________________
૧૧૪
વર્તમાન એ ભવિષ્યની ખરીદી કરે છે
માનવીને મળેલા અમૂલ્ય જીવનને સાર્થક કરવા માટે એમ કહેવામાં આવે છે કે એણે પળનો પણ પ્રમાદ કરવો જોઈએ નહીં. આ પળનો પ્રમાદ કઈ રીતે થતો હશે ? એવો વિચાર મનમાં સ્વાભાવિક રીતે જ ઉદ્ભવે. હકીકતમાં જીવન એ પળનું બનેલું છે. વ્યક્તિના જીવનની માત્ર એક પળ પણ વેડફાઈ જાય તો પણ એના જીવન પર એનો પ્રભાવ પડતો હોય છે. આ પળને ઉજાળવા માટે વ્યક્તિએ પ્રત્યેક પળને જીવતાં શીખવું જોઈએ.
સામાન્ય રીતે વ્યક્તિ પોતાના ભૂતકાળની ક્ષણને લઈને વર્તમાનની ક્ષણને ઓળખતી હોય છે, પણ એની એ વર્તમાનની ક્ષણ સાથે ભૂતકાળનાં ભય, શંકા અને દ્વિધા જોડાય, તો એની વર્તમાનની ક્ષણ પણ વિફળ બને છે. જીવનની ક્ષણોને જૂની-પુરાણી વિચારસરણીથી જોવા જનાર પોતાની આજની ઘડીને રળિયામણી કરવાને બદલે વ્યર્થ બનાવી દે છે.
આ રીતે વ્યક્તિએ વર્તમાનની ક્ષણને વર્તમાનમાં જ વવાની કોશિશ કરવી જોઈએ. ભૂતકાળની ક્ષણથી વર્તમાનને જોનાર દ્વિધા અનુભવે છે, તો વર્તમાનની ક્ષણે ભવિષ્યનો વિચાર કરનાર ભયને જુએ છે. ભૂતકાળમાં સરી ગયેલી ક્ષણની ચિંતા છોડો અને આવતીકાલની ક્ષણની ચિંતા હટાવી દો. ગઈકાલની ક્ષણ પ્રમાદ લાવશે અને આવતી કાલની અનિશ્ચિતતા. ખરી જરૂર તો પ્રત્યેક ક્ષણને વર્તમાનમાં જીવવાની છે.
વર્તમાન આપણા ભવિષ્યને આકાર આપે છે અને વીતી ગયેલા ભૂતકાળને સુધારે છે. આથી ‘આજ’ એ હકીકત છે. ‘ગઈકાલ’ એ વીતી ગયેલું સ્વપ્ન છે અને આવતીકાલ તે આવનારી પરિસ્થિતિની કલ્પના છે. વીતેલાનો શોક નહીં, આવનારની ફિકર નહીં; વર્તમાન પાસે છે આજનું કર્મ, નક્કર હકીકત અને યથાર્થ દર્શન.
116
ક્ષણનો ઉત્સવ
૧૧૫
આત્મા અને ઇંદ્રિયો વચ્ચેનો ઉંબરો છે મન
યુવકનું અકાળે અવસાન થતાં એક વ્યક્તિએ દુઃખના બોજ સાથે નાની વયે થયેલા અવસાન અંગે આંખમાં આંસુ સાથે શોક પ્રગટ કર્યો. બીજી વ્યક્તિએ કહ્યું કે નાની વયમાં વ્યસનમાં સપડાયેલા એને માટે આ જ ભાવિ નિર્મિત હતું. આમ કહેનારી વ્યક્તિના ચહેરા પર દુઃખ કે શોકનું નામનિશાન નહોતું.
એક વ્યક્તિ પ્રત્યેક બાબતને લાગણીના આવેગ સાથે જુએ છે, તો બીજી વ્યક્તિ દરેક બાબતની વિશ્લેષક બનીને ચિકિત્સા કરે છે. મનનાં આ બે પ્રકારનાં વલણ છે. એકમાં લાગણી પ્રધાન છે, તો બીજામાં બુદ્ધિ. એકમાં નકરી ભાવના, તો બીજામાં માત્ર તર્ક. મનના આવા ખંડદર્શનને કારણે વ્યક્તિ એક વાતનો સ્વીકાર કરે છે અને બીજાનો અસ્વીકાર કરે છે.
મનને પૂર્ણરૂપે ખીલવવા માટે અખંડ મનની ઓળખ જરૂરી છે, એને માટે પૂર્ણદર્શન હોવું જોઈએ. માત્ર ભાવુકતા કે ફક્ત તાર્કિકતાથી વિચારનારનું ચિત્ત સમય જતાં જડ બની જાય છે. એનું એકપક્ષી મનોવલણ દરેક બાબતને પોતાની ફાવતી રીતે જુએ છે. મનની વંતતાને માટે આવી પક્ષપાતી જડતા છોડવી જરૂરી બને છે.
મનને ઢળવું બહુ પસંદ છે. ઇંદ્રિયો જે માર્ગે વાળે તે માર્ગે વળવાનું મનને ખૂબ ગમે છે. મનમાં જ્યારે પ્રપંચ, પૂર્વગ્રહ કે કુટિલતા જાગે છે ત્યારે એ મનમાંથી ૫રમાત્મા વિદાય લે છે. જે મનમાં પ્રપંચ મડાગાંઠ કે કુટિલતા હોતી નથી ત્યાં સામે ચાલીને પરમાત્મા આસન જમાવે છે. મનનું ખંડદર્શન હંમેશાં પૂર્વગ્રહ રસિત હોય છે. એ માત્ર એક બાજુ જુએ છે. બીજી આંખ બંધ કરીને માત્ર એક જ આંખે જુએ છે. સમગ્રને જોવાને બદલે ખંડદર્શન કરે છે. આથી જ સાચો સાક્ષીભાવ કેળવીને અને અનાસક્ત રહીને જ અખંડ મનને પામી શકાય.
ક્ષણનો ઉત્સવ
117