઉપદેશો હોવા છતાં લોકોને કેમ ધર્મનો સાચો સાર સમજાતો નથી ? પોતાના આ પ્રશ્નના ઉત્તર માટે હજરત ઇબ્રાહિમ જુદા જુદા સંતોને મળતા હતા અને સમસ્યાનો ઉકેલ મેળવવા માટે સતત પ્રયાસ કરતા હતા.
એક વાર આ સંદર્ભમાં તેઓ એક સંતને મળવા ગયા. બંને વચ્ચે ધર્મતત્ત્વની બાબતમાં જ્ઞાનપૂર્ણ સંવાદ ચાલ્યો. વિચારવિમર્શ ઘણો કર્યો, પરંતુ તેઓ કોઈ નિષ્કર્ષ પર પહોંચ્યા નહીં. આ વાર્તાલાપ દરમિયાન હજરત ઇબ્રાહિમને સંતની વિચારધારા અને એમના દૃષ્ટિકોણનો બરાબર પરિચય મળી ગયો. સંતના સીમિત જ્ઞાનનો સંકેત પામી ગયા, આમ છતાં એમણે એ સંતને પ્રશ્ન કર્યો,
“સાચા સાધુનાં મહત્ત્વપૂર્ણ લક્ષણો કયાં હોય ?”
ત્યારે સંતે મસ્તીથી જવાબ આપ્યો, ‘ભોજન મળે તો ખાઈ લે અને ન મળે તો સંતોષ માને.’ હજરત ઇબ્રાહિમને લાગ્યું કે સંતની દૃષ્ટિ ઘણી સંકુચિત છે, એથી એમણે કહ્યું, “અરે, આવું તો શેરીનો કૂતરો પણ કરે છે. આમાં શું ?'
સંત નિરુત્તર બની ગયા અને હજરત ઇબ્રાહિમને વિનંતી કરી કે “મારા ઉત્તરથી તમને સંતોષ થયો નથી, તો તમે જ સાચા સાધુનું લક્ષણ કહો ને !'
ઇબ્રાહિમે કહ્યું, “મળે તો વહેંચીને ખાય અને ન મળે તો પ્રભુની કૃપા માનીને પ્રસન્ન ચિત્ત
વિચારે કે દયામયે એને તપશ્ચર્યા કરવાનો કેવો સુંદર અવસર પૂરો પાડ્યો !” મંત્ર મહાનતાનો
ઇબ્રાહિમની ભાવના જોઈને સંત ખુશ થઈ ગયા.