________________
માટે એમની છોકરી મગધપતિએ પરણવી.'
વાહ વાહ ! કેવી સુંદર વાત ! એક તો નવું રૂપ અંતઃપુરમાં આવે અને વળી લોકો વાહવાહ કરે !
એ વખતે સુનંદા અને અભય પાટનગરમાં આવી ગયાં હતાં. મેં નવી નગરી રાજગૃહી વસાવી હતી; ગિરિત્રજ જૂનું લાગતું હતું. રાજગૃહી તો એક નમૂનારૂપ નગરી બની. વિલાસ-વૈભવની ત્યાં છોળો ઊડી રહી.
રાજકુમારીઓ પણ નવરી બેઠી વરની શોધમાં જ ફરતી હોય છે. વૈશાલીના ગણનાયક ચેટકની બે પુત્રીઓ સુજ્યેષ્ઠા ને ચેલા કુંવારી હતી. મહામંત્રી અભયને આ કામ સોંપ્યું. એણે એકના બદલે બેયને તૈયાર કરી.
બિનઅનુભવી છોકરીઓને પહેલાં ચિત્ર અને ભેટોથી ભોળવવી અને પછી ઉપાડી જવી, લગ્ન કરવાં અને પછી સદા જલતી રહેવા માટે પતિવ્રતાધર્મના પાઠ ભણાવવા એ ક્ષત્રિયોનું કાર્ય બન્યું હતું.
એક દહાડો મેં વૈશાલીની બજારમાં રથ દોર્યો, સુરંગ વાટે બંને કુંવરીઓને દોરી, પણ એક પાછળ રહી ગઈ ને એકને લઈને મારે ભાગવું પડ્યું !
આમાં મેં કેટલાય નરવીરોનો ભોગ આવ્યો. નાગરથિકની પત્ની સુલસાના બત્રીસ પુત્રો એમાં હણાયા. પણ બધા મને પોરસ ચઢાવતા હતા, ‘શાબાશ રાજવી! ભારે પરાક્રમ કર્યું.'
ચેલા રાણી આવી અને સુનંદા ભુલાઈ ગઈ; સુનંદા સાધ્વી બની ગઈ. અભય પણ રાજકુળોનાં આ પાપથી છૂટવા સાધુ બન્યો.
મારા મનમાં કુશંકા જાગી. ‘અરે ! આટલી સ્ત્રીઓથી મા૨ો કામ સંતુષ્ટ થતો નથી તો આ નવજુવાન કામિનીઓનો કામ મારા જેવા ઘરડાથી કેમ સંતુષ્ટ થતો હશે ?' આ ભ્રમણામાં રાણી ચેલા પર જ હું વહેમાયો. અને એ સતીને મેં એકદંડિયા મહેલમાં પૂરી - જીવતાં મરવા !
એક દહાડો મેં સતી રાણી ચેલાને એના સાચા સ્વરૂપમાં ઓળખી અને સન્માની. એ તો ગમે તે સ્થિતિમાં રાજી હતી; પણ એના પુત્ર અશોકને લાગ્યું કે રાજકારણની આ કોઈ રમત જ લાગે છે. મારી માને કલંકિની ઠરાવી મને ગાદીવારસ તરીકે ભ્રષ્ટ કરવાનો પેંતરો રચાયો છે.
અભયકુમાર ગાદીવારસ હતો, પણ એની માતા વૈશ્યપુત્રી હતી. રાજસિંહાસન તો ક્ષત્રિયાણીના સંતાનને જ વરે. ક્ષત્રિયાણીનું સંતાન અશોક. ૨૪વાડામાં કોઈ કોઈનું હોતું નથી. બધાં જ તકસાધુ. અશોકે માન્યું કે અભયકુમારે આ કાવતરું કર્યું છે અને મારી માને કલંકિત બનાવી છે.
74 D શત્રુ કે અજાતશત્રુ
ઓહ ! જીવનની આ વિષમતાઓમાં બહારથી સુખી પણ અંતરથી દુ:ખી અવસ્થામાં - ભગવાન બુદ્ધ મારે આંગણે આવ્યા. એમણે યજ્ઞ-હિંસાને નિરર્થક કહી. યજ્ઞ કરો તો પશુના બદલે આત્માનાં પશુ કામ, ક્રોધ, મોહ, લોભને હણો એમ કહ્યું. મને દુ:ખીને એમની આ વાત ઠીક લાગી.
દીવે દીવો પેટાય. અંતરમાં દીવો પેટાયો હતો એને વધુ વેગ ભગવાન મહાવીરથી મળ્યો. હું તપ કરવા લાગ્યો, વ્રત રાખવા લાગ્યો. ધર્મોપદેશ સાંભળવા લાગ્યો.
રાજતંત્રનાં દૂષણો મારી નજર સામે સાક્ષાત્ થવા લાગ્યાં. રાજા થઈને પ્રજાનું ભલું કરવાનું કર્તવ્ય ક્યાં કર્યું ? પ્રજા રાજા માટે કે રાજા પ્રજા માટે? આ બધો વિચાર કરતાં મને વૈશાલીનું ગણતંત્ર ગમ્યું. હું વૈશાલી તરફ આકર્ષાયો. એનાં સારાં તત્ત્વો અહીં લાવવા મથવા લાગ્યો. પણ મારું સારાપણું જ મારા અનિષ્ટનું કારણ બન્યું. ચોર સાધુ થાય તો લોક એને છદ્મવેશી સમજી ગૂડી નાખે.
એવામાં એક આઠ-નવ વર્ષની સુંદર છોકરી મેં જોઈ. રાજાઓના પાપની કાલિમા ક્યાં જઈને અટકી જતી હતી, તે શું કહું ? રાજવૈદ્યોએ એક ભ્રમણા ઊભી કરી હતી કે કિશોર કન્યાઓ સાથે પાણિગ્રહણ કરવાથી રાજાઓનું યૌવન ટકી રહે છે ને આયુષ્ય વધે છે.
મારા પિતા જેમ ભીલકન્યા તિલકા પાછળ ગાંડા બન્યા હતા, એમ હું આ ગોપકન્યા દુર્ગંધા પાછળ ઘેલો બન્યો.
તિલકા પિતાના કરુણ મોતનું નિમિત્ત બની, દુર્ગંધા મારી કેદનું નિમિત્ત બની. રાજાઓ સંસારમાં બધાને જીતી શક્યા, પણ મદનને કદી જીતી ન શક્યા!
દુર્ગંધાને રાજમહેલમાં આણવાનો કાર્યબોજ પુત્ર અભયકુમારને માથે મેં મૂક્યો હતો. અભય રાજકાજમાં પડ્યો હતો, પણ એ વૈરાગ્યસાગરનું કમળ હતો. એણે મારી કામના પૂરી કરી, પણ રાજકાજથી એને તિરસ્કાર આવી ગયો અને મને રાજી કરીને એ સાધુ થઈ ગયો. જુવાન દીકરો સાધુ થયો ને બૂઢો બાપ એક કિશોર કન્યા સાથે રમવા અંતઃપુરમાં ગયો ! કોઈ વિચાર વહિ, કોઈ આચાર નહિ. કોઈ શરમ નહિ. કોઈ લાજ નહિ ! અભય પછી વસ્તકાર મહામંત્રી થયો. મને એ ગમતો નહોતો. પણ મારાં કૃત્યોની સજા માટે જાણે કુદરતે જ અને તૈયાર કર્યો હતો.
બીજી તરફ સાધુ દેવદત્ત રાજગૃહીમાં આવ્યો. એ બહારથી બુદ્ધનો અનુયાયી કહેવાતો, પણ અંદરથી બુદ્ધનો દ્વેષી હતો. એને શ્રમણમાત્ર સામે દ્વેષ હતો. આ બધા મળ્યા અને તપેલા લોઢા સાથે બીજું તપ્ત લોહ જલદી મળી ગયું.
અશોક મારા પર તાક રાખીને બેઠો હતો; બૂઢા બાપની બુદ્ધિને ઠેકાણે લાવવા એક ડાળનાં અમે પંખી D 75