________________
થયું ખરું ?' અશોક વાતનો તંતુ સાધતો નાના બાળકની જેમ પ્રશ્ન કરી રહ્યો. અશોક ખરેખર હૃદયથી મહાન હતો. પણ રાજકારણની જળો એની મહત્તા શોષી ગઈ હતી.
‘ઔષધ લીધું, પણ કારી ન ફાવી. મારું શરીર બગડવા માંડ્યું. મેં વિચાર કર્યો કે એક રાણી માટે સૌંદર્ય અનિવાર્ય છે, એટલે બીજો નિર્ણય કર્યો. એક દાસીને એ માટે તૈયાર કરી રાખી. એને કહી દીધું કે માતાનું દિલ છે. હું કદાચ આનાકાની કરું, પણ તું તો એ બાળકને જન્મતાં જ ઉપાડી જજે. લઈ જઈને કોઈ ઉકરડાના એકાંત ખૂણે મૂકી દેજે ! જીવવાનો હશે તો કોઈ લઈ જનાર નીકળશે, નહિ તો જે થાય તે ખરું !'
‘મા ! કેવો ભયંકર તારો ત્યાગ ! કોઈ માતા આવો ભોગ આપી ન શકે. મા, તમને નમન છે.’ રાજા અશોક પર આ વાતની જુદી અસર થઈ રહી હતી.
‘વત્સ ! તને રોષ ચઢવાને બદલે મારા પર ભાવ જન્મે છે ? હું પાપિણી ચેલા!' ચેલારાણી બોલી.
‘મારી મહાન માતાને ગાળ ન દે મા !' અશોકે કહ્યું.
‘હું ગાળ નથી દેતી. તારા પિતાએ મને કહ્યું, ‘રે પાપિણી ! કોઈ આવી દુષ્ટ સ્ત્રી હતી હશે, જે પોતાના પુત્રને જન્મતાંની સાથે ઉકરડા પર ફગાવી દે. અરે, પુત્રથી પિતાને ચિંતા કેવી ? પુત્ર તો પિતાની લાકડી છે. ઓહ ! જો આ મારો પુત્ર અભય છે, પણ કેવો પુત્ર છે ? પુત્રના પિતા થવાનું પણ ભાગ્યમાં લખાયું હોય તો જ બને છે.
ચેલારાણી બોલતાં થંભ્યાં.
વાહ રે પિતા ! ધન્ય છે તમને !' રાજા અશોકથી આપોઆપ બોલાઈ ગયું. ‘તારા પિતા મહાન છે. મહાન ગુણો સાથે થોડાક મહાન દોષો હોય તો ભલે હોય. વત્સ ! રાજાને સુજન કોણ રહેવા દે છે ?”
‘મા, આગળ વાત કહે . તેં પછી શું કર્યું ? જન્મેલા બાળકનું શું થયું ?' અશોક પ્રશ્ન પૂછી રહ્યો.
રાજગૃહીના મિનારાઓ પર સંધ્યાની છેલ્લી છટા પ્રસરી રહી હતી. દેવાલયોમાં આરતીની ઝાલર બજી ઊઠવાની તૈયારીમાં હતી.
48 D શત્રુ કે અજાતશત્રુ
7
માતાને વખાણું કે પિતાને વંદુ ?
માણસના હૃદયમાં પ્રસરતા સ્વાર્થના અંધકારની જેમ રાતનો અંધકાર આખી પાટનગરી પર પ્રસરતો જતો હતો. ને એ અંધકારને ફેડવા કર્તવ્યનાં નાનાંશાં કોડિયાં જ્યાં ત્યાં જગવવાનો પ્રયત્ન થઈ રહ્યો હતો.
આવું એક નાનુંશું કોડિયું જલાવીને રાણી ચેલા પોતાના પુત્ર અને મગધના સર્વસત્તાધીશ રાજરાજેશ્વર અશોક પાસે આવ્યાં હતાં.
શંકા તો હતી જ કે આટલું નાનુંશું કોડિયું મગધમાં પ્રસરેલા નિબિડ અંધકારમાં પ્રકાશ પાથરી શકશે ખરું ? છતાં પ્રયત્નમાં પુરુષાર્થી આત્મા હાર માનતો નથી. રાણી ચેલાએ વાત આગળ વધારતાં પુત્રને કહ્યું,
‘વત્સ ! આખરે તારો જન્મ થયો. હું તો પ્રસૂતિની પીડામાં હતી ને મારી વિશ્વાસુ દાસીએ તને ઉઠાવ્યો. એક રેશમી ગોદડીમાં તને વીંટ્યો, અને અંધકારમાં બહાર સરી ગઈ. દરવાનોએ એને રોકી નહિ. એ બધાની જાણીતી વિશ્વાસુ દાસી હતી. એ તને એક ઉકરડા પર મૂકીને ઝડપથી પાછી ફરી, ત્યારે મારી પીડા ઓછી થઈ હતી. મેં દાસીને એટલુંય ન પૂછ્યું કે પુત્ર હતો કે પુત્રી? રૂપાળો હતો કે કદરૂપો? કોના જેવો હતો, મારા જેવો કે એના બાપ જેવો? યજ્ઞમાં કોઈ સમિધ હોમાતું હોય એવી મારે હૈયે વેદના હતી. ને ભાવિની શુભ સંભાવનાની કોઈ આશામાં વર્તમાનકાળની વેદના વેઠી રહી. સંસારનો એકાદ જ્વાળામુખી પણ મારા આટલા ત્યાગથી બુઝાઈ જાય તોય બસ હતું.'
એ વખતે અશોક ! તારા પિતા ધસમસતા આવ્યા. આવે વખતે કોઈ પુરુષ પત્ની પાસે ન જાય, પણ તારા પિતા તો પ્રેમમાં ને યુદ્ધમાં હંમેશાં આગળ રહેનારા હતા. મનમાં ધાર્યું, પછી સંકોચ સેવનારા નહોતા. બીજા રાજાઓની જેમ સૌ ઉંદર મારી મીનીબાઈ પાટલે બેસે, એવા મતના એ નહોતા, એ કહેતા કે માણસથી ભૂલ