________________
રાજાને સુજન કોણ રહેવા દે ?
રાજા અશોકચંદ્ર ઘણે દિવસે આજે નિરાંત અનુભવતો હતો. રાજકારણી જીવોના જીવનમાં ક્યારે આંધી, વાવંટોળ કે ભૂકંપ આવીને ખડાં થઈ જશે, એ કંઈ કહેવાતું નથી. એમનાં બેસણાં જ્વાલામુખી પર જ હોય છે. એટલે રાજાઓ આવી ક્વચિત્ લાધતી નિરાંતની ઘડીને વિવિધ રીતે રળિયામણી કરી લેતાં હોય છે.
આ માટે જ રાજાના એક રાત્રિના વિલાસ પાછળ કેટલીય સુંદરીઓને જીવનભર વિધવા જેવું જીવન વેઠવું પડે છે. પતિરાજ સાથેની એક રાત્રિ જ કેટલીય સુંદરીઓની જીવનભરની સૌભાગ્યરાત્રિ બની જાય છે.
રાજાને અનેક પત્નીઓ રહેતી, ઉપપત્નીઓ રહેતી, વાટેઘાટે પણ કાળઅકાળે પ્રેમ કરવા પ્રેમિકાઓ સાંપડતી. એમાં ન જાણે કોને કોને પોતાનાથી પુત્રપુત્રી પેદા થતાં એનીય રાજાને જાણ ન રહેતી. ઔરસ કે અનૌરસ પુત્ર-પુત્રીનો ભારે શંભુમેળો થઈ રહેતો. ફક્ત પીરાણીના પેટે જન્મતા પુત્રનો આનંદ કદીક ઉરે વસતો, ક્યારેક એ પણ વિસ્મરણ પામતો. પણ રાજા અશોકે પોતાની પ્રિય પટરાણી પદ્માએ જ્યારે પુત્રરત્નને જન્મ આપ્યો ત્યારે આખા રાજ્યમાં ઉત્સવ ઊજવ્યો હતો ને પુત્રનું નામ ઉદય રાખ્યું હતું.
ઉદય ખરેખર સુંદર હતો. પણ એની પાસેથી એનો પિતા દિવસોથી ખોવાયેલો હતો. પુત્રના જન્મ વખતે પિતા મુખદર્શન કરીને ગયો તે ગયો, તે ઘણે દિવસે આજે આવી શક્યો હતો. અલબત્ત, એથી એને પોતાના પુત્ર પર પ્રેમ નહોતો, એમ નહોતું. પણ રાજ કારણની વિટંબનાઓ એવી હોય છે કે બાળક તો શું, માણસથી પોતાની જાત પણ ભુલાઈ જાય છે.
ઘણે દિવસે આજે એ કૌટુંબિક જીવન માણતો હતો. રાણી પદ્મા સોળ શૃંગાર
કરીને બેઠી હતી. એનું સૌંદર્ય વાસંતી વેલ પર ખીલી ઊઠેલી ફૂલોની જેમ સૌરભ પ્રસારી રહ્યું હતું.
ગુલાબના ગોટા જેવો બાળક હીરચીરનાં પાથરણાં પર પડ્યો પડયો નાના નાના હાથ-પગ ઉછાળી રહ્યો હતો.
રાજા અશોકે એક વાર પત્નીના સૌંદર્યને આંખોથી પી લીધું. બીજી વાર એ પુત્રને આંખથી નિહાળી રહ્યો. અને હાથી જેમ ફૂલને ઊંચકી લે એમ એણે બાળકને ઊંચકી લીધો. એના ગોરા ગોરા ગાલને ચૂમી લીધા, એક વાર, બે વાર, અનેક વાર, પણ એને ધરવ ન થયો.
પુત્ર તરફના વાત્સલ્ય ભાવમાં હૈયા પર બંધાયેલા રાજ -પ્રપંચના બંધ છૂટી ગયા, એ માણસ બની રહ્યો. માનવીના દિલમાં રહેલા કુટુંબવાત્સલ્યના ધોધમાં એ નાહી રહ્યો.
રાણી પદ્મા નીચે મુખે ભોજનનો થાળ સજાવી રહ્યાં હતાં. માથા પરથી મલીર ખસી ગયું હતું અને ગુંથેલો કલામય અંબોડો જોનારની નજરને જાણે પોતાનામાં ગુંથી રહ્યો હતો.
આ સૌંદર્યની મીઠાશ વધુ કે આ ભોજનની મીઠાશ વધુ. રાજાના દિલમાં એકાએક પ્રશ્ન જાગી ગયો. એ પોતાની જાતને ભૂલી ગયો. પોતાના પદને ભૂલી ગયો; રાજા માનવ બની ગયો, સાદો-સીધો ગૃહસ્થ બની ગયો.
પદ્મારાણી થોડી વારે ભોજનનો થાળ વિધવિધ વાનીઓથી સજાવી માથું ઊંચું કરીને પતિને જોઈ રહી. એ દૃષ્ટિમાં સ્પષ્ટ બે ભાવ હતા : એક ગમાનો, બીજો અણગમાનો. એ રાણી હતી, રાજાને પરણી હતી, પણ રાજા અશોક એને ગમતો નહિ; માણસ અશોક પર એને અવશ્ય પ્યાર હતો.
અશોક જ્યારે રાજાની ભૂમિકામાં જીવતો, ત્યારે રાણીને આલિંગન આપતાં ડરતો – રખેને કોઈ કાવતરાબાજોએ એનાં વસ્ત્રોમાં વિષ ભેળવ્યું હોય. અથવા તો બધી ભૂતાવળો ભૂલવા રાણીના સૌંદર્યમધુને રાજકારણી પ્રપંચથી થાકેલો રાજા પાગલની જેમ આસ્વાદતો. ઘડીમાં એને કચડી નાખતો, ઘડીમાં એને ઉપાડીને ફેંકી દેતો.
આજ અશોક માનવ હતો; દેવ ન હતો, દાનવ ન હતો. રાણી પદ્મા આનંદમાં નિમગ્ન બની ગઈ. એના જીવનનો આ સુમધુર દિવસ હતો. અને એ દિવસની યાદમાં જ એને બીજા કઠિન દિવસો ગુજારવાના હતા.
દિવસો પણ કેવા કઠિન ! ત્યક્તાના નઠારા નસીબ જેવા ! રાણી પદ્માની નજર સામે એની સાસુ રાણી ચેલાના દિવસો આવી ગયા.
રાજાને સુજન કોણ રહેવા દે ? | 43