________________
મૂંઝાયા વિના કે ભય વિના મુકાબલો કરવાનો છે.
શા માટે રઝિયા જાન પોતાની હથેળીમાં જાન લઈને ખેલી રહી છે? એનું કારણ એ છે કે એને પોતાની આસપાસની નિરક્ષર માસૂમ બાળાઓ, અનપઢ યુવતીઓ અને ‘કાળા અક્ષર ભેંસ બરાબર’ હોય તેવી વૃદ્ધાઓની ચિંતા સતાવે છે. એમનું અજ્ઞાન રઝિયાને પીડા આપે છે. એમની નિરક્ષરતા એના દિલને સતત વીંધી નાખે છે.
એણે જોયું તો માસૂમ છોકરીને શાળાએ જવાના રસ્તા પર હંમેશાં ભયના ઓથાર હેઠળ ચાલવું પડે છે. એ છોકરીએ આખા શરીરને ઢાંકી રાખવાનું, મસ્તકને નીચું રાખવાનું અને એને ભયભરેલા અવાજે જલદીથી ચાલી જવાનું કહેવામાં આવે છે. કારણ એટલું જ કે અફઘાનિસ્તાનમાં સૌથી મોટા સશસ્ત્ર હુમલાઓ મહિલાઓને શિક્ષણ આપતી શાળાઓ પર થાય છે.
આ શાળાઓ પર હિંસક હુમલા થતાં કેટલીક બાળાઓને વિકલાંગ બનીને બાકીની જિંદગી બસર કરવી પડે છે. નિશાળની રિસેસમાં પાણી પીતી વખતે પણ મનમાં ભય હોય છે કે કોઈએ પાણીમાં ઝેર તો ભેળવી દીધું નથી ને ! ખુદ રઝિયા જાનની શાળાની નજીક જ બીજી શાળા પર એક એવો ભયાનક હિંસક હુમલો થયો કે જેમાં એકસો જેટલાં બાળકો માર્યાં ગયાં.
તાલિબાનોના કાનૂન પ્રમાણે મહિલાઓ માટે શાળાએ જવાની મનાઈ છે અને તેથી એ કાયદાનો ભંગ કરનારને એની મોતના કાસદ જેવી વાસ્તવિકતાનો સામનો કરવા હરઘડી તૈયાર રહેવું પડે છે. એ વાસ્તવિકતા એટલે ખૂન કે મોત. ત્રીજો કોઈ વિકલ્પ નહીં.
આવા આક્રમક, ઝનૂની હુમલાઓથી રક્ષણ મેળવવા માટે શાળાની આજુબાજુ પથ્થરની ઊંચી ઊંચી દીવાલો ચણવામાં આવે છે ! શાળાનું રક્ષણ કરે એવા રક્ષકો અને ચોકીદારોને ખડે પગે હાજર રાખવા પડે છે. શાળાના પ્રારંભ પૂર્વે એનાં આચાર્યા અને ચોકીદાર પ્રતિદિન પીવાના પાણીની ચકાસણી કરે છે. ચોકીદાર કૂવામાંથી પાણી કાઢે છે અને આચાર્યાની સાથે એ ચાખે છે અને પછી જ એ પાણી લાવીને વર્ગના કૂલરમાં ભરાય છે. શાળાની માસૂમ બાળાઓ જ્યારે બાથરૂમમાં જાય, ત્યારે સીધેસીધું નળમાંથી પાણી ન પીએ, તે માટે શિક્ષિકાઓ તેની સાથે જાય છે.
લોહીના લાલ રંગ વચ્ચે • 51