________________
વીરઘટ્ટમ ગામમાં રામમૂર્તિના બળનો ડંકો વાગી ગયો. એક વખત ગામની ગટરના ઉઘાડા ખાળિયામાં એક મોટી-જાડી ભેંસ ભરાઈ ગઈ. વીસ-ત્રીસ માણસો એકઠા થઈને મહેનત કરવા લાગ્યા. પણ નીકળે જ નહીં. રામમૂર્તિને એમના ભાણેજે આની ખબર આપી. રામમૂર્તિ ત્યાં આવ્યા, એમણે લોકોને દૂર ખસેડ્યા અને નીચા વળીને ભેંસનાં બે શિંગડાં પકડવાં, એક આંચકાથી ભેંસને ઉઠાવીને એવી તો ખેંચી કાઢી કે બે-ત્રણ ગોમડાં ખાતી ભેંસ દૂર જઈને પડી. રામમૂર્તિ તો જાણે કંઈ જ બન્યું ન હોય એમ પોતાને રસ્તે ચાલતા થયા !
આ સમયે બળવાન રામમૂર્તિના મનમાં ભારે મનોમંથન ચાલતું હતું. એ સમયના વિચારોને આલેખતાં તેઓએ કહ્યું છે, “હવે જ મારા જીવનની ખરેખરી શરૂઆત હતી. ભીષણ પ્રયત્નોથી મેં અપ્રતિમ બળ મેળવ્યું હતું. ઘણા મને પૂછતા કે આ અમાનુષી શક્તિનો ઉપયોગ શો ? ત્યારે હું હતાશ થઈ જતો. આમ છતાં મને એવો દૃઢ વિશ્વાસ હતો કે મારું ભાવિ કંઈક અપૂર્વ છે. નિયતિ મારી વિશેષ ગતિ કરશે જ.”
શરીર અને મનના વિકાસ માટે રામમૂર્તિની રખડપટ્ટી ચાલુ જ હતી. હિમાલયમાં ઘૂમી વળ્યા. સમાધિનો અભ્યાસ કર્યો. તેઓએ બીજી સિદ્ધિ તો ન મેળવી પણ એકાગ્રતાનું જબરું બળ જમાવી શક્યા. સંકલ્પશક્તિને સહારે પોતાના શરીરના કોઈ એક સ્થાનમાં - એક જ સ્નાયુમાં - પળવારમાં મહાભારત બળનો સંચાર કરી શકતા. આથી એ સ્નાયુ અપરાજેય બની જતો. આ જ એમની વજસમી ગણાતી શરીરશક્તિનું રહસ્ય હતું.
શરીરશાસ્ત્રીઓ કહે છે કે માનવીનાં હાડકાં ગમે તેટલાં મજબૂત હોય તેમ છતાં જો એના પર એક હજાર રતલનું વજન આવે તો તે ચૂરેચૂરા થઈ જાય. જ્યારે રામમૂર્તિ તો દિવસમાં એક વાર અને ક્યારેક તો બે વાર છ હજાર રતલનો હાથી પોતાના શરીર પર ઊભો રાખતા હતા. તેઓ વારંવાર કહેતા કે એકાગ્રતા અને અજેય મનોબળ એ મારા વિજયની ચાવી છે.
ઈ. સ. ૧૯૦પના મે મહિનામાં આખા યુરોપમાં પોતાના શરીરબળથી ડંકો વગાડનારો મલ્લ યુજિન સેન્ડો ચેન્નઇમાં ખેલ કરવા ખાવ્યો. આ સેન્ડોની નામના આખી દુનિયામાં ફેલાયેલી હતી અને એની કીર્તિ એટલી હતી કે આજે પણ કોઈ જબરો બળવાન પાકે તો એને ‘સેન્ડો'નું ઉપનામ અપાય છે.
100 • જીવી જાણનારા