________________
૧૩૬
માત્ર માનવજાતને ભેદભાવનું ભૂત વળગેલું છે
નદીના વહેતા પાણી પાસે કેવો સર્વજન સમભાવ છે ! નદી બધાને સરખું પાણી આપે છે. ગમતી વ્યક્તિને મીઠું પાણી અને અણગમતાને ખારું એવો કોઈ ભેદ નહીં. કોઈને શીતળ જળ આપે અને કોઈને ગરમ પાણી - એવુંય નહીં. જે કોઈ આવે, એને કશાય ભેદના ભાવ વિના એકસરખું જળ આપે છે.
વૃક્ષ સતત વિકસતું રહે છે. એ ધરતીમાં ખીલે છે અને રણમાં પણ મળે છે. કાળમીંઢ પથ્થર પણ એનો વિકાસ રોકી શકતો નથી. એ તો મોટા, વિશાળ પથ્થરને ભેદીને પણ એની વચ્ચે પ્રગટ થાય છે. ધરતી સદાય સહન કરતી રહે છે. માણસ એના પર ચાલે કે દોડે એ તો ઠીક, કિંતુ એને ઊંડે સુધી ખોદે તો ય સહેતી રહે છે. ક્યારેય એ માણસને ઠપકો આપતી નથી કે પછી એની ઇચ્છાનો ઇન્કાર કરતી નથી. સૂર્ય સદા સહુને ચાહે છે. એનો પ્રકાશ માત્ર ધનિકોના મહેલો સુધી સીમિત નથી, પણ ગરીબોની ઝૂંપડીનેય અજવાળે છે. એનું તેજ માત્ર માનવી સુધી મર્યાદિત નથી, પણ પ્રાણીમાત્ર પામે છે.
અંધારી રાતે ટમટમ થતા તારા સહુની આંખોનો આનંદ બને છે. ગામને પાદરે ખાટલામાં સૂતેલા બાળકને કે આકાશ પર આંખ માંડીને બેઠેલા ખગોળવિજ્ઞાનીને એ સરખું તેજ આપે છે. નદી, વૃક્ષ, ધરતી, સૂર્ય કે આકાશ ભેદના કશાય ભાવ વિના કાર્ય કરે છે, એ માનવીની માફક પ્રેમભર્યો સંવાદ કરતા નથી, પરંતુ પ્રેમથી સહુની સાથે સમભાવ રાખે છે, ત્યારે એક માનવી જ કેવો કે જે ભેદભાવ વિના જીવી શકતો નથી ! એને જ્ઞાતિનો ભેદ ગમે, એને જાતિનો ગર્વ ગમે, એને દેશના સાંકડા સીમાડા પસંદ પડે. જ્યાં હોય ત્યાં એ ભેદ શોધે, એને ધર્મનો ભેદ હોય કે ત્વચાના રંગનો ભેદ હોય. એને ભેદ વિના સહેજેય
ન ચાલે. આ ભેદમાં એટલો ડૂબ્યો કે એ જ્ઞાતિ, જાતિ કે ધર્મનો બની રહ્યો, પણ માણસાઈભર્યો માનવ ન રહ્યો.
ક્ષણનો ઉત્સવ
138
૧૩૭
અર્થી બંધાય, તે પહેલાં જીવનનો અર્થ પામીએ !
રસ્તા પરથી પસાર થતી નનામી જોતાં વિચાર આવે કે નનામી પર એક વ્યક્તિ સૂતી છે અને તમે જાગો છો. એ ચિર નિદ્રામાં છે અને તમે સતત જાગ્રત અવસ્થામાં ચાલો છો. આ જગત પરથી એની વિદાય નિશ્ચિત છે અને હજુ તમારી વિદાય ક્યારે છે તે અનિશ્ચિત છે, પરંતુ તમારી નિશ્ચિત વિદાય આવે તે પહેલાં આ અનિશ્ચિત જીવનને સાર્થક ઉપયોગ કરવાની તમારી પાસે તક છે, આથી જ પ્રત્યેક વ્યક્તિનું મૃત્યુ એ તમારે માટે એક પડકાર છે અને તત્કાળ જાગ્રત થવાનો સંદેશ છે.
એ નનામી પર સૂતેલી માણસ વિશે કોઈ એમ કહેશે કે ‘એ બિચારો ચાલ્યો ગયો’, તમે હજી એવા ‘બિચારા’ થયા નથી, પરંતુ જો સમયસર જીવનનો અર્થ સમજ્યા નહીં, તો તમે પણ ‘બિચારા’ બનીને વિદાય પામશો. એનો અર્થ જુ એ કે અર્થી બંધાય તે પહેલાં જીવનનો અર્થ જાણી લેવો જોઈએ, નહીં તો મહાઅનર્થ થઈ જશે.
રસ્તા પરથી પસાર થતી નનામી તમને સવાલ કરે છે કે તમે નામી છો કે બદનામી છો ? નામી છો તો નનામી પર વિદાય લેવી સાર્થક છે અને બદનામી છો, તો તમારી નનામી નિરર્થક છે, કારણ કે જેનું મૃત્યુ નિરર્થક એનું જીવન અર્થહીન. આખરે તો મૃત્યુ એ જીવનમાં ગાળેલા અને ગણેલા ગણિતના આંકડાઓનો અંતિમ સરવાળો છે.
સ્મશાનયાત્રા એ માનવીને માટે અંતરયાત્રા બને છે. યાત્રા ઊર્ધીકરણ માટે હોય છે. વ્યક્તિ જેમજેમ યાત્રા કરતી જાય તેમતેમ ભીતરથી ઊર્વીકરણ સાધતી જાય છે. આથી બને છે એવું કે સ્મશાને સહુ કોઈ જાય છે, સ્મશાનયાત્રામાં કોઈ જતું નથી.
ક્ષણનો ઉત્સવ
139