________________
૧૨૮
જળ મેળવવાની દોડ, રણની રેતની પ્રાપ્તિ
જે અત્યંત ચંચળ અને પરિવર્તનશીલ છે, એને માનવી જીવનમાં સુદૃઢ અને સ્થિર કરવાનો સતત મરણિયો પ્રયાસ કરે છે. એને જે કંઈ ક્ષણિક અને અલ્પકાલીન પ્રાપ્ત થયું છે, તે ક્ષણિકને શાશ્વત અને અલ્પકાલીનને ચિરંજીવ બનાવવા ચાહે છે. એ પહેલાં કશુંક મેળવે છે, અને પછી એ મેળવેલું સદાકાળ ટકે એવી અપેક્ષા રાખે છે.
કોઈ યશસ્વી કાર્ય કરે અને એનાથી એને કીર્તિ પ્રાપ્ત થાય, તો એ પોતાની કીર્તિને અહર્નિશ અકબંધ રાખવા ચાહે છે. એ જાણતો નથી કે આજે એને કીર્તિ પ્રાપ્ત થઈ છે અને આવતીકાલે અપકીર્તિ પણ પ્રાપ્ત થાય. એને કોઈની ચાહના કે સ્નેહ પ્રાપ્ત થાય છે અને પછી એ વિચારે છે કે જીવનભર એ જ સ્નેહ કે પ્રેમ એને મળતો રહે.
એને યૌવન પ્રાપ્ત થાય ત્યારે એવી આકાંક્ષા સેવે છે કે આ યૌવન સદાકાળ ટકી રહે. એના પર ધીરેધીરે પડતા વૃદ્ધત્વના પડછાયા એને સહેજે પસંદ પડતા નથી. આથી એ પહેલાં પોતાના વૃદ્ધત્વને સ્વીકારવા તૈયાર હોતો નથી અને પછી ઘણી મથામણ બાદ એના એકાદ અંશને સ્વીકારવા તૈયાર થાય છે.
જે પરિવર્તનશીલ છે એને સ્થાયી માનવાની વ્યર્થ ધારણાઓ કરતા માનવીને એને કારણે જીવનમાં કેટલીય હતાશા, દોડાદોડ, આતુરતા અને નિરાશા સહન કરવાં પડે છે. જળની શોધમાં દોડતાં મૃગજળ જેવી આ માયા છે. તીવ્ર વેગે પોતાના ભૌતિક સ્વપ્નના મૃગજળ પાસે પહોંચતાં એને ખ્યાલ આવે છે કે અહીં તો ક્યાંય જળ નથી, માત્ર રણની ધગધગતી રેતી છે અને સહેજ નજર ઊંચી કરે છે ત્યારે વળી દૂર એક મૃગજળ દેખાય છે અને પુનઃ એની દોડનો પ્રારંભ થાય છે.
130
ક્ષણનો ઉત્સવ
૧૨૯
સુખ-દુઃખના છેડા પર ઘૂમનું લોલક
આપણા સુખ અને આપણા દુઃખની બાબતમાં આપણે કેટલા બધા પરતંત્ર અને મજબૂર છીએ ! સુખનો અનુભવ આપણે સ્વયં પામીએ છીએ અને છતાં એ સુખદાતા અન્ય કોઈ હોય છે, તે કેવું ? બાહ્ય કે ભૌતિક જગતમાં કોઈ લાભદાયી ઘટના બને, ઇચ્છિત વસ્તુની પ્રાપ્તિ થાય અથવા તો પ્રાપ્ત થયેલી વસ્તુમાં વૃદ્ધિ થાય એટલે આપણું અંતઃકરણ સુખ અનુભવે છે. કોઈ સાનુકૂળ પ્રસંગ બને એટલે આપણે સુખ પામીએ છીએ. હાનિ અથવા નુકસાનની કોઈ ઘટના બને એટલે આપણે દુઃખ પામીએ છીએ.
આમ સુખ આપણું અને દુઃખ પણ આપણું, પરંતુ એને આપનાર અન્ય કોઈ છે. એનો અનુભવ આપણા અંતરને થાય છે, પણ એનો સૂત્રધાર બીજો હોય છે. એ ઇચ્છે તો આપણું સુખ છીનવી લે છે અને એ ધારે તો આપણને દુઃખી-દુઃખી કરી નાખે છે. માનવીના ભાગે તો માત્ર અનુભવવાનું જ આવે છે. આ સુખ અને દુઃખ બીજા દ્વારા મળતું હોવાથી અનિશ્ચિત છે.
કઈ ક્ષણે સુખ મળશે અને કઈ ઘડીએ દુઃખ મળશે, એનો ખ્યાલ નથી. પુરાણા ઘડિયાળના લોલકની માફક સુખ-દુ:ખના બે છેડા પર એ ઝૂલ્યા કરે છે. આ લોલકને અટકાવવાનો તમે વિચાર કર્યો ખરો ? જેણે આ બંનેથી પર થવાનો વિચાર કર્યો, એ સ્વતંત્ર બની ગયા અને એમની અન્ય પરની લાચારી કે મજબૂરી ટળી ગઈ.
દુઃખ અને સુખનો અનુભવ આપણું હૃદય કરે છે અને એ દુઃખ કે સુખ અંતરમાંથી આવેલાં નથી. બાહ્ય પરિસ્થિતિ, વ્યક્તિઓ કે પ્રસંગોને કારણે હૃદય સુખનો ઉશ્કેરાટ કે દુઃખનો અવસાદ અનુભવે છે. હકીકતમાં તો સુખ અને દુઃખ એ ભીતરની વાત છે, બહારની સ્થિતિ નથી.
ક્ષણનો ઉત્સવ
131