________________
૧૫
૧૨૪ પોપટને પાંજરું જ વહાલું લાગશે વ્યક્તિને સૌથી મોટો ભય છે કારાગૃહ રચી આપનારા ગુરુઓથી. આ ગુરુ તમને એક સુવિધાયુક્ત કેદખાનું રચી આપશે, જેની આસપાસ એમની વાણી, એમના ગ્રંથો અને એમની વિચારધારાની દીવાલો ચણશે. એમનો હેતુ તો તમને એ જ સૂર્યપ્રકાશ બનાવવાનો છે, જેને તેઓ સૂર્યપ્રકાશ માને છે. એ જ રાતનો અનુભવ કરાવવો છે, જેમાં એમને અંધકાર ભાસે છે.
આ કારાગૃહમાં સળિયા નથી કે જેથી તમે બહારનું જગત જોઈ શકો. આ કારાગૃહમાં ચોતરફ એમણે રચેલી રૂઢિચુસ્તતાની દીવાલો છે, જેમાં રક્ષક બનીને તેઓ એની આસપાસ ઘૂમી રહ્યા છે. આમાંથી મુક્ત થવાનો વિચાર કરવો તે મહાપાપ કહેવાય તેમ ઠસાવી દેવામાં આવશે. થોડું મૌલિક વિચારશો, તો તમને પ્રગતિશીલ કહીને હળવી ઉપેક્ષા આપશે કે નાસ્તિક કહીને તમારા પર પ્રહાર કરશે. એમ છતાં મુક્તિ માગશો તો રૂઢિ, પરંપરા અને નર્કનો મહા ભય બતાવશે. પાંજરામાં વસતો પોપટ એનાથી એટલો ટેવાઈ જાય છે કે એ પાછો પાંજરામાં જ આવી જાય, તેમ કેદખાનાના વાસીઓને આ કારાગૃહ કોઠે પડી જશે.
મુક્ત ગગનમાં ઊડીને ભોજનની શોધ કરવાને બદલે આ કારાગૃહના ગુલામ પોપટને કારાગૃહનું તૈયાર ભોજન ભાવી જશે. અન્ય શાસ્ત્રો તરફ તમને સૂગ પેદા કરશે અને અન્ય જ્ઞાન પ્રત્યે તમારી આંખે પાટા બાંધશે. સમય જતાં આ કારાગૃહમાં જ સુરક્ષા લાગશે, તેથી બહારની મુક્ત વિચારની દુનિયાને બદલે આ ગુલામી જ સુખરૂપ લાગવા માંડશે. આવા કોઈ જાતના, રૂઢિના, સંપ્રદાયના, ગુરુના કે અમુક ખ્યાલના કારાગૃહમાં આપણે કેદ નથી ને ? તે સ્વયંને જ પૂછવું પડે !
ઈશ્વર દોષી નથી તમે અંધ છો જીવનને વ્યર્થ કે નિરર્થક માનનારી વ્યક્તિએ જીવનને ભૌતિક ચીજવસ્તુઓના કાંટે જોખ્યું છે. જીવનથી હતાશ થનારી વ્યક્તિએ ફક્ત પ્રાપ્તિને જ જીવનનો માપદંડ માન્યો હોય છે. આવું જીવન આપવા માટે હતાશ માનવી પ્રતિદિન અને પ્રતિક્ષણ પરમાત્માને દોષિત ગણે છે, પણ આ માનવી જેવો બીજો કોઈ મોટો ગુનેગાર નથી. આ માનવી ઈશ્વરે સાહજિક રીતે આપેલી મૂલ્યવાન કુદરતી ભેટને જોતો નથી. એને પરમાત્માએ કરેલા ઉપકારની કશી જાણ નથી.
પરમાત્માએ એને આંખો આપી છે, પરંતુ એ લીલીછમ હરિયાળીથી પોતાની આંખો અને મનને ભરી દેતો નથી, પરમાત્માએ એની આસપાસ પ્રકૃતિનો ભંડાર ઊભો કર્યો છે, પણ પૈસાની પાછળ દોડતો માનવી પ્રકૃતિના આનંદને સાવ ભૂલી ગયો છે. જો પરમાત્માએ લીલીછમ પ્રકૃતિ કે વૃક્ષોની ઘેઘૂર ઘટા જોવાની કિંમત રાખી હોત તો ? તો આ માનવી જરૂ૨ એ જોવાની મોંઘી ટિકિટ લઈને પણ ‘ઍન્જૉય” કરવા આવતો હોત, પક્ષીનો મધુર કલરવ સાંભળવા એણે કલદાર માંગ્યા હોત તો માનવીએ હોંશે-હોંશે ચૂકવ્યા હોત.
ઈશ્વરે માનવીને વિનામૂલ્ય આટલું બધું આપીને એની જિંદગીને બહુમૂલ્ય બનાવી છે. પંખીઓનું ગીત, ધવલ ચાંદની, હસતાં ફૂલ કે ઘેઘૂર વૃક્ષોને જોશે તો પરમાત્માના અખંડ વિસ્તારનો સાક્ષાત્ અનુભવ થશે. વિરલ ઓલાદની તમને અનુભૂતિ થશે. મંદમંદ સમીરનો અનુભવ અંતરમાં શાંતિનો સ્પર્શ જગાવશે. હસતીખીલેલી કૂંપળો જીવનના આનંદની તાજગી દર્શાવશે. ધીરેધીરે આમતેમ ડોલતાં વૃક્ષો કોઈ યોગીની મસ્તીનો અનુભવ કરાવશે. ગગનમાં ઊડતાં-ઊડતાં મનમોજે કલરવ કરતાં પંખીઓમાં ભક્તિની ભાવધારાનો અનુભવ થશે અને આસપાસ પથરાયેલી હરિયાળી કુદરત આત્માની લીલીછમ જાજમનો ખ્યાલ આપશે.
126
ક્ષણનો ઉત્સવ
ક્ષણનો ઉત્સવ
127