________________
પડે. આ સિવાય એમનો બીજો કોઈ આરો કે ઓવારો નહોતો.
પુષ્પાએ નેપાળના જેલવિભાગમાં તપાસ કરી, તો ખ્યાલ આવ્યો કે નેપાળનાં જુદાં જુદાં સ્થળોની જેલોમાં એંસી જેટલાં નિર્દોષ બાળકો કારાવાસ ભોગવે છે, એને પેલો ભીતરનો અવાજ પજવતો હતો, એનું ભીતર કહેતું હતું કે ગમે તે થાય, તોપણ તું એવો પ્રયત્ન કર કે એકે નિર્દોષ બાળકને એનું મુગ્ધ, મોજીલું અને રમતિયાળ બાળપણ જેલના સળિયાની પાછળ વિતાવવું પડે નહીં.
એણે વિચાર્યું કે મારે આ અભાવગ્રસ્ત બાળકોની જિંદગી સુધારવા માટે કશુંક કરવું જોઈએ. જો આ કાર્ય ન કરે, તો એની સોશ્યલ વર્કની કેળવણીને યોગ્ય ન્યાય નહીં આપી શકે અને એક સંવેદનશીલ વ્યક્તિ તરીકે સમાજનો દ્રોહ કર્યો ગણાય.
કોઈ પણ ભોગે આ બાળકોને જેલની બહાર લાવવાં છે. વળી આ બાળકો બહારની દુનિયાથી તદ્દન અજ્ઞાત હતાં. એમને ખ્યાલ પણ નહોતો કે બહાર એક એવી દુનિયા છે કે જ્યાં તમે મુક્ત રીતે હરીફરી શકો છો, જ્યાં તમે દોસ્તો સાથે બગીચામાં લટાર મારી શકો છો, જ્યાં તમે નિશાળમાં જઈને ગોઠિયાઓ સાથે અભ્યાસ કરી શકો છો.
પુષ્પા બાઝનેટે જેલવાસી બાળકોની મનઃસૃષ્ટિનો અભ્યાસ કર્યો. પુષ્પા બાઝનેટ જેમ જેમ આ બાળકોની માનસમૃષ્ટિનો અભ્યાસ કરતી ગઈ, તેમ તેમ એના હૃદયમાં વધુ ને વધુ પીડા જાગવા લાગી. એણે નક્કી કર્યું કે આ બાળકોને જેલની તોતિંગ દીવાલોમાંથી અને કારાવાસની બંધિયાર ખોલીમાંથી હું જરૂર મુક્ત કરીશ.
પુષ્પાનો વિચાર ઉમદા, આવશ્યક અને ઊંચેરો હતો, પણ એને સાકાર કરવામાં સામે પારાવાર મુશ્કેલીઓ હતી. જેલમાં જઈને એ આ બાળકોની માતાઓને મળી અને એમને સમજાવ્યું કે તમે તમારાં બાળકોને મારી સાથે બહાર મોકલો. હું એમને ઉછેરીશ. હું એમનું સંપૂર્ણ ધ્યાન રાખીશ. ગુનાની અંધારી આલમમાં જીવતી આ સ્ત્રીઓના મનમાં દહેશત જાગી કે યુવતી આ એનાં લાચાર, નિઃસહાય બાળકોને જેલમાંથી બહાર લઈ જઈને કોઈ અંધારી દુનિયામાં તો ધકેલી નહીં દે ને!
પુષ્કાનાં ‘બટરફ્લાય’ • 43