________________
ઉત્તર ભારતનાં આ સ્વાધીનતાપ્રેમી રાષ્ટ્રો પોતાના સ્વાતંત્ર્યપ્રેમ માટે જાણીતાં હતાં. એ રાષ્ટ્રોનાં પ્રત્યેક નગર અને પ્રત્યેક ગામ પોતાનો પ્રબંધ પોતે કરતાં, એટલે બધાં પ્રજાતંત્ર જેવાં જ હતાં, છતાં અગિયાર પ્રજાતંત્રીય રાજ્ય નીચે મુજબ જાણીતા હતાં.
૧. શાક્યોનું પ્રજાતંત્ર રાજ્ય : રાજધાની કપિલવસ્તુ ૨. ભગ્નનું પ્રજાતંત્ર રાજ્ય : રાજધાની સુંસુમાર ૩. બુલીનું પ્રજાતંત્ર રાજ્ય : રાજધાની અલ્લ કમ્પ ૪. કાલામનું પ્રજાતંત્ર રાજ્ય : રાજધાની કેસપુરા ૫. કોલિયનું પ્રજાતંત્ર રાજ્ય : રાજધાની રામગ્રામ ૬. મલ્લોનું પ્રજાતંત્ર રાજ્ય : રાજધાની કુશિનારા ૭. મલ્લોનું પ્રજાતંત્ર રાજ્ય : રાજધાની પાવા ૮. મલ્લોનું પ્રજાતંત્ર રાજ્ય : રાજધાની કાશી ૯. મૌર્યોનું-મોરિયનું પ્રજાતંત્ર રાજ્ય : પીપલીવન ૧૦. વિદેહોનું પ્રજાતંત્ર રાજ્ય : રાજધાની મિથિલા ૧૧. લિચ્છવીનું પ્રજાતંત્ર રાજ્ય : રાજધાની વૈશાલી
આ બધાંમાં શાક્ય, વૈશાલી અને લિચ્છવીનાં પ્રજાતંત્ર પ્રખ્યાત હતાં. વિદેહ અને લિચ્છવી એકમેકમાં ભળી ગયાં હતાં ને તેઓ વૃજિ તરીકે ઓળખાતાં હતાં. સ્વાધીન વિચાર, સંઘશક્તિ ને એકતા આ તંત્રોની મુખ્યતા હતી. આગળ જતાં બધાં પ્રજાતંત્રોનો નાશ કરી ચક્રવર્તી થનાર સમ્રાટ ચંદ્રગુપ્ત પણ મોરિય ગણતંત્રમાં થયો.
શાક્ય અને વ૪િ પ્રજાતંત્રે એ સમયે સહુનું લક્ષ કેન્દ્રિત કર્યું હતું. અને શાક્ય દેશમાં જન્મ લેનાર ભગવાન બુદ્ધ અને વૃજિ પ્રજાતંત્રમાં જન્મ લેનાર ભગવાન મહાવીરે આ બે તંત્રોને ખૂબ પ્રસિદ્ધિ અપાવી હતી. એમાં પણ વૈશાલી એ કની ચર્યાભૂમિ અને બીજાની કર્મભૂમિ થતાં વૈશાલી એ વખતના સંસારમાં શિરમોર સમું બની રહ્યું હતું.
વૈશાલી વૃક્તિઓનાં પ્રજાતંત્રની રાજધાની હતું, અને આઠ ભિન્ન ભિન્ન બળવાન ગણ જાતિઓના મિલનથી સંયુક્ત ગણરાજ્ય બન્યું હતું. વિદેહમાં રામાયણ અને ઉપનિષદમાં પ્રસિદ્ધ જનક રાજાનો પુરાણો વંશ એક વખત રાજ કરતો હતો. કથાપ્રસંગે એ ખતમ થઈ પંચાયતી રાજ્ય બની ગયું હતું. ભગવાન મહાવીરની માતા વૈદેહી કહેવાતાં હતાં. - લિચ્છવી લોકોની રાજ પ્રણાલી એવી હતી કે જેઓ રાજ્યમાંથી ત્રણ પુરુષોને પસંદ કરતાં. ને રાજ્યની લગામ તેમને સોંપી દેતા. લિચ્છવીઓની એક મહાસભા હતી - જે સંથાગારમાં મળતી, જેમાં જુવાનો ને વૃદ્ધ ભેગા થતા, ને એકમતીથી રાજ કારોબાર ચલાવતા, આ મહાસભામાં પ્રત્યેક કુળના વડીલ યા પ્રતિનિધિ સભ્યને ચૂંટવામાં આવતો.
એ ‘રાજા' કહેવાતો. આવા રાજાઓની સંખ્યા ૭૭૦૭ની હતી. તેઓનો મંગલ પુષ્કરણીઓમાં મૂર્ધાભિષેક થતો. આ સભ્યને પારિવારિક જીવનમાં વિશુદ્ધિ ને આદર્શ અંગેના કઠોર નિયમો સ્વીકારવા પડતા. આ રાજાઓ મહાસભામાં એકત્ર થઈ કાયદા રચતા, તેમ જ વેપાર અને તેના વિશે વિચાર કરતા. આ સભામાં રાજસંબંધી તમામ બાબતો પર વિચાર અને વાદવિવાદ થતા.
આ મહાસભા પોતાના સભ્યોમાંથી નવ સભ્યો ચૂંટતી. આ સભ્યો “ગણરાજ’ કહેવાતા, ને તેઓ તમામ કાર્ય પર દેખરેખ રાખતાં. આ પ્રજાતંત્રોમાં રાજ્યની તમામ વ્યક્તિઓ શાસનકાર્યમાં ભાગ લેતી, બધી પ્રજાના અધિકાર સમાન લેખાવામાં આવતા. તમામ પ્રજાજનો પૂરતી રીતે પોતે ઘડેલા નિયમો પાળતા. આ લોકો સ્વીકારતા કે ગણશાસનનું મૂળ શમ છે. શાંતિ છે. અને માત્ર સૈનિકોના પરાક્રમથી ગણશાસનનો આદર્શ સિદ્ધ થતો નથી. વળી તેઓ એ પણ સ્વીકારતા કે ગણશાસનમાં સદાકાળ એક વ્યક્તિ સર્વોપરી ન હોઈ શકે; ક્યારે કોઈ સર્વોપરી તો ક્યારે કોઈ ! વર્ણ, જાતિ, જન્મ કે કુલની બાબતમાં સર્વ સમાન, ભગવાન મહાવીર અને ભગવાન બુદ્ધનાં અહિંસા સત્ય વગેરે પંચશીલ માટે આ ભૂમિ બહુ અનુકૂલ હતી.
પ્રજાતંત્રના લોકો અહિંસા પર શ્રદ્ધા રાખતા; સાથે પોતાની વીરતા માટે અભિમાન રાખતા ને હારવાને બદલે મરવાનું વધુ પસંદ કરતા.
એ વખતે સમસ્ત ઉત્તર ભારત પ્રજાતંત્રોથી ગુંથાયેલું હતું. જેણે પ્રજાતંત્રનો હ્રાસ કર્યો એ કૌટિલ્ય, પોતે લખે છે કે પૂર્વમાં વન્જિ, લિચ્છવી ને મલ્લ રાજ્ય, મધ્યમાં કુરુ, અને પાંચાલ, ઉત્તર-પશ્ચિમમાં મદ્ર અને દક્ષિણ-પશ્ચિમમાં કુકુર ગણરાજ્યો હતાં.
કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં લખ્યું છે કે સેનાઇલ તથા મિત્રબલ કરતાં સંઘબલ અથવા ગણરાજ્યની સહાયતા અધિક શ્રેયસ્કર છે.
પ્રજાતંત્રો અને એની બલવાન પ્રજા કોઈ રીતે વશ થાય તેમ નહોતાં. તેઓનો નાશ કૂટનીતિ દ્વારા કરવામાં આવ્યો. આ પ્રજાતંત્રો કોઈ રીતે તૂટે તેમ ન હોવાનો અનુભવ થવાથી અજાતશત્રુએ પ્રતિજ્ઞા કરી કે હું આ લોકોને અનીતિમાર્ગમાં ફસાવી દઈશ. તેઓમાં કુસંપ કરાવીશ, ગુપ્તચરો દ્વારા એમનામાં ભેદ પેદા કરીશ ને એમને લાંચ લેતા કરીશ. પછી જોઉં છું કે તેઓ કેમ વશ થતાં નથી !
પ્રજાતંત્ર રાજ્યોની મૂળ તાકાત એની એકતામાં હતી. આપસમાં કુસંપ હોવાથી એ શક્તિ નષ્ટ થઈ. ગુપ્તચરો ને ગણિકાઓ ને વેશ્યાઓએ આમાં ખૂબ સાથ આપ્યો. વિલાસે એની જડ ઢીલી કરી નાખી.
વૈશાલી નગરી ઇતિહાસરચનાકાલ પહેલાંની નગરી હતી. વાલ્મીકિ રામાયણમાં રામ મિથિલા જાય છે ત્યારે ગંગા પાર કરતાં ઉત્તરમાં રમ્ય, દિવ્ય ને સ્વર્ગોપમ દિવ્ય નગરીનાં દર્શન કરે છે. મહર્ષિ વિશ્વામિત્ર એ નગરીના રાજવંશોનો પરિચય કરાવતાં કહે છે કે દીર્ધાયુ, મહાત્મા, બલશાલી ને નીતિમાન રાજાઓથી શાસિત આ નગરી છે.