________________
૧૦૦
વાચાળ જીભને બદલે શ્રવણસુખી કાન આપો
માણસ સામે ચાલીને પોતાની જાતને અળખામણી કે અણગમતી બનાવતો હોય છે. એ એટલો બધો અળખામણો બની જાય છે કે લોકો એનો ‘પીછો’ છોડાવવા માટે પ્રયત્ન કરતા હોય છે. એને ટાળવા માટે બહાનાં ઊભાં કરે છે અને એને જોતાં જ એક પ્રકારની ‘ઍલર્જી’ અનુભવે છે.
આનું કારણ એ કે એ વ્યક્તિ બીજાની સાથે વાર્તાલાપ કરતી વખતે માત્ર પોતાની જાતને જોતો હોય છે. એ બીજાને મળે છે, ત્યારે એનો હેતુ શ્રોતા બનવાને બદલે વક્તા બનવાનો હોય છે. સામેની વ્યક્તિ સાંભળે કે ન સાંભળે, તોપણ એ પોતાની કથા કહેતો રહે છે, બડાશ હાંકતો જાય છે અને અહંકારને પંપાળે છે. એ પોતાની જાતનું જ મહત્ત્વ કરતો રહે છે અને સામી વ્યક્તિને સ્થિતિસ્થાપક કે ફક્ત મૂક દર્શક માને છે.
વાતચીત કરતી વખતે જો સામેની વ્યક્તિને સમાદર આપવામાં નહીં આવે, તો એ વ્યક્તિને તમારો અહંકાર ખૂંચવા લાગશે. આને પરિણામે એ ઉપેક્ષા સેવતી બની જશે. સામેની વ્યક્તિને સન્માનપૂર્વક સાંભળવાની જે તૈયારી રાખે છે, એ જ એના સન્માનને પાત્ર બની શકે છે.
સામી વ્યક્તિને જીભ આપવાને બદલે કાન આપવા જોઈએ. શ્રવણ એ પણ એક કલા છે અને જેમને શ્રવણની કલા મળે છે તે સામી વ્યક્તિનો સ્નેહ પામી શકે છે. પોતાની જ વાત ‘હાંકે રાખનારની વાતમાં બીજાને રસ પડતો નથી. થોડી વાર સાંભળ્યા પછી બેધ્યાન બની જાય છે. શરમે કે વ્યવહારથી એને સાંભળે તોપણ બહેરો બની જાય છે. સામેની વ્યક્તિનો સ્નેહ મેળવવા માટે એના હૃદયની વાત જાણવી જરૂરી છે. એ વાત સાંભળીને તમે એના વિચાર, વર્તન અને વ્યક્તિત્વ સઘળાંનો તાગ પામી શકશો.
ક્ષણનો ઉત્સવ
102
૧૦૧
અપેક્ષા એ અન્યના સ્વાતંત્ર્ય પર તરાપ છે !
▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬
ઇચ્છા અને અપેક્ષાઓના યુદ્ધમાં વ્યક્તિ ખુવાર થઈ જાય છે. એ સતત પોતાના સ્વજનો પાસે અમુક અપેક્ષાઓ રાખે છે. પુત્ર, પત્ની, મિત્ર કે સહયોગી પર એણે પોતાની અપાર અપેક્ષાઓ ટેકવી હોય છે અને તેઓએ એ મુજબ જ વર્તન કરવું જોઈએ તેમ માને છે.
પત્ની અપેક્ષા મુજબ વર્તન કરે નહીં તો પતિને દુઃખ થાય છે. મિષ્ટાન્ન ખાવાની પતિની ઇચ્છા સંતૃપ્ત ન થાય તો એની અપેક્ષાઓ ઘવાતાં ભારે દુઃખ પહોંચે છે. દરેક પિતા તેજસ્વી અને પ્રભાવશાળી પુત્ર હોય એમ ઇચ્છે છે, પરંતુ સાથોસાથ એ પરમ આજ્ઞાંકિત હોય તેવી અપેક્ષા રાખે છે.
પ્રતિભાશાળી અને આજ્ઞાંકિત વચ્ચે વિરોધ પણ જાગે છે, કારણ કે જે પ્રતિભાશાળી હોય છે, એ નિશ્ચિત ચોકઠામાં રહી શકતો નથી. લાદેલાં બંધનો કે દોરેલી લક્ષ્મણરેખામાં કાર્ય કરવું એને માટે મુશ્કેલ હોય છે. એટલે એક બાજુ પુત્ર નવાંનવાં શિખરો સર કરે એવી અપેક્ષા રાખે છે અને બીજી બાજુ એ પુત્ર આપણી સાથે આપણને ગમતું જ વર્તન કરે એમ ઇચ્છીએ છીએ. અપેક્ષા એ અન્યના સ્વાતંત્ર્ય પર સૂક્ષ્મ રીતે લગાવાતી તરાપ છે.
માગણી એ અપેક્ષાની જીવાદોરી છે. માગણીની લાગણી સંતોષાય તો અપેક્ષાને સાતા વળે છે. પણ જો માગણીની લાગણી સંતોષાય નહીં તો અપેક્ષા બૂમરેંગ થાય છે અને આઘાત અનુભવેલું હૃદય પ્રત્યાઘાતોથી શીર્ણ-વિશીર્ણ થઈ જાય છે. અપેક્ષાને મનમાં રાખવી જોઈએ, પરંતુ એને હૃદયના સિંહાસન પર બેસાડવી જોઈએ નહીં. મનમાં રહેલી અપેક્ષાનું વિસ્મરણ થઈ શકે, પરંતુ હૃદયના સિંહાસને બેઠેલી અપેક્ષા તો સતત સ્મરણથી નિરાશા, કટુતા અને નિઃસાસાને જ નિમંત્રે છે.
ક્ષણનો ઉત્સવ
103